- National
- ઈન્ડિગો સંકટ વચ્ચે સરકારે ફિક્સ ભાડું નક્કી કર્યું, 500 કિમીના લઈ શકશે આટલા રૂપિયા
ઈન્ડિગો સંકટ વચ્ચે સરકારે ફિક્સ ભાડું નક્કી કર્યું, 500 કિમીના લઈ શકશે આટલા રૂપિયા
ઈન્ડિગો એરલાઇન્સમાં સર્જાયેલા સંકટ અને વ્યાપક ફ્લાઇટ રદ્દીકરણના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હવે કડક વલણ અપનાવ્યું છે અને ઘણી મોટી માર્ગદર્શિકાઓ જારી કરી છે. સરકારે તાત્કાલિક અસરથી ઈન્ડિગોને મુસાફરોને તેમના પૈસા પરત કરવા આદેશ આપ્યો છે, તેમજ અન્ય એરલાઇન્સ દ્વારા કરવામાં આવેલી બેફામ ભાડા વધારા પર પણ લગામ કસી છે.
મંત્રાલયે અસરગ્રસ્ત રૂટ્સ પર યોગ્ય અને વાજબી ભાડું સુનિશ્ચિત કરવા માટે તેની રેગ્યુલેટરી પાવરનો ઉપયોગ કર્યો છે. સરકારે એરલાઇન્સને નિર્દેશ આપ્યો છે કે તેઓ નિર્ધારિત હવાઈ ભાડા કરતાં વધુ વસૂલ ન કરે.
ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે ભાડાની મહત્તમ મર્યાદા જાહેર
સરકારે તમામ ડોમેસ્ટિક શેડ્યૂલ્ડ એરલાઇન્સ માટે હવાઈ ભાડાની મહત્તમ મર્યાદા (કેપ) નક્કી કરી દીધી છે. હવે એરલાઇન્સ મુસાફરો પાસેથી નીચે આપેલ મર્યાદા કરતાં વધુ ભાડું વસૂલી શકશે નહીં:
| અંતર (કિ.મી.) | મહત્તમ ભાડું (રૂપિયામાં) |
| 500 કિમી સુધી | 7,500 |
| 500-1000 કિમી | 12,000 |
| 1000-1500 કિમી | 15,000 |
| 1500 કિમીથી વધુ | 18,000 |

ઈન્ડિગોને રિફંડ અને બેગેજ માટે કડક આદેશ
હજારો મુસાફરોની યાત્રા ખોરવાઈ જવાના પગલે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શનિવારે ઈન્ડિગોને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે:
- રદ્દ કરાયેલી ફ્લાઈટ્સ માટે ટિકિટ રિફંડની પ્રક્રિયા રવિવાર સાંજ સુધીમાં પૂરી કરી દેવામાં આવે.
- મુસાફરોના છૂટી ગયેલા સામાનને આગામી 48 કલાક (બે દિવસ)માં શોધીને તેમના સુધી પહોંચાડવામાં આવે.
- જે મુસાફરોની ટ્રાવેલ પ્લાન રદ્દ અથવા અસરગ્રસ્ત થઈ છે, તેમની પાસેથી કોઈપણ રેશિડ્યુલિંગ ચાર્જ વસૂલવામાં ન આવે.
મંત્રાલયે ચેતવણી આપી છે કે રિફંડ પ્રક્રિયામાં કોઈપણ પ્રકારનો વિલંબ અથવા નિયમોનું પાલન ન કરવા બદલ તાત્કાલિક નિયમનકારી કાર્યવાહી કરવામાં આવશે.
ડેડિકેટેડ સપોર્ટ સેલની સ્થાપના
મુસાફરોની સુવિધા અને ફરિયાદ નિવારણ સુનિશ્ચિત કરવા માટે, મંત્રાલયે ઈન્ડિગોને ડેડિકેટેડ પેસેન્જર સપોર્ટ અને રિફંડ ફેસિલિટેશન સેલ્સ સ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સેલ્સનું કાર્ય અસરગ્રસ્ત મુસાફરોનો સંપર્ક કરવો અને ખાતરી કરવી છે કે તેમને રિફંડ અને અન્ય ટ્રાવેલ વ્યવસ્થા માટે વારંવાર ફોલો-અપ ન કરવું પડે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે ઓપરેશન સંપૂર્ણપણે સ્થિર ન થાય ત્યાં સુધી ઓટોમેટિક રિફંડ સિસ્ટમ સક્રિય રહેશે.

ઈન્ડિગોએ ઓપરેશન સ્થિર કરવાની ખાતરી આપી
ઈન્ડિગોના ઓપરેશનમાં આવી રહેલી સમસ્યાઓ પર એરલાઇન દ્વારા શનિવારે નિવેદન જારી કરવામાં આવ્યું છે. ઈન્ડિગોએ કહ્યું કે એરલાઇન સમગ્ર નેટવર્કમાં તેના ઓપરેશનને પાટા પર લાવવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરી રહી છે.
ઈન્ડિગોએ જણાવ્યું કે, અમારી ટીમો શેડ્યૂલને સ્થિર કરવા, વિલંબ ઘટાડવા અને આ સમયગાળા દરમિયાન ગ્રાહકોને મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. શનિવારે રદ્દીકરણની સંખ્યા ઘટીને 850 ફ્લાઇટ્સથી નીચે આવી ગઈ છે, જે ગઈકાલની સરખામણીમાં ઘણી ઓછી છે. અમે આગામી કેટલાક દિવસોમાં આ સંખ્યાને ધીમે ધીમે ઘટાડવાની દિશામાં કામ કરી રહ્યા છીએ.

