- Sports
- ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ
ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ
ક્રિકેટમાં અત્યાર સુધી ઘણી વખત મેચ રદ થવાનું કારણ વરસાદ રહ્યો છે, જ્યારે કેટલીક મેચ શરૂઆત પહેલા ખરાબ પીચ કન્ડિશનને કારણે પણ રદ કરવામાં આવે છે. પરંતુ આવું પહેલી વખત થયું છે જ્યારે, ઇનિંગ્સ બ્રેક દરમિયાન પીચ અચાનક ખરાબ થવાને કારણે મેચ રદ કરવામાં આવી હોય. ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી મહિલા બિગ બેશ લીગ (WBBL)ની વર્તમાન સીઝનમાં એડિલેડ સ્ટ્રાઇકર્સ અને હોબાર્ટ હરિકેન્સ વચ્ચેની મેચ દરમિયાન આ ઘટના બની હતી. ઇનિંગ્સ બ્રેક દરમિયાન પીચમાં ખાડો હોવાને કારણે અમ્પાયરોએ મેચ રદ કરવાનો નિર્ણય લીધો હતો.
મહિલા બિગ બેશ લીગમાં એડિલેડ સ્ટ્રાઇકર્સ અને હોબાર્ટ હરિકેન્સ વચ્ચેની મેચ દક્ષિણ ઓસ્ટ્રેલિયાના કારેન રોલ્ટન ઓવલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી હતી. એડિલેડ સ્ટ્રાઇકર્સે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. ઇનિંગ્સ બ્રેક દરમિયાન જ્યારે પીચ પર રોલર ફરી રહ્યું હતું, ત્યારે અચાનક એક બોલ રોલરની નીચે આવી ગયો, જેના પરથી રોલર પસાર થવાને કારણે પીચમાં એક મોટો ખાડો પડી ગયો. WBBLના નિયમો અનુસાર, ઇનિંગ્સ બ્રેક દરમિયાન પીચ પર રોલર ફેરવવામાં આવે છે. આ દરમિયાન જ્યારે આ મેચમાં આકસ્મિક રીતે રોલર ફરવા દરમિયાન બોલ આવ્યો અને તે અંદર ઘૂસી ગયો, જેના કારણે ખાડો બની ગયો.
https://twitter.com/WBBL/status/1996905815626883415?s=20
પીચમાં ખાડો પડવાને કારણે મેચ રદ થયા બાદ, એડિલેડ સ્ટ્રાઈકર્સે એક નિવેદન જાહેર કર્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે પીચની સ્થિતિ ખૂબ બદલાઈ ગઈ હતી. મેચ રેફરી અને અમ્પાયરો વચ્ચેની વાતચીત બાદ એમ માનવમાં આવ્યું કે એડિલેડ સ્ટ્રાઈકર્સની બેટિંગ બાદ બનેલા ખાડાને કારણે પીચના વર્તનમાં બદલાવ થયો હાવાથી હરિકેન્સ પાસે બેટિંગ કરવાની અપેક્ષા રાખવી અયોગ્ય છે.
https://www.instagram.com/p/DR4UY8Lk5Fo/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==
બંને ટીમોના કેપ્ટનો પાસેથી મેચ અધિકારીઓએ સલાહ લીધી અને તેને રદ કરવાના નિર્ણય પર સહમત હતા. તમને જણાવી દઈએ કે મેચ રદ થયા બાદ બંને ટીમોને 1-1 પોઈન્ટ આપી દેવામાં આવ્યો હતો.

