- Gujarat
- LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણ...
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે
મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું છે. તેની અસર ગુજરાત સહિત દેશભરમાં જોવા મળી રહી છે. સરકારે ગેસની અછતને ધ્યાનમાં લઈને કોમર્શિયલ ગેસ સિલિન્ડર ન આપવાનો નિર્ણય લીધો છે. ઘરેલુ ગેસનો પુરવઠો ચાલુ રહેશે. સાથે સરકારે 21 દિવસને બદલે 25 દિવસમાં ગેસ બુકિંગ કરવા માટેનો નિયમ બનાવ્યો છે. છતા ઘણા શહેરોમાં LPG ગેસની અછત જોવા મળી રહી છે. હોટેલ, રેસ્ટોરાં, લારી-ગલ્લા બંધ કરવાની નોબત આવી છે. લોકો LPG ગેસ સિલિન્ડર લેવા માટે કલાકો લાઇનમાં ઊભા રહે છે.
કોમર્શિયલ ગેસની બોટલો મળતી નથી અને મળે તો કાળા બજારમાં 3000 થી 4000 રૂપિયામાં મળે છે. જેને પગલે ખાણી-પીણીનો ધંધો કરતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કેટલાક વેપારીઓને તો ગેસની બોટલ ન મળતા ધંધો બંધ કરવો પડ્યો છે. તો કેટલાક વેપારીઓ ગેસ સિલિન્ડરના બદલે કોલસાના ચૂલાથી વ્યવસાય કરી રહ્યા છે. જોકે કોલસાના ચૂલાથી ફૂડ તૈયાર કરવામાં ખૂબ સમય લાગતો હોવાથી ધંધો ખૂબ ઓછો થઈ રહ્યો છે. જેને કારણે વેપારીઓ હવે ઝડપથી ગેસ સિલિન્ડર મળે એવી માંગ કરી રહ્યા છે.
વેસ્ટ એશિયાના સંઘર્ષ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં વિક્ષેપને કારણે ગુજરાતમાં હાલમાં LPG ગેસ સિલિન્ડરની સપ્લાયમાં અછત જોવા મળી રહી છે. ઘણા એજન્ટો કહી રહ્યા છે કે બાટલાની ટ્રકો આવી રહી નથી, જેથી બુકિંગ થતી નથી અને ડિલિવરીમાં વિલંબ થઈ રહ્યો છે. આ સમસ્યા મુખ્યત્વે કોમર્શિયલ સિલિન્ડરોને અસર કરી રહી છે, જેના કારણે રેસ્ટોરાં અને હોટેલોમાં થાળીમાં 4 શાકના બદલે હવે માત્ર 2 જ શાકના વિકલ્પ આપવામાં આવી રહ્યા છે અને કેટલીક જગ્યાએ કામગીરી પણ અટકી ગઈ છે.
બીજી તરફ, ઘરગથ્થુ ઉપયોગ માટે સરકારે ઔદ્યોગિક ગેસનું 50% કાપ કરીને પ્રાથમિકતા આપી છે, પરંતુ પેનિક બુકિંગને રોકવા બુકિંગ વચ્ચેનો ગેપ 25 દિવસ સુધી વધારી દેવામાં આવ્યો છે. આ તંગીને કારણે લોકો ઇન્ડક્શન સ્ટવ તરફ વળ્યા છે, જેથી ઇલેક્ટ્રોનિક દુકાનો અને ઓનલાઈન પ્લેટફોર્મ પર ઇન્ડક્શન સગડીઓનો સ્ટોક ઝડપથી ખાલી થઈ રહ્યો છે અને સેલ્સમાં અચાનક ધમાકો થયો છે.
જોકે, પેટ્રોલ પંપ પર કોઈ હાડમારી કે લાંબી લાઈનો જોવા મળી રહી નથી કારણ કે, પેટ્રોલ-ડીઝલની સપ્લાય હજુ સ્થિર છે અને ફક્ત અફવાઓથી કેટલીક જગ્યાએ અસ્થાયી રશ જોવા મળ્યો હતો. સરકાર અને તેલ કંપનીઓ વધુ પ્રોડક્શન અને વૈકલ્પિક સ્ત્રોતો દ્વારા સ્થિતિ સુધારવાના પ્રયાસ કરી રહી છે, પરંતુ હાલમાં ઘરેલુ રસોડાઓમાં ચિંતા વધી રહી છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, વેપારી મયુર માછીએ જણાવ્યું હતું કે, ખૂબ જ પરેશાની થઈ રહી છે. અમે ગરીબ માણસ છીએ. દિવસનો માંડ 1000-2000નો ધંધો થાય છે અને એમાં અમારે ઘર ચલાવવાનું હોય છે. દુકાનનું 5000 રૂપિયા તો ભાડું આપવાનું હોય છે. હવે અત્યારે ગેસના બોટલ મળતા નથી એટલે મજબૂરીમાં અમારે લાકડા અને કોલસાના ચૂલા પર ધંધો કરવો પડે છે. પહેલાં 2000-3000 રૂપિયાની ઘરાકી રહેતી હતી પણ અત્યારે ધંધો સાવ ઠપ્પ થઈ ગયો છે.
તેણે વધુમાં જણાવ્યું હતું કે, અમારી હાલત ખૂબ જ ખરાબ છે. ઘરનું 7000 રૂપિયા જેવું ભાડું ચડી ગયું છે. એક લાખ રૂપિયાની લોન ચાલી રહી છે, જેના હપ્તા પણ બાઉન્સ થઈ રહ્યા છે. ગેસની આ કન્ડિશનને કારણે ફેમિલી ચલાવવું હવે મુશ્કેલ બની ગયું છે. હું જ્યારે બોટલ લેવા ગયો ત્યારે મને 4500 રૂપિયા જેવો ભાવ કહેવામાં આવ્યો હતો. બ્લેકમાં પણ 3 ગણા ભાવ વસૂલવામાં આવે છે. અત્યારે જો અમે બુકિંગ કરાવીએ તો પણ 1800-2000 રૂપિયા જેવો ભાવ માંગે છે. આટલા મોંઘા ભાવે બાટલો લઈને ધંધો કરવો અમારા જેવા નાના વેપારીઓ માટે શક્ય નથી.
વેપારી અરવિંદ મહતોએ જણાવ્યું હતું કે, મારી ઓમલેટની લારી છે. અત્યારે ગેસ સિલિન્ડર નથી મળી રહ્યા. તેના કારણે મારી લારી બંધ થઈ ગઈ છે. મારી આ લારી પર મારો 5 સભ્યોનો પરિવાર નભે છે. અત્યારે લારી બંધ હોવાથી મારા બાળકોના ભણતર અને ઘરનો ખર્ચ ક્યાંથી કાઢીશ? અત્યારે ખૂબ પરેશાની છે. જો 10-15 દિવસ લારી બંધ રહેશે તો અમે શું કરીશું? 10-15 દિવસ સુધી બોટલ નહીં મળે. જો આટલા દિવસ કામ નહીં મળે તો અમે શું ખાઈશું? મારી પાસે અત્યારે બીજો કોઈ ધંધો નથી અને બાળકોની ફી ભરવાના પણ પૈસા નથી.
તેણે કહ્યું કે, લગભગ 30 વર્ષથી ચલાવું છું પણ આવું પહેલીવાર બન્યું છે. અમે તો એટલું જ ઈચ્છીએ છીએ કે અમને ગેસ મળી રહે, જેથી અમારો ધંધો ચાલુ થાય અને મારા 5 સભ્યોના પરિવારનું પેટ ભરી શકાય. અત્યારે ખૂબ પરેશાની છે. મારે રોજનો 200 રૂપિયા જેટલો ખર્ચ તો ચા-પાણી અને બાળકોના સ્કૂલ-રીક્ષા ભાડામાં જ થાય છે. એ બધું ક્યાંથી કાઢવું? મારો પૂરો પરિવાર આના પર જ નિર્ભર છે. આજે લારી બંધ છે તો અમને ખાવા-પીવાની પણ ફાફા પડી રહી છે.
વેપારી યશકુમારે જણાવ્યું હતું કે, ‘હવે શું કરીએ ગેસ સિલિન્ડર મળતા નથી, બ્લેકમાં મળવાનું પણ બંધ થઈ ગયું છે અને કોમર્શિયલ પણ નથી મળતા એટલે અત્યારે અમે કોલસા નાખીને ચૂલાથી કામ ચલાવીએ છીએ. ખૂબ જ મુશ્કેલી પડે છે. કામ બહુ ધીમે થાય છે. પહેલા કરતા અત્યારે ધંધો ખૂબ ઓછો થાય છે. ધંધામાં બહુ મોટી અસર પડી છે.
ગેસ કરતા ચૂલામાં ઘણો વધારે સમય લાગે છે. જે કામ ગેસ પર 5-10 મિનિટમાં થઈ જતું હતું, એમાં હવે અડધો કલાક કે તેથી વધુ સમય જાય છે. ઘણા ગ્રાહકો રાહ જોતા નથી અને આગળ નીકળી જાય છે. અત્યારે તો અમે આ ચૂલો ચાલુ કર્યો છે પણ ધીમે-ધીમે આ લાઈનમાં બધાએ જ આવું કરવું પડશે કારણ કે, બોટલ તો ખતમ થઈ જશે. અમારી પાસે જે હતા એ પૂરા થઈ ગયા છે અને નવા મળતા નથી.
વેપારી ઉપેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, અત્યારે તો ખૂબ જ પરેશાની છે, પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે હવે ધંધો બંધ કરવો પડે એમ છે. અત્યારે મારી પાસે એક પણ ગેસનો બાટલો નથી. હું અત્યારે ગેસનો બાટલો જ શોધી રહ્યો છું. જો ગેસ નહીં મળે તો પછી કોલસાની ભઠ્ઠી કે એવું કંઈક લાવવું પડશે. અત્યારે તો એ જ વિચારી રહ્યા છીએ કે આગળ શું કરવું.
તેણે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 2-3 દિવસથી આ પરેશાની છે. અમે બાટલો લેવા ગયા હતા પણ એમણે સ્પષ્ટ ના પાડી દીધી છે કે, અત્યારે કોમર્શિયલ ગેસ મળી રહ્યો નથી. કાળા બજારમાં પણ ક્યાંય ગેસ મળતો નથી. અમારી તો એક જ માંગણી છે કે વહેલી તકે ગેસના બાટલાની વ્યવસ્થા કરવામાં આવે. જો કોમર્શિયલ ગેસ નહીં મળે તો અમારો ધંધો બંધ થઈ જશે.
મારા પરિવારમાં 4 સભ્યો છે અને આખો પરિવાર આ ધંધા પર જ નભે છે. આ ઉપરાંત, મારી સાથે કામ કરતા માણસોની રોજીરોટી પણ આના પર જ આધારિત છે. અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે, જો એ બંધ થાય તો જ ગેસની સપ્લાય સરખી થાય એવું લાગે છે, બાકી તો શું થઈ શકે?
જ્યાં સુધી ઈઝરાયેલ-અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ બંધ ન થાય ત્યાં સુધી આ મામલે કઈ કહી શકાય તેમ નથી. હવે જોવાનું એ રહેશે કે LPG ગેસની અછત કેટલા સમયમાં બંધ થાય છે.

