- National
- લાખો રૂપિયા પગાર છતા મહિલા GST ડેપ્યુટી કમિશનર લાંચ લેતા પકડાઈ; ભાગવા જતા વિજિલન્સ ટીમ સાથે ઝપાઝપી
લાખો રૂપિયા પગાર છતા મહિલા GST ડેપ્યુટી કમિશનર લાંચ લેતા પકડાઈ; ભાગવા જતા વિજિલન્સ ટીમ સાથે ઝપાઝપી
ઉત્તર પ્રદેશના વારાણસીમાં વિજિલન્સ ટીમે રાજ્ય GST વિભાગમાં ડેપ્યુટી કમિશનર અંબિકા સિંહને ₹50,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડી હતી. ધરપકડ દરમિયાન, તેણે ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો અને મહિલા પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી હતી. ત્યારબાદ, વિજિલન્સ ટીમે તેને કસ્ટડીમાં લીધી અને પોલીસ સ્ટેશન લઈ ગઈ. આ કાર્યવાહીથી વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
અહેવાલો અનુસાર, બજરડીહાના રહેવાસી અજય કુમાર મૌર્ય 'બ્લેકસ્મિથ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ'ના ડિરેક્ટર છે. તેમણે ફેબ્રુઆરી 2023 માટેનું GST રિટર્ન સમયસર ફાઇલ કર્યું હતું, પરંતુ કેટલાક વાંધાઓને કારણે તેમની ફાઇલ ફરીથી તપાસ માટે GST ઓફિસમાં પહોંચી હતી. એવો આરોપ છે કે ડેપ્યુટી કમિશનર અંબિકા સિંહે ફાઇલ ક્લિયર કરવા અને કર સંબંધિત બાબતને મંજૂરી આપવાના બદલામાં ₹50,000ની લાંચ માંગી હતી.
ઉદ્યોગપતિએ શરૂઆતમાં લાંચ આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ દબાણ પછી, તેમણે વિજિલેન્સ વિભાગનો સંપર્ક કર્યો. ફરિયાદ મળ્યા બાદ વિજિલેન્સ વિભાગની ટીમે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી; જેમાં આરોપો સાબિત થયા પછી, છટકું ગોઠવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
બુધવારે સાંજે, ફરિયાદીએ અંબિકા સિંહને ભેલુપુર વિસ્તારના 'દાદા રેસ્ટોરન્ટ'માં પૈસા લેવા માટે આવવા કહ્યું હતું. એવો આરોપ છે કે તેણે ₹50,000 ભરેલું પરબિડીયું સ્વીકારતાની સાથે જ, પહેલાથી જ હાજર વિજિલેન્સની ટીમે તેને રંગે હાથે પકડી લીધી.
વિજિલેન્સની ટીમના જણાવ્યા મુજબ, ધરપકડ દરમિયાન અંબિકા સિંહે ભાગવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન તેને રોકવા પહોંચેલી મહિલા પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી અને ધક્કામુક્કી પણ થઈ. ઘટનાસ્થળે ભીડ એકઠી થઈ ગઈ. બાદમાં, વિજિલેન્સની ટીમ તેને સત્તાવાર વાહનમાં પોલીસ સ્ટેશન લઈ ગઈ.
ધરપકડ બાદ, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ વિજિલન્સ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે, હવે ડેપ્યુટી કમિશનર દ્વારા અગાઉ પ્રક્રિયા કરાયેલી અન્ય ફાઇલોની પણ તપાસ કરવામાં આવશે જેથી એ જાણી શકાય કે અન્ય કેસોમાં પણ ગેરરીતિઓ થઈ છે કે નહીં.
વિજિલન્સ વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે જો કોઇ સરકારી કર્મચારી સત્તાવાર કામના બદલામાં લાંચ માંગે છે તો વિભાગના હેલ્પલાઇન નંબર 9454401866 અને 9454401222 દ્વારા ફરિયાદ નોંધાવી શકાય છે.

