- National
- હોસ્પિટલમાં સર્જરી પછી મહિલાના પેટમાં અડધો મીટર કપડું છૂટી ગયું... ડોક્ટર અને CMO સહિત 6 સામે FIR થઇ...
હોસ્પિટલમાં સર્જરી પછી મહિલાના પેટમાં અડધો મીટર કપડું છૂટી ગયું... ડોક્ટર અને CMO સહિત 6 સામે FIR થઇ!
ઉત્તર પ્રદેશના નોઈડામાં એક ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન મહિલાના પેટમાં અડધો મીટર કપડું રહી ગયું. પીડિતાના પરિવારે CMO પર યોગ્ય રીતે તપાસ ન કરી હોવાનો આરોપ લગાવ્યો. હવે ગૌતમ બુદ્ધ નગરના ચીફ મેડિકલ ઓફિસર (CMO) સહિત છ વ્યક્તિઓ સામે નોલેજ પાર્ક પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. કોર્ટના આદેશ પર આ FIR દાખલ કરવામાં આવી છે.
આખો મામલો ગ્રેટર નોઈડાની એક ખાનગી હોસ્પિટલ સાથે સંબંધિત છે, જ્યાં પીડિતા અંશુલ વર્માની 14 નવેમ્બર, 2023ના રોજ સિઝેરિયન દ્વારા ડિલિવરી કરવામાં આવી હતી. એવો આરોપ છે કે, ઓપરેશન કરનારી ડોક્ટર અંજના અગ્રવાલના બેદરકારીથી કામ કરવાના કારણે મહિલાના પેટમાં લગભગ અડધો મીટર કપડું છૂટી ગયું હતું. આ પછી, મહિલાને 16 નવેમ્બર, 2023ના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.
એવો આરોપ છે કે હોસ્પિટલમાંથી ઘરે લઇ ગયા પછી, પીડિતાની તબિયત સતત બગડતી રહી અને તેને અસહ્ય પેટનો દુઃખાવો થતો રહ્યો. પીડાને દૂર કરવા માટે, પીડિતાએ મુઝફ્ફરનગર અને ગ્રેટર નોઈડાની ઘણી હોસ્પિટલોમાં સારવાર લીધી. આ સમય દરમિયાન, મહિલાએ અલ્ટ્રાસાઉન્ડ, MRI અને અન્ય ઘણા પરીક્ષણો કરાવ્યા, પરંતુ કોઈ ડૉક્ટર મૂળ કારણ પકડી શક્યા નહીં.
તેની સતત બગડતી સ્થિતિના કારણે, 22 એપ્રિલ, 2025ના રોજ કૈલાશ હોસ્પિટલમાં તેનું બીજું ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશન દરમિયાન, ડોકટરોએ તેના પેટમાં લગભગ અડધો મીટર કાપડ શોધી કાઢ્યું. ઓપરેટિંગ ટીમ સ્તબ્ધ થઈ ગઈ. આ દરમિયાન પીડિતાને આઠ યુનિટ લોહી પણ ચઢાવવામાં આવ્યું હતું. પીડિતાનો આરોપ છે કે, તેની પહેલી ડિલિવરી દરમિયાન કપડું હોસ્પિટલમાં છોડી દેવામાં આવ્યું હતું. તેનો દાવો છે કે તેની પાસે પુરાવા તરીકે ઓપરેશનના ફોટા અને વીડિયો છે.
બીજા ઓપરેશન દરમિયાન કપડું મળી આવ્યા પછી, તેના પતિએ CMO નરેન્દ્ર કુમારને ફરિયાદ કરી. CMOએ ડૉ. ચંદન સોની અને ડૉ. આશા કિરણ ચૌધરીને તપાસ અધિકારી તરીકે નિયુક્ત કર્યા. જોકે, એવો આરોપ છે કે, તપાસમાં લગભગ બે મહિના સુધી જાણી જોઈને વિલંબ કરવામાં આવ્યો હતો, અને કપડાની FSL તપાસ પણ કરવામાં આવી ન હતી.
ફરિયાદમાં, પીડિતાનો આરોપ છે કે, ડૉ. અંજના અગ્રવાલ અને તેમના પતિ ડૉ. મનીષ ગોયલએ કેસ દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેમને ચૂપ રહેવાની ધમકી આપી હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, તેમના ઉપર સુધી રાજકીય સંબંધ છે અને કોઈ તેમનું કઈ પણ બગાડી નહીં શકે.
પીડિતાનું કહેવું છે કે, બે મોટી સર્જરીને કારણે, હવે ત્રીજું ઓપરેશન અશક્ય છે. પરિણામે, તે ભવિષ્યમાં બીજા બાળકને જન્મ આપી શકશે નહીં. દોઢ વર્ષ સુધી તેણે જે અસહ્ય પીડા સહન કરી હતી તેના કારણે તે ઘરકામ પણ કરી શકી નહીં. તપાસમાં કોઈ કાર્યવાહી ન થતાં, પીડિતાએ ગૌતમ બુદ્ધ નગરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટનો સંપર્ક કર્યો.
હવે કોર્ટના આદેશ પર, ખાનગી હોસ્પિટલના ડૉ. અંજના અગ્રવાલ, ડૉ. મનીષ ગોયલ, CMO નરેન્દ્ર કુમાર, તપાસ અધિકારી ડૉ. ચંદન સોની અને ડૉ. આશા કિરણ ચૌધરી વિરુદ્ધ નોલેજ પાર્ક પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે.

