- National
- જસ્ટિસ વર્માના ઘરે બળી ગયેલા કરોડો રૂપિયા અંગે નવા ખુલાસા, દીકરીની ભૂમિકા પર તપાસ કમિટીને શંકા કેમ છ...
જસ્ટિસ વર્માના ઘરે બળી ગયેલા કરોડો રૂપિયા અંગે નવા ખુલાસા, દીકરીની ભૂમિકા પર તપાસ કમિટીને શંકા કેમ છે?
આ વર્ષે માર્ચમાં જસ્ટિસ યશવંત વર્માના ઘરથી રોકડ જપ્ત થવાના મામલાની તપાસ કરી રહેલી 3 જજોની કમિટીએ ઘણી વાતો સ્પષ્ટ કરી છે. જજ સાહેબના અસામાન્ય વ્યવહાર અને પુત્રીના બદલાયેલા નિવેદનો પર શંકા વ્યક્ત કરવામાં આવી છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શીલ નાગૂ, હિમાચલ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ જી.એસ. સંધાવાલિયા અને કર્ણાટક હાઈકોર્ટના જજ અનુ શિવરામનની બનેલી કમિટીએ જસ્ટિસ યશવંત વર્માની પુત્રી દિવ્યા વર્માના નિવેદન અને ભૂમિકા પર સવાલ ઉભા કર્યા છે.
કમિટીએ જસ્ટિસ વર્માના દાવાને ફગાવી દીધો કે તેમને ફસાવવા માટે આખો એપિસોડ સેટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, રોકડ વાસ્તવમાં જસ્ટિસ વર્માના સ્ટોર રૂમમાંથી જ મળી આવી હતી અને તેમના 2 વફાદાર સ્ટાફ રાહુલ/હનુમાન પ્રસાદ શર્મા અને રાજિન્દર સિંહ કાર્કીએ સ્ટોર રૂમમાંથી બળી ગયેલી રોકડને હટાવી હતી. 15 માર્ચ, 2025ના રોજ ફાયર વિભાગની ટીમ અને દિલ્હી પોલીસના અધિકારીઓ પરિસર છોડી ગયા પછી આ બધું થયું હતું.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 10 પ્રત્યક્ષદર્શીઓએ બળી ગયેલી રોકડ જોઈ હતી. ઇલેક્ટ્રોનિક પુરાવા જેમ કે વીડિયો રેકોર્ડિંગ અને ફોટોગ્રાફ્સથી પણ આ વાતની પુષ્ટિ થાય છે. ત્યારબાદ તપાસ કમિટીએ જસ્ટિસ વર્માની પુત્રીની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, જસ્ટિસ યશવંત વર્માની પુત્રી દિવ્યા વર્માએ બાલિશ સ્પષ્ટિકરણ આપ્યું કે આ વીડિયો તેમના ઘર સિવાય કોઈ અન્ય જગ્યાનો, કોઈ અન્ય રૂમનો પણ હોય શકે છે. જસ્ટિસ વર્માની પુત્રીએ ઘટનાના વીડિયોમાં તેમના સ્ટાફ મેમ્બર રાજેન્દ્ર સિંહ કાર્કીનો અવાજ ઓળખવાનો ઇનકાર કરી દીધો હતો, જ્યારે સ્ટાફે પોતે સ્વીકાર્યું છે કે, આ વીડિયોમાં તેમનો અવાજ છે. જાહેર છે કે દિવ્યા વર્મા કમિટી સામે તથ્યો છુપાવવાનો પ્રયાસ કરી રહી હતી.
તપાસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેમાં કોઈ શંકા નથી કે દિવ્યા વર્માએ ફાયર સ્ટેશનને ફોન કરીને આગ લાગવાની જાણ કરી હતી. જો કે, બાદમાં તેણે ફાયર વિભાગને જાણ કરી હતી કે તેમણે આવવાની જરૂરિયાત નથી કારણ કે આગ બુઝાઈ ચૂકી છે. જસ્ટિસ વર્માની પુત્રીએ 7 એપ્રિલ 2025ના રોજ નિવેદન આપ્યું હતું કે તેમને સ્ટોર રૂમમાં અડધી સળગી ગયેલી રોકડની જાણકારી 15 માર્ચ 2025ના રોજ મળી, જ્યારે હાઇકોર્ટના ચીફ જસ્ટિસના PPSએ સ્ટોર રૂમનું નિરીક્ષણ કર્યું. જોકે, બાદમાં તેમણે તેને ગભરાટમાં આપેલું નિવેદન ગણાવતા તેને પરત લેવાની મંજૂરી માગી, પરંતુ કમિટીએ તેની મંજૂરી ન આપી.

