- National
- શું છે ‘તલાક-એ-હસન’, કેમ તેની ખૂબ ચર્ચા થઈ રહી છે? જાણો
શું છે ‘તલાક-એ-હસન’, કેમ તેની ખૂબ ચર્ચા થઈ રહી છે? જાણો
સુપ્રીમ કોર્ટે ઇસ્લામમાં પ્રચલિત ‘તલાક-એ-હસન’ ઉપર ચિંતા વ્યક્ત કરી છે. આ પ્રથા હેઠળ પતિ 3 મહિનામાં 1-1 વખત ‘તલાક’ શબ્દ બોલીને નિકાહ ખતમ કરી શકે છે એટલે કે પતિ-પત્ની વચ્ચે છૂટાછેડા થઈ શકે છે. સુપ્રીમ કોર્ટમાં ‘તલાક-એ-હસન’ની બંધારણીય કાયદેસરતાને પડકારવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે તે 'અતાર્કિક, મનસ્વી તથા ગેરબંધારણીય છે. કારણ કે તે મહિલાઓનાં સમાનતા, સન્માન તથા ગરિમાના અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની બેન્ચે તલાક-એ-હસનની પ્રક્રિયા ઉપર ટિપ્પણી કરતા પૂછ્યું હતું કે, ‘આધુનિક સમાજમાં આવી પ્રથાને કેવી રીતે સ્વીકાર કરી શકાય?’ BBCના અહેવાલ અનુસાર, સુપ્રીમ કોર્ટના વકીલ ફુજૈલ અહમદ અય્યૂબીએ કહ્યું હતું કે કોર્ટની કાર્યવાહી અંગે કંઈક ગેરસમજ થઈ છે. કોર્ટે આ ટિપ્પણી તલાક-એ-હસન ઉપર નહીં, પરંતુ એ દલીલની સામે કરી હતી, જેમાં બેન્ચને જણાવવામાં આવ્યું હતું કે તલાકની નોટિસ મોટાભાગના કેસોમાં વકીલો મર્ફત જ મોકલવામાં આવે છે.
એક મહિલા અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેનું કહેવું હતું કે તલાકનાં કાગળિયાં ઉપર પતિની સહી નથી એટલે તેના બાળકને નવી શાળામાં એડમિશન મળી રહ્યું નથી અને પ્રક્રિયા અટકેલી છે. કેસની વિગતો મુજબ, પત્નીએ વકીલ માર્ફત જ તલાક આપ્યાં અને બીજી વખત નિકાહ કરી લીધાં. કોર્ટે વકીલ માર્ફત તલાકની નોટિસ મોકલવાની ઉપર સવાલ ઊઠાવ્યો અને તેને ‘વ્યક્તિગત કાયદા હેઠળ પણ શંકાસ્પદ’ ઠેરવી.
શું છે તલાક-એ-હસન ?
ઇસ્લામિક શરિયતમાં તલાક માટે અનેક પદ્ધતિઓ માન્ય છે, જેમાંથી એક તલાક-એ-હસન પણ છે. તે તલાક-એ-બિદ્દત એટલે કે ઇન્સ્ટન્ટ ત્રિપલ તલાકથી અલગ છે. તેને વધુ સંતુલિત અને વિચારશીલ માનવામાં આવે છે. તલાક-એ-હસનમાં પતિ 3 મહિના કે 3 તુહરમાં (પીરિયડ) 1-1-1 વખત ‘તલાક’ શબ્દ બોલે છે. આ ત્રણ તલાક દરમિયાન પતિ-પત્ની એક જ ઘરમાં રહે છે. જોકે, તેમની વચ્ચે શારીરિક સંબંધ બંધાવા ન જોઈએ. ઇસ્લામમાં એવું માનવામાં આવે છે કે આ પ્રક્રિયા ઉતાવળિયો નિર્ણય લેતા અટકાવે છે તથા તેમાં પારિવારિક કંકાસને શાંતિપૂર્વક ઉકેલવાની તક મળે છે.
અલ્લાહબાદ હાઇકોર્ટનાં વકીલ સાયમા ખાનનું કહેવું છે કે તલાક-એ-હસનને મુસ્લિમ કાયદામાં સારો રસ્તો માનવામાં આવે છે. તેમાં પતિ ત્રણ અલગ-અલગ મહિનામાં, જ્યારે પત્ની પાક હોય, એક-એક વખત તલાક શબ્દ બોલે છે. પહેલી બે વખત તલાક બોલ્યા પછી પણ સંબંધ જાળવી રાખી શકાય છે. ત્રીજી વખત તલાક શબ્દ ઉચાર્યા બાદ તલાક નક્કી થઈ જાય છે. આ પ્રક્રિયા 3 મહિના ચાલે છે, જેથી કરીને સમજી વિચારીને નિર્ણય લેવાની તથા સુલેહની તક મળે છે.’
સાયમા ખાન કહે છે, ‘ભારતમાં તે કાયદેસર અને માન્ય છે. જોકે, તેનું નુકસાન પણ છે, કારણ કે માત્ર પુરુષ જ તલાક આપી શકે છે. તેનાથી મહિલાઓ ઉપર માનિસક તથા આર્થિક દબાણ વધે છે. વિશેષ કરીને પતિ ગુમ થઈ જાય અથવા નોટિસ બનાવટી હોય ત્યારે. વકીલ દ્વારા નોટિસ મોકલવાની કાયદેસરતાને કારણે વિવાદ વકરી જાય છે.’
ઇસ્લામિક જાણકાર તથા જમાત-એ-ઇસ્લામી હિંદના ઉપાધ્યક્ષ સલીમ એંજિનિયરના કહેવા પ્રમાણે, "તલાક-એ-હસન શરૂ કરતા પહેલાં બંને પક્ષોનાં (પતિ-પત્ની) ઘરવાળાઓ વચ્ચે વાતચીત થવી જોઈએ, જેથી કરીને સમાધાનની શક્યતાઓ શોધી શકાય. જો તે શક્ય ન હોય, તો તલાક આપવામાં આવે છે. જેનો સમયગાળો 3 મહિના 10 દિવસનો હોય છે. આ દરમિયાન બંને એક જ ઘરમાં રહે છે. જેથી સમાધાનની શક્યતા રહે છે.’

