- National
- મધ્યપ્રદેશનું સરકારી કામ! ખેડૂતો માટેના લગભગ 5 કરોડના ભંડોળમાંથી 90 ટકા રકમની અધિકારીઓ માટે કાર ખરીદ...
મધ્યપ્રદેશનું સરકારી કામ! ખેડૂતો માટેના લગભગ 5 કરોડના ભંડોળમાંથી 90 ટકા રકમની અધિકારીઓ માટે કાર ખરીદી, મંત્રીનો વિચિત્ર જવાબ
મધ્યપ્રદેશમાં ખેડૂતોના કલ્યાણ માટે બનાવેલા ખાતર વિકાસ ભંડોળ (FDF)ના દુરુપયોગ અંગે એક સનસનાટીભર્યો ખુલાસો થયો છે. વિધાનસભામાં રજૂ કરાયેલા કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG)ના તાજેતરના અહેવાલ મુજબ, રાજ્ય અને જિલ્લા સ્તરે વાહનોના ઉપયોગ પર લગભગ 5 કરોડ રૂપિયાનો બગાડ કરવામાં આવ્યો હતો. વિપક્ષ હવે તેને સરકાર અને અધિકારીઓ વચ્ચેની સાંઠગાંઠ ગણાવી રહ્યું છે, જ્યારે કૃષિ મંત્રી કહી રહ્યા છે કે શું અમારે કાર પણ ન ખરીદવી?
વાત એમ છે કે છેલ્લા 4 વર્ષમાં, ખેડૂતોના કલ્યાણ માટે બનાવેલા ખાતર વિકાસ ભંડોળ (5.31 કરોડ રૂપિયા)માંથી, અધિકારીઓએ 90 ટકા રકમ એટલે કે લગભગ 4.79 કરોડ રૂપિયા વાહનોના ઉપયોગ પર ખર્ચ કર્યા. પરંતુ હદ તો ત્યારે થઇ કે, જ્યારે કૃષિ મંત્રી એદલ સિંહ કંસાનાને આ વિશે સવાલ પૂછવા પર તેમણે, 'શું અમે વાહન પણ ન ખરીદીએ?' એવો ચોંકાવનારો જવાબ આપ્યો હતો.
FDF એટલે કે ખાતર વિકાસ ભંડોળનો ઉદ્દેશ્ય ખેડૂતોના લાભ માટે ખાતર વ્યવસ્થાપનમાં સુધારો કરવાનો, તેમને મહત્વપૂર્ણ સહાય પૂરી પાડવાનો, ખાદ્ય વિતરણ, સંગ્રહ, વિતરણ, નિરીક્ષણ દેખરેખ અને પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓને મજબૂત બનાવવાનો હતો. પરંતુ CAG રિપોર્ટ કહે છે કે, આ કામો પર નજીવો ખર્ચ કરવામાં આવ્યો હતો અને વાહનો પર કરોડોનો બગાડ કરવામાં આવ્યો હતો.
CAGએ તેના રિપોર્ટમાં સ્પષ્ટપણે લખ્યું છે કે, રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓએ ખાતર વિકાસ ભંડોળના 5.31 કરોડ રૂપિયામાંથી 4.79 કરોડ રૂપિયા (90 ટકા) રાજ્ય અને જિલ્લા સ્તરે વાહનોના ઉપયોગ પર ખર્ચ કર્યા હતા, નહીં કે, ખેડૂત કલ્યાણ (ડિસ્કાઉન્ટ, તાલીમ, કૃષિ સાધનો પૂરા પાડવા), પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓના વિકાસ વગેરે પર ખર્ચ કર્યો હતો.
CAGનો આ અહેવાલ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારપછી વિપક્ષ તેને નેતાઓ, અધિકારીઓ અને માફિયાઓની સાંઠગાંઠ ગણાવી રહ્યો છે.
પૂર્વ કૃષિ મંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય સચિન યાદવે જણાવ્યું હતું કે, CAG રિપોર્ટમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ખેડૂતો માટે રાહત, તાલીમ આપવી અથવા સાધનો પુરવઠા જેવા મૂળભૂત કાર્યો પર નજીવો પૈસા ખર્ચવામાં આવ્યા હતા.
ભંડોળના ઉદ્દેશ્યોને અવગણવામાં આવ્યા હતા, જ્યારે વાહનો પર ખર્ચ ચાલુ રહ્યો હતો. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઉભો થાય છે કે શું ખેડૂતોના નામે બનાવેલા પૈસા ખરેખર ક્યારેય ખેડૂતો સુધી પહોંચશે કે નહીં?
મધ્યપ્રદેશ વિધાનસભામાં રજૂ કરાયેલા CAG રિપોર્ટમાં રાજ્ય સરકારના બજેટ મેનેજમેન્ટ પર પ્રશ્નો ઉભા થયા છે. કહેવામાં આવ્યું હતું કે, સરકારે 3.72 લાખ કરોડનું બજેટ પસાર કર્યું હતું, પરંતુ તેમાંથી સરકાર ફક્ત 3.04 લાખ કરોડ ખર્ચ કરી શકી. આ રીતે, 67 હજાર 926 કરોડની રકમ ખર્ચ ન થવાને કારણે લેપ્સ થઈ ગઈ. આ પછી પણ, સરકારે 2 પૂરક બજેટ દ્વારા બીજા 57 હજાર 963 કરોડની માંગ કરી. જ્યારે આવી રકમની બિલકુલ જરૂર નહોતી. બીજી તરફ, સરકારે 2023-24માં 65 હજાર 180 કરોડની લોન લીધી હતી, પરંતુ આ રકમનો 33 ટકા ભાગ લોન ચૂકવવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. CAGએ લોન લેવાની અને લોન ચૂકવવાની વૃત્તિને નિયમો વિરુદ્ધ ગણાવી છે.

