- National
- મંત્રીએ રસ્તા પર પગ મૂકતા નવો બનાવાયેલો રસ્તો તૂટી ગયો, ગુસ્સે થઈ સ્થળ પર જ...
મંત્રીએ રસ્તા પર પગ મૂકતા નવો બનાવાયેલો રસ્તો તૂટી ગયો, ગુસ્સે થઈ સ્થળ પર જ...
સરકારી બાંધકામમાં ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સતના જિલ્લાના રાયગાંવ વિધાનસભા મતવિસ્તારમાં, શહેરી વિકાસ અને ગૃહનિર્માણ રાજ્યમંત્રી પ્રતિમા બાગરીના પગના ભારથી એક નવો બનેલો ડામરનો રસ્તો તૂટી ગયો. રસ્તાની દુર્દશા જોઈને મંત્રી ગુસ્સેથી લાલચોળ થઇ ગયા. તેમણે PWD એક્ઝિક્યુટિવ એન્જિનિયરને ઠપકો આપ્યો અને કોન્ટ્રાક્ટર રાજેશ કૈલાનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક રદ કરવાનો આદેશ આપ્યો. આ સાથે જ તેમણે એન્જિનિયરને અલ્ટીમેટમ પણ આપ્યું કે, જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ સીધા PWD મંત્રીને ફરિયાદ કરશે.
આખો મામલો જિલ્લાના કોઠી તાલુકામાં પોડી-માનકહારી રસ્તાને લગતો હતો. આ લગભગ 3 કિલોમીટર લાંબો રસ્તો PWD દ્વારા બનાવવામાં આવી રહ્યો હતો. મંત્રી પ્રતિમા બાગરી કોઠી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે નવો રસ્તો બનાવાયેલો દેખાતા તેમણે પોતાની કાર રોકી. મંત્રીએ પોતાની કારમાંથી ઉતરીને જેવો રસ્તા પર પગ મુક્યો કે તરત જ ડામરનું ઉપરનું પડ 'પાપડ'ની જેમ તૂટી ગયું.
મંત્રીએ કહ્યું, 'મારા પગ મુકવાથી જ જો સડક તૂટી ગઈ તો, આ રસ્તો ભારે વાહનોના ભારણને કેવી રીતે સહન કરી શકે? આ બાંધકામ નથી કરાયું, તે ઉપરથી ફક્ત લપેડા જ કરવામાં આવ્યા છે.' નિરીક્ષણ દરમિયાન, મંત્રીએ કહ્યું કે, રસ્તો જ માન્ય ધારા ધોરણ વિરુદ્ધ બનાવવામાં આવ્યો હતો. તેમણે ઇજનેરને ઠપકો આપતા પૂછ્યું, 'તમારી દેખરેખ હેઠળ આટલું ખરાબ કામ કેવી રીતે થઈ શકે? જે સબ-ઇજનેરોએ તેનું નિરીક્ષણ કરવાનું હતું, તેઓ ક્યાં ગયા હતા?'
રાજ્યમંત્રી પ્રતિમા બાગરીએ જણાવ્યું કે, રાજેશ કૈલા આ રસ્તાના કોન્ટ્રાક્ટર હોવાનું કહેવાય છે. કાર્યકારી ઇજનેરને તાત્કાલિક કોન્ટ્રાક્ટરનું ટેન્ડર રદ કરવાની સૂચના આપવામાં આવી છે. તેમણે કાર્યકારી ઇજનેરને તે ઇજનેર સામે કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ આપ્યો છે જેણે રસ્તો બનાવવાની મંજૂરી આપી હતી, પરંતુ તેનું નિરીક્ષણ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
તેમણે કહ્યું, 'મેં અધિકારીઓને સૂચના આપી છે. જો તેઓ પગલાં નહીં લે, તો અમે મંત્રીને સંબંધિત અધિકારી સામે કાર્યવાહી કરવા વિનંતી કરીશું.' મંત્રીના ઓચિંતા નિરીક્ષણ અને કડક કાર્યવાહી પછી, જિલ્લાના બાંધકામ વિભાગો અને કોન્ટ્રાક્ટરોમાં ગભરાટ ફેલાયો છે.
મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા અભિનવ બારોલીયાએ આ મુદ્દે BJP સરકારની ટીકા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, 'મધ્યપ્રદેશના મંત્રી ખરાબ રસ્તાઓ પર પોતાની જ BJP સરકાર પર સવાલ ઉઠાવી રહ્યા છે.'
આ ઘટના કોઠી તાલુકામાં બની હતી, જ્યાં પોડીથી માનકહરી સુધીનો લગભગ 3 કિલોમીટરનો રસ્તો બનાવવામાં આવ્યો હતો. રસ્તાના નવીનીકરણના કામને કારણે રસ્તો કાદવ જેવો ઉખડી ગયો છે. પગની ઠોકર લાગવાથી પણ રસ્તાના ઉપરના પડ ઉખડી ગયા હોવાથી રાજ્યમંત્રી ગુસ્સે ભરાયા હતા. જ્યારે બાગરીએ સ્થળ પર હાજર કાર્યકારી ઇજનેરને રસ્તા અંગે પૂછપરછ કરી, ત્યારે ઇજનેરે આ મુદ્દાને ટાળવાનો પ્રયાસ કર્યો, જેનાથી મંત્રી ગુસ્સે થયા. બાગરીએ કાર્યકારી ઇજનેરને ઠપકો આપ્યો અને કોન્ટ્રાક્ટને રદ કરવાનો આદેશ આપ્યો.

