- National
- પાણીપુરી ખાધા બાદ 20થી વધુ બાળકો હોસ્પિટલમાં દાખલ
પાણીપુરી ખાધા બાદ 20થી વધુ બાળકો હોસ્પિટલમાં દાખલ
તેલંગાણાના એક જિલ્લામાં પાણીપુરી ખાધા બાદ 20થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગ થવાની આશંકાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક લારીવાળા પાસેથી પાણીપુરી ખાધા બાદ બાળકોની તબિયત લથડી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, રાજન્ના સિરસિલા જિલ્લામાં સોમવારે સાંજે આ બાળકોએ એક સ્થાનિક ફેરિયા પાસેથી પાણીપુરી ખાધી હતી. સ્થાનિક રહેવાસીઓ અને વાલીઓના જણાવ્યા અનુસાર, મંગળવારની વહેલી સવારથી જ કેટલાક બાળકોને પેટમાં દુખાવો, ઝાડા-ઊલટી જેવા લક્ષણો દેખાવાના શરૂ થયા હતા.

જેમ જેમ અસગ્રસ્ત બાળકોની સંખ્યા વધવા લાગી, તેમ તેમ ગભરાયેલા વાલીઓ પોતાના બાળકોને સારવાર માટે તાત્કાલિક જિલ્લા સરકારી હોસ્પિટલ અને વિવિધ ખાનગી હોસ્પિટલોમાં લઈ દોડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, મંગળવારે સવારથી જ બાળકોની તબિયત એક પછી એક બગડવા લાગી હતી અને સાંજ સુધીમાં હોસ્પિટલમાં દાખલ થનારા બાળકોનો આંકડો 20ને પાર પહોંચી ગયો હતો.
બાળકોના વાલીઓનો દાવો છે કે આ બીમારી સોમવારે સાંજે ખાધેલી પાણીપુરીના કારણે જ થઈ છે. જો કે, તબીબી અને વહીવટી અધિકારીઓએ હજુ સુધી આ બાબતે સત્તાવાર રીતે ચોક્કસ કારણની પુષ્ટિ કરી નથી.
તબીબી સત્તાવાળાઓ હાલમાં તમામ બાળકોની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. આ બીમારી દૂષિત ખોરાકને કારણે થઈ છે કે અન્ય કોઈ કારણોસર, તે જાણવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. રાહતની વાત એ છે કે, હાલમાં મોટાભાગના બાળકો સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

આ શંકાસ્પદ ફૂડ પોઇઝનિંગની ઘટનાનું ચોક્કસ કારણ શોધવા માટે વહીવટીતંત્ર દ્વારા ટૂંક સમયમાં જ ખાદ્ય પદાર્થોના સેમ્પલ એકત્રિત કરવામાં આવે અને તેને લેબોરેટરી ટેસ્ટ માટે મોકલવામાં આવે તેવી શક્યતા છે.

