- Gujarat
- જબરા નંગ ભર્યા છે... સુરતના યુવકે પોતાના જ પરિવાર પાસેથી 50 લાખ પડાવવા માટે એવું કારસ્તાન રચ્યું કે
જબરા નંગ ભર્યા છે... સુરતના યુવકે પોતાના જ પરિવાર પાસેથી 50 લાખ પડાવવા માટે એવું કારસ્તાન રચ્યું કે તમે પણ માથું પકડી લેશો
સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા એક યુવકે પોતાના જ પરિવાર પાસેથી 50 લાખ પડાવવા માટે ફિલ્મી સ્ટાઈલમાં કારસ્તાન રચ્યું હતું. જેને લઈને સનસનીખેજ ખુલાસો થયો છે. 50 લાખ નહીં આપો તો લાશ મળશે તેવો ધમકીભર્યો હિન્દીમાં મેસેજ અને વીડિયો મોકલી પરિવારને ચોંકાવી દેનાર આ શખ્સને ઉત્રાણ પોલીસે ગણતરીના કલાકોમાં ગોધરાની એક હોટલમાંથી સહીસલામત દબોચી લીધો હતો. પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, સુરતના મોટા વરાછામાં ભક્તિનંદન સેક્ટર-2માં રહેતા નિશાબેન તળાવિયાએ ગત 12 જૂનના રોજ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં તેમના 36 વર્ષીય પતિ જીગ્નેશ લાલજીભાઈ તળાવિયા ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જોકે, ફરિયાદ નોંધાયા બાદ અચાનક જ ગુમ જીગ્નેશના મોબાઈલ પરથી પરિવારને એક ડરામણો મેસેજ મળ્યો હતો. હિન્દીમાં લખ્યું હતું કે, ‘આના એકાઉન્ટમાં 50 લાખ નાખો નહીં તો તેની લાશ મળશે. તેનું અપહરણ કરાયું છે. પોલીસને ફરિયાદ કરી કે બેંક ખાતું બંધ કરાવ્યું તો તેને મારી નાખીશું.’ આ મેસેજ અને સાથે આવેલા એક વીડિયોના કારણે પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
મામલાની ગંભીરતાને જોતા ઉત્રાણ પોલીસ સ્ટેશનના PI એચ.આર. ગોસ્વામી અને સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો તાત્કાલિક કામે લાગી હતી. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ, CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ દરમિયાન પોલીસને સચોટ કડી મળતા ગત 15 જૂનના રોજ બપોરે 1:00 વાગ્યે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી શિવ હોટલમાંથી જીગ્નેશ તળાવિયાને સલામત રીતે શોધી કાઢ્યો હતો.
ગોધરાની હોટલમાંથી પકડાયેલા જીગ્નેશની જ્યારે પોલીસે કડકાઈથી પૂછપરછ કરી, ત્યારે તેણે પોતે જ આ આખું નાટક રચ્યું હોવાની કબૂલાત કરી હતી. પરિવાર પાસેથી મોટી રકમ મેળવવા માટે તેણે જાતે જ હિન્દીમાં મેસેજ ટાઈપ કર્યો હતો અને પોતે બંધક બન્યો હોય તેવો વીડિયો પણ બનાવ્યો હતો. પોલીસે તપાસ દરમિયાન આરોપી જીગ્નેશ પાસે તે કેવી રીતે બંધક બન્યો હતો અને વીડિયો શૂટ કર્યો હતો, તેનો લાઈવ ડેમો પણ કરાવ્યો હતો.
લખધીરસિંહ ઝાલા (DCP)એ જણાવ્યું હતું કે, જીગ્નેશની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે પોતે 50-60 લાખ રૂપિયા શેર માર્કેટમાં ઓપ્શન ટ્રેડિંગમાં ગુમાવી ચૂક્યો હતો અને તેને કારણે પોતે ખૂબ ખોટમાં ગયો હોવાથી પરિવારજનો અને અન્ય સગા-વહાલાઓ તેઓને મદદ કરે તેવા હેતુથી ખોટી રીતે આ પ્રકારના મેસેજ કરી પોતાનું અપહરણ થયાનું નાટક ઊભું કર્યું હતું.
આ સંદર્ભે ઉત્રાણ પોલીસ દ્વારા જીગ્નેશભાઈ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાવતરામાં કોઈ અન્ય વ્યક્તિનો સમાવેશ થયો નથી. માત્ર ને માત્ર જીગ્નેશ દ્વારા જ આ તમામ ઘટનાને ઉપજાવી કાઢી અને તે બાબતની આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
આરોપી જીગ્નેશ તળાવિયા મૂળ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રસનાળ ગામનો વતની છે અને સુરતમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. પોતાના જ અપહરણની ખોટી કહાની ઊભી કરી પોલીસને ગેરમાર્ગે દોરવા, સમય બગાડવા અને સરકારી સંસાધનોનો દુરુપયોગ કરવા બદલ ઉત્રાણ પોલીસે તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023ની કલમ 212, 217 અને 233 મુજબ ગુનો નોંધી જેલભેગો કરવાની તજવીજ હાથ ધરી છે.

