- Gujarat
- ગુરુકુલ વિદ્યાવિહારમાં 145 વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ
ગુરુકુલ વિદ્યાવિહારમાં 145 વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ
પરબીયા, તા. 17 જૂન 2026: શ્રી ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગુરુકુલ વિદ્યાવિહાર, પરબીયા ખાતે વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં Saroj Smriti Pragnakulam For Visually Impaired Girlsના સ્થાપક છાયાબેન પંડ્યા-પટેલના હસ્તે ગુરુકુલ વિદ્યાવિહારના 145 વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, ચોપડા, પાણીની બોટલ તથા અન્ય ઉપયોગી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત વિદ્યાર્થીઓને સંબોધતા છાયાબેન પંડ્યા-પટેલે શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે શિક્ષણ જ બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો છે. તેમણે વિદ્યાર્થીઓને મન લગાવીને અભ્યાસ કરવા અને જીવનમાં ઉચ્ચ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા પ્રેરિત કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે છાયાબેન પંડ્યા-પટેલ દિવ્યાંગ દીકરીઓ માટે હોસ્ટેલનું સંચાલન કરે છે તેમજ આર્થિક રીતે પછાત અને જરૂરિયાતમંદ લોકો માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજસેવાનું કાર્ય કરી રહ્યા છે.
આ અવસરે ભાર્ગવ બી. ઉપાધ્યાયના વિશેષ સહયોગની પણ નોંધ લેવામાં આવી હતી. તેમના સતત પ્રયત્નો, માર્ગદર્શન અને સેવાભાવને કારણે આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શક્ય બન્યું હોવાનું વક્તાઓએ જણાવ્યું હતું.
કાર્યક્રમમાં ટ્રસ્ટના હોદ્દેદારો, શિક્ષકગણ, વાલીગણ, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતે ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ અને ગુરુકુલ વિદ્યાવિહાર પરિવાર દ્વારા દાતાઓ તથા ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

