- National
- જેના અંતિમ સંસ્કાર કરી દેવાયા તે 20 દિવસ બાદ જીવતો મળ્યો; તો પછી અગ્નિદાહ કોને આપી દીધો?
જેના અંતિમ સંસ્કાર કરી દેવાયા તે 20 દિવસ બાદ જીવતો મળ્યો; તો પછી અગ્નિદાહ કોને આપી દીધો?
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ અને પરિવારજનોની ખોટી ઓળખને કારણે એક યુવકના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા, પરંતુ તે યુવક જીવતો નીકળ્યો, જેને મૃત માનીને ચિતાને અગ્નિ આપવામાં આવી હતી. 13 જાન્યુઆરી, મંગળવારના રોજ તે પોલીસને જીવતો મળી આવ્યો. હવે પોલીસ સામે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખરે તે અજાણ્યો મૃતદેહ કોનો હતો, જેનું ક્રૂરતાપૂર્વક કાસળ કાઢી નાખવામાં આવ્યું હતું.
આ ઘટના 24 ડિસેમ્બરના રોજ બની હતી. સંભલના બહજોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાંદની ચોક ખંડહર માર્કેટમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવાનનું માથું ઈંટથી કચડીને હ*ત્યા કરવામાં આવી હતી. તેના માથાના પાછળના ભાગમાં ઊંડા ઘા હતા. મૃતદેહની નજીક મળેલી બેગ, હાથ પર બનેલા ટેટૂ અને તેના કદના આધારે મતદેહની ઓળખ ગોલાગંજના રહેવાસી સુશીલ કુમાર તરીકે થઈ હતી.
માહિતી મળતા પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ, મૃતદેહને કાલી મંદિર સ્મશાનગૃહમાં અગ્નિસંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. પરંતુ આ દરમિયાન, પોલીસને એક બાતમીદાર પાસેથી માહિતી મળી કે સુશીલ જીવિત છે. મંગળવારે, પોલીસે તેને એક ચોકડી પરથી શોધી કાઢ્યો. પોલીસ હવે એ વાતની તપાસ કરી રહી છે કે જે યુવકનું કાસળ કાઢી નાખવામાં આવ્યું હતું, તે કોણ હતો?
સંભલ પોલીસનું કહેવું છે કે તેઓ તપાસ કરી રહ્યા છે કે સુશીલના બદલે કોના મૃતદેહના અગ્નિસંસ્કાર કરી દેવામાં આવ્યા છે. મૃતકનું કાસળ કોણે કાઢી નાખ્યું? પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું સુશીલે પોતે અંગત લાભ માટે પોતાના મૃ*ત્યુનું નાટક કર્યું હોય અને કોઈ બીજાને મારીને અગ્નિસંસ્કાર કરાવી દીધા હોય. પોલીસ સુશીલની પૂછપરછ કરશે.
સંભલના ASP અનુકૃતિ શર્માએ જણાવ્યું હતું કે આ કેસમાં મૃતદેહની ખોટી ઓળખ થઈ છે. જે યુવાનને મૃ*ત જાહેર કરવામાં આવ્યો હતો તે જીવિત મળી આવ્યો છે. હવે અજાણ્યા મૃતદેહની ઓળખ અને હત્યાની તપાસ કરવામાં આવી રહી છે.

