- National
- મૌલાનાનો લવારો, કહ્યું- શમીએ રોઝા ન રાખીને ગુનો કર્યો છે, તેણે માફી માંગવી જોઈએ
મૌલાનાનો લવારો, કહ્યું- શમીએ રોઝા ન રાખીને ગુનો કર્યો છે, તેણે માફી માંગવી જોઈએ

ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચ દરમિયાન ઉપવાસ તોડવા અને એનર્જી ડ્રિંક્સ પીવા બદલ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ધાર્મિક નેતાઓ દ્વારા ટીકાનો ભોગ બની રહ્યા છે. UPના બરેલીના મૌલાના ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીથી ગુસ્સે છે. તેમણે કહ્યું કે, મોહમ્મદ શમી રમઝાન દરમિયાન રોઝા રાખતો ન હતો, તે ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન મેદાન પર જ્યુસ/એનર્જી ડ્રિંક પીતો જોવા મળ્યો હતો. તેણે જાણી જોઈને રોઝા ન રાખ્યો, જે પાપ છે; તે શરિયતની નજરમાં ગુનેગાર છે.
હકીકતમાં, દુબઈમાં રમાયેલી મેચ દરમિયાન, મોહમ્મદ શમીનો જ્યુસ પીતો એક વીડિયો સામે આવ્યો હતો. જેના પર બરેલીના મૌલાનાઓએ નારાજગી વ્યક્ત કરી. અખિલ ભારતીય મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય પ્રમુખ મૌલાના શહાબુદ્દીન રઝવીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, ઇસ્લામે રોઝાને ફરજિયાત જાહેર કર્યો છે. જો કોઈ વ્યક્તિ જાણી જોઈને રોઝા ન રાખે તો તે ખૂબ ગુનેગાર છે. મોહમ્મદ શમીએ રોઝા રાખ્યો ન હતો, જોકે રોઝા રાખવાની તેની ફરજ હતી. રોઝા ન રાખીને, શમીએ મોટું પાપ કર્યું છે; તે શરિયતની નજરમાં ગુનેગાર છે.
મૌલાના શહાબુદ્દીન રઝવીના મતે, મોહમ્મદ શમીએ ક્યારેય આવું ન કરવું જોઈએ. હું તેને ઇસ્લામના નિયમોનું પાલન કરવાનું માર્ગદર્શન અને સલાહ આપું છું. ક્રિકેટ રમો, રમતગમત કરો, બધા કામ કરો, પણ અલ્લાહે વ્યક્તિને આપેલી જવાબદારીઓ પણ પૂર્ણ કરો. શમીએ આ બધું સમજવું જોઈએ. શમીએ પોતાના પાપો માટે અલ્લાહ પાસે માફી માંગવી જોઈએ.
અહીં તમને જણાવી દઈએ કે, દુબઈમાં રમાયેલી ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ મેચ દરમિયાન મોહમ્મદ શમીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે એનર્જી ડ્રિંક પીતો જોવા મળી રહ્યો છે. ત્યાર પછી મૌલાનાઓએ તેને ખોટું જાહેર કર્યું. તેમનું કહેવું છે કે, રમઝાન દરમિયાન રોઝા ન રાખવા એ ખોટું છે. મૌલાનાઓએ શમીને સલાહ આપવાનું શરૂ કરી દીધું છે. આમ જોવા જઈએ તો આ દિવસોમાં દુબઈમાં ખૂબ ગરમી છે. આવી સ્થિતિમાં, પાણી અને એનર્જી ડ્રિંક્સ વિના રમવું શક્ય નથી.
એક યુઝરે હાશિમ અમલાનું ઉદાહરણ આપતા પોસ્ટ કર્યું, 'તમારે રમઝાન દરમિયાન રોઝા કરતી વખતે હાશિમ અમલાની અદ્ભુત ઇનિંગ્સમાંથી પ્રેરણા લેવી જોઈએ જ્યાં તેણે અવિશ્વસનીય ઇનિંગ્સ રમી હતી. મોહમ્મદ શમીના ક્રિકેટની દુનિયામાં, અમલાના દૃઢ નિશ્ચય, શિસ્ત અને વિશ્વાસનું અનુકરણ કરવાની ઇચ્છા રાખો.'