- National
- 33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય
33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય
ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત પર્યટન સ્થળ લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય ઉદ્યોગપતિ કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુના સમાચાર આવ્યા. આ ઘટનાએ તેમના પરિવારને ઘેરો આઘાત આપ્યો. શરૂઆતના અહેવાલોમાં તેને એક અકસ્માત ગણાવવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, તે ફોટો માટે પોઝ આપતી વખતે ટેકરી પરથી લપસી ગયો હતો, જેના કારણે તે ખીણમાં પડી ગયો હતો. જોકે, છેલ્લા કેટલાક દિવસોમાં તપાસ આગળ વધતી ગઈ તેમ, કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો. તપાસમાં બહાર આવ્યું કે, આ કથિત રીતે કેતનની મંગેતર સિયા ગોયલ દ્વારા રચિત એક સુનિયોજિત કાવતરું હતું.
હવે, પ્રશ્ન એ રહે છે કે સિયા ઉપરાંત અન્ય આરોપી, ચેતન ચૌધરીની ઓળખ કેવી રીતે થઈ? હકીકતમાં, CCTV ફૂટેજથી આખો કેસ બહાર આવ્યો. 33 ડિગ્રી તાપમાનમાં હૂડી પહેરેલા અને સામાન્ય ટ્રેકસૂટ પહેરેલા એક યુવાનના શંકાસ્પદ વર્તને પોલીસનું ધ્યાન ખેંચ્યું, અને અહીંથી જ કેસ બદલાઈ ગયો. જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ તેમ કથિત હત્યાના કાવતરાના પડદા ધીમે ધીમે ખુલતા ગયા.
પોલીસના જણાવ્યા મુજબ, 18મી જૂને કેતન તેની મંગેતર સિયા ગોયલ સાથે લોહગઢ કિલ્લા પર ટ્રેકિંગ કરતો જોવા મળ્યો હતો. તપાસ દરમિયાન ટિકિટ કાઉન્ટર પરથી CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. વીડિયોમાં કેતન અને સિયા સાથે ચાલતા દેખાતા હતા, પરંતુ તેમની પાછળ થોડા મીટર દૂર એક બીજો યુવાન પણ જોવા મળ્યો હતો. આ યુવકે શોર્ટ્સ સાથે હૂડી પહેરી હતી, અને હૂડી તેના ચહેરા પર એવી રીતે લટકાવવામાં આવી હતી કે તેને ઓળખવું મુશ્કેલ હતું. એટલું જ નહીં, તેણે હૂડી ઉપર હેડસેટ પણ પહેર્યો હતો.
તપાસ અધિકારીઓને સૌથી વધુ આશ્ચર્ય એ હતું કે તે સમયે તે વિસ્તારમાં તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હતું. આટલી ગરમીમાં કોઈ વ્યક્તિ પોતાને સંપૂર્ણપણે ઢાંકે તે અસામાન્ય લાગતું હતું. બીજા ફૂટેજમાં, પોલીસે જોયું કે, જેવી સિયા પાછળ ફરીને જોય છે, કે તરત જ હૂડી પહેરેલો યુવાન નીચે બેસી ગયો. આ વર્તનથી પોલીસની શંકા વધુ પ્રબળ બની.
જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ, પોલીસે શોધી કાઢ્યું કે આ યુવાન ચેતન ચૌધરી હતો. ટેકનિકલ વિશ્લેષણ અને કોલ ડિટેલ રેકોર્ડ્સ પરથી જાણવા મળ્યું કે, સિયા અને ચેતન લાંબા સમયથી સતત સંપર્કમાં હતા. પોલીસને બંને વચ્ચે હજારો કોલ અને કલાકોની વાતચીતના રેકોર્ડ મળ્યા, જેના કારણે તપાસ એજન્સીઓને અફેર હોવાની શંકા ગઈ.
લોહાગઢ કિલ્લાના ગેટકીપર ધીરજ જાધવે મીડિયા સૂત્રને જણાવ્યું હતું કે, ચેતન ચૌધરી કિલ્લામાં પ્રવેશ કરતી વખતે માસ્ક પહેરીને અને લાંબી બાંયના સ્પોર્ટ્સ કપડાં પહેરીને આવ્યો હતો. જ્યારે જાધવે તેની પાસે પ્રવેશ ટિકિટ માંગી ત્યારે ચેતને કહ્યું કે, તે ફક્ત કસરત કરવા માટે ઉપર જઈ રહ્યો છે. આમ છતાં, તેણે 25 રૂપિયાની ટિકિટ લેવાનો ઇનકાર કર્યો.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, સિયા આ અગાઉ પણ કેતનને ઘણી વખત લોહાગઢ કિલ્લામાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારના સભ્યોએ અહેવાલ આપ્યો હતો કે, 14 જૂનના રોજ પણ તે કથિત રીતે કેતનને તે સ્થળે લઈ ગઈ હતી જ્યાં તેણે તેને ખીણમાં ધકેલી દેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે બચી ગયો. તેના થોડા દિવસો પછી, સિયાએ બીજા પ્રયાસમાં તેની હત્યા કરી દીધી.
હાલમાં, પોલીસે હત્યા અને ગુનાહિત કાવતરાના આરોપસર સિયા ગોયલ અને ચેતન ચૌધરીની ધરપકડ કરી છે. કેસની તપાસ ચાલુ છે અને પોલીસ તમામ ડિજિટલ અને ટેકનિકલ પુરાવાઓની તપાસ કરી રહી છે.

