- National
- કોલસા કૌભાંડ કેસમાં સ્વ.પૂર્વ PM મનમોહન સિંહ સામેનો કેસ બંધ થયો, સુપ્રીમ કોર્ટે આપી ક્લીન ચીટ
કોલસા કૌભાંડ કેસમાં સ્વ.પૂર્વ PM મનમોહન સિંહ સામેનો કેસ બંધ થયો, સુપ્રીમ કોર્ટે આપી ક્લીન ચીટ
સુપ્રીમ કોર્ટે બુધવારે કોલસા કૌભાંડ મામલે સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ સામેનો કેસ બંધ કરવાના કેન્દ્રીય અન્વેષણ બ્યુરો (CBI)ના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બંચે વર્ષ 2015માં ટ્રાયલ કોર્ટ દ્વારા ડૉ. સિંહને પાઠવવામાં આવેલા સમન્સને પડકારતી તેમની અરજીને મંજૂર કરી હતી.
અદાલતે જણાવ્યું હતું કે ટ્રાયલ કોર્ટ પાસે CBIના ક્લોઝર રિપોર્ટને ફગાવી દેવા માટે કોઈ મજબૂત કે વાજબી કારણો નહોતા. જેથી કોર્ટે મનમોહન સિંહ સામે CBI દ્વારા દાખલ કરવામાં આવેલા ક્લોઝર રિપોર્ટનો સ્વીકાર કર્યો હતો.

સર્વોચ્ચ અદાલતે પોતાના આદેશમાં નોંધ્યું હતું કે, અમને ખાતરી થઈ છે કે વિદ્વાન સેશન્સ જજ પાસે CBIના ક્લોઝર રિપોર્ટને ફગાવી દેવા અને કેસની સંજ્ઞાન લેવા માટે કોઈ મજબૂત કારણો નહોતા. પરિણામે, અમે આ સ્પેશિયલ લીવ પિટિશનને મંજૂર કરીએ છીએ અને વિદ્વાન સ્પેશિયલ જજના વિવાદિત આદેશોને રદ કરીએ છીએ. તેના પરિણામ સ્વરૂપે CBI દ્વારા રજૂ કરાયેલા ક્લોઝર રિપોર્ટને સ્વીકારીને આ મામલાને ગુણદોષના આધારે બંધ કરીએ છીએ.
નોંધનીય છે કે આ નિર્ણય મનમોહન સિંહના અવસાનના દોઢ વર્ષથી પણ વધુ સમય બાદ આવ્યો છે. તેમનું નિધન 26 ડિસેમ્બર 2024ના રોજ થયું હતું.
https://twitter.com/barandbench/status/2082360508561445224
સુનાવણી દરમિયાન ડૉ. સિંહ તરફથી રજૂ થયેલા વરિષ્ઠ એડવોકેટ કપિલ સિબ્બલે અગાઉ જણાવ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન સામેની ટિપ્પણીઓ દૂર કરવામાં આવે છે તેવા નિર્દેશ સાથે આ અરજીનો નિકાલ કરી શકાય છે. સિબ્બલે રજૂઆત કરી હતી કે, હું ઈચ્છું છું કે તેમના વિરૂદ્ધની આ ટિપ્પણીઓ રેકોર્ડ પર ન રહે. પૂર્વ વડાપ્રધાન વતી વરિષ્ઠ એડવોકેટ અભિષેક મનુ સિંઘવી પણ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, 1 એપ્રિલ 2015ના રોજ સર્વોચ્ચ અદાલતે પૂર્વ વડાપ્રધાનને પાઠવવામાં આવેલા સમન્સ પર સ્ટે આપ્યો હતો. તે સમયે વરિષ્ઠ એડવોકેટ કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી, કે.ટી.એસ. તુલસી, અશ્વિની કુમાર, વિવેક તંખા અને હરિન પી. રાવલે તેમનો પક્ષ રજૂ કર્યો હતો.
તે સમયે સિબ્બલે દલીલ કરી હતી કે સ્ક્રિનિંગ કમિટીની ભલામણ વિરુદ્ધ જઈને 'હિંડાલ્કો' કંપનીને કોલસા બ્લોક ફાળવવામાં પૂર્વ વડાપ્રધાનનું કૃત્ય ગેરકાનૂની નહોતું.
સિબ્બલે કહ્યું હતું કે, આ સંપૂર્ણપણે એક વહીવટી નિર્ણય હતો. તેમાં ગેરકાનૂની શું છે? કોઈ ખાણની ફાળવણી કરવી કે કોઈ ખાનગી કંપનીને તે આપવી એ ગેરકાયદેસર નથી. આમ કરવા પર કોઈ કાનૂની પ્રતિબંધ નથી. તેમણે સ્ક્રિનિંગ કમિટીના નિર્ણયથી અલગ જઈને ખાનગી પક્ષને કોલસા બ્લોક ફાળવ્યા હતા, જેમાં કંઈપણ ગેરકાનૂની નહોતું.

અદાલતને જણાવવામાં આવ્યું હતું કે આ કેસમાં CBI દ્વારા બે વાર ક્લોઝર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હોવા છતાં સ્પેશિયલ કોર્ટે મનમોહન સિંહને સમન્સ જારી કર્યા હતા. ત્યારબાદ સર્વોચ્ચ અદાલતે પૂર્વ વડાપ્રધાન સામેની કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી.
આજે સુપ્રીમ કોર્ટે સમન્સને પડકારતી સિંહની અરજી મંજૂર કરીને આ સમગ્ર કેસને આખરે બંધ કરી દીધો છે. આ કેસમાં CBI તરફથી વરિષ્ઠ એડવોકેટ આર.એસ. ચીમા અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એ. કાર્તિકે પક્ષ રજૂ કર્યો હતો.

