- National
- જમીનના રેકોર્ડ સુધારવા રૂ. 50 લાખની લાંચ લેતા તહસીલદાર રંગેહાથે ઝડપાયો, 1 એકર જમીન પણ માંગેલી
જમીનના રેકોર્ડ સુધારવા રૂ. 50 લાખની લાંચ લેતા તહસીલદાર રંગેહાથે ઝડપાયો, 1 એકર જમીન પણ માંગેલી
કર્ણાટકના ધારવાડ જિલ્લાના એક તહસીલદાર રૂ. 50 લાખની રોકડ લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો છે. લોકાયુક્તના SP સિદ્ધલિંગપ્પાએ બુધવારે મોડી રાત્રે આ અંગેની માહિતી આપી હતી. મળતી માહિતી મુજબ, ધારવાડ તાલુકના યારીકોપ્પા વિસ્તારમાં જમીનના રેકોર્ડની સુધારણા અને જમીનના ઉપ-વિભાજન (પોડી) કરવાના કામ માટે એક ડેવલપરે લોકાયુક્તમાં ફરિયાદ નોંધાવી હતી.
લોકાયુક્ત અધિકારીઓએ જણાવ્યા અનુસાર, તહસીલદાર સચિદાનંદ કુચનૂરે જમીનના રેકોર્ડમાં સુધારો કરી આપવાના બદલામાં 1 એકર જમીન અને રૂ. 50 લાખ રોકડા માંગ્યા હતા. SP સિદ્ધલિંગપ્પાએ જણાવ્યું કે, જ્યારે તહસીલદાર આજે રૂ. 50 લાખ રોકડા સ્વીકારવાના હતા, ત્યારે જ અમે જાળ બિછાવીને તેને પકડી પાડ્યો હતો.

લોકાયુક્ત SPએ વધુમાં ઉમેર્યું કે, અરજદાર ડેવલપરે યારીકોપ્પા ખાતે આશરે 33 એકર જમીન ખરીદી હતી. તેઓ આ જમીનમાં ખેતીલાયક અને 'ખરાબા' (બંજર) ભાગ દર્શાવતા રેકોર્ડમાં સુધારો કરાવવા માંગતા હતા. અગાઉ, જોઈન્ટ ડાયરેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સે જૂની 'પોડી' રદ કરીને નવી પોડી કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ બાદ આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સે જમીન સુધારણા અને વિભાજન માટે તહસીલદારને પ્રસ્તાવ મોકલ્યો હતો.
બુધવારે બપોરે લોકાયુક્તને આ અંગે ફરિયાદ મળતા જ તાત્કાલિક ગુનો નોંધીને ટ્રેપ ગોઠવવામાં આવી હતી. તહસીલદારે ફરિયાદીને KCD ગ્રાઉન્ડ નજીક નાણાં લઈને આવવા કહ્યું હતું. સિદ્ધલિંગપ્પાએ જણાવ્યું કે, લાંચની રોકડ રકમ લાલ રંગની બેગમાં હતી. ફરિયાદીએ જેવી આ બેગ સોંપી અને તહસીલદારે તેને પોતાની પાસે રહેલી બેગમાં મૂકી, તરત જ લોકાયુક્તની ટીમે તેને રંગેહાથે ઝડપી લીધો હતો. તહસીલદાર સચિદાનંદ કુચનૂરના રહેણાંક અને અન્ય સ્થળોની તપાસ કરવા સહિતની આગળની કાનૂની કાર્યવાહી અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

