- National
- 30 વર્ષ પહેલા 20 રૂપિયાની લાંચનો ગુજરાત સરકારના બે કર્મચારી પર આરોપ લાગેલો, હવે સુપ્રીમ કોર્ટે સંભળા...
30 વર્ષ પહેલા 20 રૂપિયાની લાંચનો ગુજરાત સરકારના બે કર્મચારી પર આરોપ લાગેલો, હવે સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો ફેંસલો
સુપ્રીમ કોર્ટે (બુધવાર, 19 ઓગસ્ટ) ગુજરાત સરકારના બે કર્મચારીઓને મોટી રાહત આપી, જેમના પર 30 વર્ષ પહેલાં 20 રૂપિયાની લાંચ લેવાનો આરોપ હતો, તેમની સજા રદ કરી. એની સાથે જ લગભગ 3 દાયકા સુધી ચાલેલી આ લાંબી કાનૂની અને ન્યાયિક લડાઈનો હવે અંત આવી ગયો છે. ન્યાયાધીશ ઉજ્જવલ ભુયાન અને અતુલ S. ચંદુરકરની બેન્ચે આ જૂના કેસમાં એક કારકુન અને એક પટાવાળાને નિર્દોષ જાહેર કર્યા. કોર્ટે જણાવ્યું હતું કે માત્ર 20 રૂપિયાની વસૂલાત દોષિત ઠેરવી શકતી નથી જ્યાં સુધી તે સાબિત ન થાય કે તેમણે લાંચ માંગી હતી.
આ કેસ ફેબ્રુઆરી 1996નો છે. એક વિદ્યાર્થી શૈક્ષણિક છૂટછાટો મેળવવા માટે આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે ગુજરાતના આણંદ જિલ્લાના બેચરી ગ્રામ પંચાયત કચેરીમાં ગયો હતો. ફરિયાદ પક્ષે આરોપ લગાવ્યો હતો કે, કારકુને પ્રમાણપત્ર આપવા માટે વિદ્યાર્થી પાસેથી 120 રૂપિયા માંગ્યા હતા. આમાં પોતાના માટે 100 રૂપિયા અને પટાવાળા માટે 20 રૂપિયાનો સમાવેશ થાય છે. આ પછી, વિદ્યાર્થીએ ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)માં ફરિયાદ નોંધાવી. ACBએ છટકું ગોઠવ્યું અને વિદ્યાર્થીને રૂ. 120ની નિશાન લગાવેલી નોટો આપી અને તેને ત્યાં મોકલ્યો.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, પ્રમાણપત્ર મળ્યા પછી, વિદ્યાર્થીએ તરત જ પટાવાળાને રૂ. 20 આપ્યા. ACB ટીમે પટાવાળા પાસેથી તે જ નિશાન લગાવેલી નોટ મેળવી, પરંતુ કારકુનને આપેલા રૂ 100 મળ્યા નહીં. સુપ્રીમ કોર્ટે ફરિયાદ પક્ષના દાવાઓમાં પણ વિસંગતતાઓ શોધી કાઢી. કોર્ટે નોંધ્યું કે, વિદ્યાર્થીએ એક અલગ કેસમાં કથિત માંગણી અંગે અલગ નિવેદન આપ્યું હતું. તે કેસમાં, તેણે જણાવ્યું હતું કે આરોપીએ શરૂઆતમાં રૂ. 200 માંગ્યા હતા અને ત્યાર પછી રૂ. 120માં સમાધાન કર્યું હતું. આ દાવો ટ્રાયલ કોર્ટ સમક્ષ તેની જુબાનીનો ભાગ નહોતો.
સુપ્રીમ કોર્ટે એ પણ મહત્વપૂર્ણ માન્યું કે, ACBએ વિદ્યાર્થીને કહ્યું હતું કે, માંગવામાં આવે તો પૂરા રૂ. 120 આપી દેજે. આ પ્રમાણે કહ્યું હોવા છતાં, તેણે પટાવાળાને ફક્ત 20 રૂપિયા આપ્યા. આનાથી એ પણ શંકા ઊભી થઈ કે બાકીની રકમ કેમ આપવામાં આવી નહીં, જ્યારે કથિત 20 રૂપિયા લાંચ આપવામાં આવી ત્યારે ક્લાર્ક તેની બાજુમાં જ હતો. ઉલટતપાસ દરમિયાન, વિદ્યાર્થીએ સ્વીકાર્યું કે, પટાવાળાએ પોતે તેની પાસેથી કોઈ લાંચ માંગી ન હતી.
બેન્ચે એમ પણ અવલોકન કર્યું કે, વિદ્યાર્થીએ આવકનું પ્રમાણપત્ર મેળવ્યા પછી જ પટાવાળાને 20 રૂપિયા આપ્યા હતા. કોર્ટે જોયું કે સંજોગો ફરિયાદ પક્ષના ઘટનાક્રમના સંસ્કરણ પર ગંભીર શંકા પેદા કરે છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 20 હેઠળ કાનૂની ધારણાના મુદ્દાનો ઉલ્લેખ કરીને, કોર્ટે ઠરાવ્યું કે શરૂઆતની માંગ જ સાબિત ન થઈ હોવાથી, પટાવાળા પાસેથી માત્ર 20 રૂપિયાની વસૂલાત ફરિયાદ પક્ષનો લંચ આપવાનો કેસ સાબિત કરતો નથી.
કોર્ટે પટાવાળાનો દાવો પણ માન્યો કે વિદ્યાર્થીએ તેને 20 રૂપિયા આપ્યા કારણ કે બીજા દિવસે ઈદ હતી. કોર્ટે એવું પણ માન્યો કે ક્લાર્ક પર કેસ ચલાવવાની મંજૂરી અમાન્ય હતી કારણ કે તે એક અનધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવી હતી. આખરે, સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના નિર્ણયોને ઉલટાવી દીધા અને બંને આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા.

