- National
- '4 જૂને બપોરે 12.30 પહેલા 400નો આંકડો પાર થશે, UPની 80 બેઠકો જીતશે', શાહનો દાવો
'4 જૂને બપોરે 12.30 પહેલા 400નો આંકડો પાર થશે, UPની 80 બેઠકો જીતશે', શાહનો દાવો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, BJPની આગેવાની હેઠળની NDA લોકસભા ચૂંટણીમાં 400 બેઠકો મેળવવા જઈ રહી છે. અમિત શાહે કહ્યું કે, અમે 4 જૂને પરિણામના દિવસે બપોરે 12.30 વાગ્યા સુધીમાં આટલી બધી સીટો પાર કરી લઈશું. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, બે તબક્કાની ચૂંટણીમાં BJPને 100 સીટો પર લીડ મળી રહી છે. ગૃહમંત્રીએ કહ્યું કે, BJP ઉત્તર પ્રદેશની તમામ 80 લોકસભા બેઠકો જીતવા જઈ રહી છે.
એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં અમિત શાહે કહ્યું કે, 'મત ગણતરીના દિવસે તમે જોશો કે બપોરે 12.30 વાગ્યા પહેલા જ NDA 400ને પાર કરી જશે અને નરેન્દ્ર મોદી ફરીથી PM બનશે.' ઓછા મતદાન અંગે તેમણે કહ્યું કે, 'ઓછું મતદાન થવાના ઘણા કારણો છે. 12 વર્ષ પછી ફરી મતદાર યાદીમાં સુધારો કરવામાં આવ્યો છે. બીજું કારણ એ છે કે, અન્ય પક્ષ (વિરોધી) તરફથી કોઈ સ્પર્ધા નથી થઇ રહી, જે ક્યાંક ને ક્યાંક મતદાનને પ્રભાવિત કરી રહી છે.'
અમિત શાહે ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં 100 બેઠકો પર આગળ હોવાનો દાવો પણ કર્યો હતો. BJPના વરિષ્ઠ નેતાએ કહ્યું, 'મેં અને મારી પાર્ટીની ટીમે વિગતવાર વિશ્લેષણ કર્યું છે. અમે પ્રથમ બે તબક્કામાં 100થી વધુ બેઠકોની લીડ સાથે ત્રીજા તબક્કા તરફ આગળ વધી રહ્યા છીએ. મને 400નો લક્ષ્યાંક પાર કરવામાં કોઈ સમસ્યા દેખાતી નથી.' લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થયું હતું અને બીજા તબક્કામાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર મતદાન થયું હતું.
ઉત્તર પ્રદેશની લોકસભા સીટો વિશે વાત કરતા અમિત શાહે દાવો કર્યો હતો કે, જો બધુ બરાબર રહ્યું તો પાર્ટી UPની તમામ 80 સીટો જીતવા જઈ રહી છે. જ્યારે 2014ની ચૂંટણી દરમિયાન પ્રાપ્ત પરિણામો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે અમિત શાહે કહ્યું, 'હા, જો ઉત્તર પ્રદેશમાં બધું બરાબર રહ્યું તો અમે 80માંથી 80 સીટો જીતીશું.' 2014માં BJPની આગેવાની હેઠળની NDA UPમાં 73 બેઠકો જીતી હતી. 2019ની ચૂંટણીમાં તેણે 64 બેઠકો જીતી હતી.