- National
- ‘બાંધકામમાં કોઈ ખામી નથી, ભારે વરસાદ જવાબદાર છે...’, UPમાં એક્સપ્રેસવે ધસી જતા કંપનીનો લૂલો બચાવ
‘બાંધકામમાં કોઈ ખામી નથી, ભારે વરસાદ જવાબદાર છે...’, UPમાં એક્સપ્રેસવે ધસી જતા કંપનીનો લૂલો બચાવ
કરોડો-અબજો રૂપિયાના ખર્ચે બનેલો ચમકતો એક્સપ્રેસવે, પહેલા જ વરસાદમાં ધસવા લાગે છે, ત્યારે પ્રશ્નો ઉભા થવા વાજબી છે. કાનપુર-લખનૌ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેના કેટલાક ભાગો અચાનક ધસવા અને રસ્તા તૂટવાનો મુદ્દો તાજેતરમાં ખૂબ ચર્ચામાં આવ્યો છે. આ વચ્ચે આ મેગા-પ્રોજેક્ટ પાછળની બાંધકામ કંપની PNC ઇન્ફ્રાટેકની સ્પષ્ટતા સામે આવી છે.
કંપનીએ પોતાની ખામી સ્વીકારવાને બદલે, બધો દોષનો ટોપલો વરસાદ પર ઢોળી દીધો છે. એટલું જ નહીં, તેણે બેશરમીથી દાવો કર્યો છે કે રસ્તાના બાંધકામમાં કોઈ તકનીકી ખામીઓ નહોતી; પરંતુ, ભારે વરસાદને કારણે નુકસાન થયું. વધતી ટીકાને જોઇને કંપનીએ આખરે સ્પષ્ટતા આપી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે એક્સપ્રેસવે હાઇબ્રિડ એન્યુઇટી મોડેલ HAM હેઠળ બનાવવામાં આવ્યો હતો. કંપનીનો દાવો છે કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા નિર્ધારિત તમામ તકનીકી ધોરણો અને ગુણવત્તાના ધોરણોનું બાંધકામ દરમિયાન કડક પાલન કરવામાં આવ્યું હતું.
કંપનીએ દલીલ કરી હતી કે રસ્તાના કેટલાક ભાગોમાં જે નુકસાન થયું છે, તેનું અસલી કારણ હલકી ગુણવત્તાવાળા મટિરિયલ્સથી નહીં પરંતુ સતત ભારે વરસાદ અને ત્યાં પાણી જમાં થવાનું છે. પાણી ભરાવાના કારણે રસ્તાની નીચે માટી બેસી ગઈ હતી, જેના કારણે રસ્તામાં સમસ્યાઓ ઊભી થઈ હતી.
પોતાની પીઠ થપથપાવતા કંપનીએ એમ પણ હતું કે એક્સપ્રેસવે પર ટ્રાફિકની અવરજવર સરળ રહે છે અને મુસાફરોને વધારે પરેશાની ઉઠાવવી પડી રહી નથી. કંપનીએ ખાતરી આપી હતી કે જ્યાં રસ્તો તૂટી ગયો છે અથવા ધસી ગયો છે ત્યાં તાત્કાલિક સમારકામનું કામ શરૂ કરવામાં આવ્યું છે. રાહતની વાત એ છે કે, આ રિપેરિંગનો સંપૂર્ણ ખર્ચ કંપની તેના સંચાલન અને જાળવણીની જવાબદારીઓના ભાગ રૂપે ઉઠાવશે. આનો અર્થ એ છે કે સરકારી એટલે કે NHAI પર કોઈ વધારાનો નાણાકીય બોજ પડશે નહીં.
કંપનીએ આખરે પોતાની પ્રતિબદ્ધતાનો પુનરાવર્તિત કરતા જણાવ્યું હતું કે તે એક્સપ્રેસવેની સલામતી, મજબૂતાઇ અને ગુણવત્તાને લઇને સંપૂર્ણપણે ગંભીર છે. ભલે કંપની વરસાદને દોષ આપીને પોતાની જવાબદારીમાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ કરી રહી હોય, લોકોના મનમાં એક મોટો પ્રશ્ન એ છે કે જો રસ્તાનું બાંધકામ ખરેખર યોગ્ય રીતે થયું હોય, તો શું ભારતમાં વરસાદ પડલો એ કોઇ નવી વાત છે? ચોમાસું દર વર્ષે આવે છે; તો શું દર વર્ષે એક્સપ્રેસવે આવી જ રીતે ધસતા રહેશે? કંપનીએ હાલમાં સમારકામની જવાબદારી સંભાળી લીધી છે, પરંતુ આ ઘટનાએ રસ્તાના બાંધકામ પાછળની વાસ્તવિકતા ઉજાગર કરી છે.

