- National
- માતાના મંદિરમાંથી ઘરેણા ચોરી કર્યા પછી ચોરે કાન પકડીને માફી માંગી; ઘટના CCTVમાં કેદ થઇ
માતાના મંદિરમાંથી ઘરેણા ચોરી કર્યા પછી ચોરે કાન પકડીને માફી માંગી; ઘટના CCTVમાં કેદ થઇ
તમે મંદિરમાં ચોરી થયાની અસંખ્ય ઘટનાઓ સાંભળી હશે. સામાન્ય રીતે, ચોર ફક્ત ચોરી કરે છે અને ત્યાંથી ચૂપકેથી ભાગી જાય છે. પરંતુ અહીં, ઉત્તર પ્રદેશના ઝાંસીમાં એક 'શ્રદ્ધાળુ' ચોરના સમાચાર સામે આવ્યા છે. એક અજાણ્યા ચોરે પહેલા માતા મંદિરમાંથી ચોરી કરી. ત્યાર પછી, પોતે ગુનો કર્યો હોવાનું ભાન થતા, તેણે કાન પકડીને દેવીમાની માફી માંગી અને પછી ત્યાંથી ભાગી ગયો. આ આખી ઘટના મંદિરમાં લગાવેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ ઘટના ઝાંસીના ગરૌઠા વિસ્તારમાં આવેલા બડી માતા મંદિરમાં બની હોવાનું કહેવાય છે. એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ, શનિવાર, 10 જાન્યુઆરીની રાત્રે, એક અજાણ્યો ચોર અંધારામાં માતા મંદિરમાં ઘૂસી ગયો. તેણે પહેલા માતાની મૂર્તિ પર ચઢાવાયેલા કિંમતી ઘરેણાં ચોરી લીધા. પછી તેણે કાન પકડીને માતાની માફી માંગી અને ત્યાંથી ભાગી ગયો. સવારે ભક્તોએ મંદિરનું તાળું તૂટેલું જોયું ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યાર પછી તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી.
https://twitter.com/IndiaToday/status/2010302404433187181
પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. મંદિરમાં લગાવેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા, જેમાં એક અજાણ્યો માણસ ચોરી કરતો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. ચોરે વાદળી રંગની હૂડી અને ટોપી પહેરી છે. વાયરલ વીડિયોમાં ચોર મંદિરમાં પ્રવેશ કરે છે અને પછી એક પછી એક દરેક મૂર્તિ પાસે જાય છે. તે મૂર્તિઓના ગરમ કપડાં કાઢી નાખે છે અને પછી એક મૂર્તિમાંથી દાગીના ચોરી લે છે. ત્યાર પછી તે અન્ય મૂર્તિઓ સાથે પણ આ જ પ્રમાણે કરે છે. ત્યારપછી તે મંદિરમાંથી નીકળવાની કરે તે પહેલા, થોડીવાર રોકાઈને બે વાર હાથ જોડીને ભગવાનની સામે માફી માંગવા લાગે છે.

આ ઘટના અંગે જ્યારે ગરૌઠા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ચોરીના CCTV ફૂટેજ સામે આવ્યા છે, પરંતુ મંદિર મેનેજમેન્ટ કે અન્ય કોઈ પક્ષ દ્વારા હજુ સુધી કોઈ લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. ફરિયાદ નોંધાયા પછી જ કેટલી ચોરી થઇ છે તે જાણવા મળશે. હાલમાં, પોલીસ વાયરલ વીડિયોના આધારે અજાણ્યા ચોરની શોધ કરી રહી છે.

