- National
- બિહારમાં રસ્તા પર કચરાના ઢગલામાં મળી આવી VVPAT સ્લિપ! ARO સસ્પેન્ડ, ચૂંટણી પંચે આપ્યો આ આદેશ
બિહારમાં રસ્તા પર કચરાના ઢગલામાં મળી આવી VVPAT સ્લિપ! ARO સસ્પેન્ડ, ચૂંટણી પંચે આપ્યો આ આદેશ
શનિવારે, બિહારના સમસ્તીપુર જિલ્લાના સરાયરંજન વિધાનસભા ક્ષેત્રમાં KSR કોલેજ પાસે રસ્તાના કિનારે મોટી સંખ્યામાં EVMમાંથી નીકળનારી VVPAT સ્લિપ ફેલાયેલી હાલતમાં મળી આવી હતી. રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા હતા. RJDએ X પર પોસ્ટ કર્યું હતું કે, 'સમસ્તીપુરના સરાયરંજન વિધાનસભા ક્ષેત્રમાં KSR કોલેજ નજીક રસ્તા પર EVMમાંથી નીકળનારી VVPAT સ્લિપ ખુબ સારી સંખ્યામાં ફેંકવામાં આવી હતી. આ સ્લિપ ક્યારે, કેવી રીતે, શા માટે અને કોના ઇશારે ફેંકવામાં આવી હતી? શું ચોર કમિશન આનો જવાબ આપશે? શું આ બધું બહારથી આવીને બિહારમાં અડ્ડો જમાવીને બેઠેલા લોકશાહીના લૂંટારાના ઇશારે થઈ રહ્યું છે?'
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી અને સંબંધિત સહાયક રિટર્નિંગ ઓફિસર (ARO)ને બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા. તેમણે તેમની સામે FIR દાખલ કરવાનો પણ આદેશ આપ્યો છે. સમસ્તીપુરના જિલ્લા ચૂંટણી અધિકારી (જિલ્લા મેજિસ્ટ્રેટ)ને ઘટનાસ્થળની મુલાકાત લેવા, તપાસ કરવા અને રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચૂંટણી પંચે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી છે કે, આ VVPAT સ્લિપનો ઉપયોગ મોક પોલ દરમિયાન કરવામાં આવ્યો હતો અને ARO દ્વારા નિકાલ કરવામાં આવેલી બેદરકારી હતી. આનાથી વાસ્તવિક મતદાન પ્રક્રિયાની અખંડિતતાને કોઈ અસર થઈ નથી. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બધા ઉમેદવારોને જાણ કરી દેવામાં આવી છે.
https://twitter.com/RJDforIndia/status/1987082762952564992
બિહાર વિધાનસભા ચૂંટણીમાં મતદાનનો પ્રથમ તબક્કો 6 નવેમ્બરના રોજ થયો હતો. સરાયરંજન વિધાનસભા મતવિસ્તારમાં પણ મતદાન થયું હતું. EVM અને VVPAT યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તે ચકાસવા અને ચૂંટણી કર્મચારીઓને તાલીમ આપવા માટે વાસ્તવિક મતદાન પહેલાં દરેક બૂથ પર મોક પોલ કરવામાં આવે છે. મતદાનના બે દિવસ પછી, શીતલપટ્ટી ગામમાં કચરામાં VVPAT સ્લિપ મળી આવી હતી. મહાગઠબંધનમાં સામેલ પક્ષો ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવી રહ્યા છે. વિવાદ વધતો જોઈને સમસ્તીપુર જિલ્લા મેજિસ્ટ્રેટ રોશન કુશવાહ અને પોલીસ અધિક્ષક અરવિંદ પ્રતાપ સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા અને વિરોધી પક્ષોને ખાતરી આપી કે આ મામલાની તપાસ કરવામાં આવશે.
https://twitter.com/ANI/status/1987114306719347085
સમસ્તીપુર જિલ્લા મેજિસ્ટ્રેટ રોશન કુશવાહાએ મીડિયા સૂત્રને જણાવ્યું હતું કે, રસ્તાના કિનારે VVPAT સ્લિપ વેરવિખેર હાલતમાં મળી આવી હતી. હું અને પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે પહોંચ્યા. તપાસમાં જાણવા મળ્યું કે મોક પોલ પછી મોટાભાગની સ્લિપ કાપવામાં આવી હતી, પરંતુ કેટલીક શેડ વગરની મળી આવી હતી. EVM નંબરથી જવાબદાર મતદાન અધિકારીની ઓળખ કરશે. તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. સરાયરંજન બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ઉમેદવારો પણ ઘટનાસ્થળે પહોંચ્યા. અમે તેમને જાણ કરી કે આ મોક પોલ દરમિયાન ઉપયોગમાં લેવાયેલી સ્લિપ હતી અને તેમના નિકાલમાં બેદરકારી આચરવામાં આવી છે. સહાયક રિટર્નિંગ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની સામે FIR દાખલ કરવામાં આવશે.

