- National
- દર્દી ખાંસીની દવા લેવા સરકારી હોસ્પિટલમાં ગયો હતો, બોટલમાં કીડો તરી રહ્યો હતો
દર્દી ખાંસીની દવા લેવા સરકારી હોસ્પિટલમાં ગયો હતો, બોટલમાં કીડો તરી રહ્યો હતો
મધ્ય પ્રદેશના ભોપાલની જિલ્લા હોસ્પિટલમાં સામે આવેલા એક કિસ્સાએ આરોગ્ય વિભાગને સવાલોના ઘેરામાં લાવી દીધો છે. એક દર્દી ખાંસીની દવા લેવા હોસ્પિટલમાં ગયો હતો, પરંતુ એવો આરોપ છે કે તેને જે માઉથવોશ આપવામાં આવ્યો હતો તેમાં કીડો હતો. જ્યારે બોટલ એકદમ સીલ હતી. જોકે, તે સ્પષ્ટ નથી કે માઉથવોશમાં કીડો હતો કે બીજું કંઈક.
ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, એક દર્દી ભોપાલની જેપી હોસ્પિટલના ડૉક્ટર પાસે ખાંસીની દવા લેવા ગયો હતો. ડૉક્ટરે તેની તપાસ કરી અને પ્રિસ્ક્રિપ્શન પર દવા લખી દીધી. જ્યારે તે મેડિકલ કાઉન્ટર પર પહોંચ્યો, ત્યારે કેમિસ્ટે તેને અન્ય દવાઓ સાથે ક્લોરહેક્સિડાઇન માઉથવોશ પણ આપ્યું હતું. પરંતુ, જ્યારે દર્દીએ માઉથવોશની તપાસ કરી, ત્યારે તેને તેમાં તરતા કીડા જેવુ કઈક મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ માઉથવોશ પેઢાના સોજા અને લાલાશને સારી કરવા માટે આપવામાં આવે છે.
ભોપાલના મુખ્ય ચીફ મેડિકલ ઓફિસર અને આરોગ્ય અધિકારી (CMHO) મનીષ શર્માએ જણાવ્યું હતું કે, ‘એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. તપાસમાં નક્કી કરવામાં આવશે કે બોટલમાં સ્ટોરેજ સમસ્યા હતી કે લીકેજ હતું. એ પણ જોવા મળશે કે માઉથવોશમાં જે પાર્ટીકલ નીકળ્યા છે તે શું છે.’
થોડા દિવસો અગાઉ JP હોસ્પિટલમાં પણ ફૂગ લાગેલી દવાનો એક કિસ્સો સામે આવ્યો હતો. CMHOએ જણાવ્યું હતું કે તેમની પાસે ફૂગવાળી દવાઓ પર જે ડિસ્પેચ નંબર હતો, એ અમારી પાસે નથી. જે સીરિઝની તેઓ વાત કરી રહ્યા છે એ અમારે ત્યાં 10 ડિસેમ્બરે સ્ટોક સમાપ્ત થઈ ગયો હતો. ટીમે તપાસ કરી અને આ શોધી કાઢ્યું.
આ બધી ઘટનાઓ બાદ, સરકારી હોસ્પિટલોમાં દવાના સંગ્રહની તપાસ માટે એક ટીમની રચના કરવામાં આવી છે. મનીષ શર્માએ જણાવ્યું હતું કે ટીમ જિલ્લા હોસ્પિટલનું નિરીક્ષણ કરશે અને દવાઓના સ્ટોરેજની વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે.

