વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં PM મોદીએ કહ્યું સૌરાષ્ટ્ર-કચ્છમાં રોકાણ માટે આ જ યોગ્ય સમય છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાજકોટ ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ને સંબોધિત કરી હતી. વર્ષ 2026માં ગુજરાતની પોતાની પ્રથમ મુલાકાતે આવેલા વડાપ્રધાને ભારતની આર્થિક પ્રગતિ અને રાજકીય સ્થિરતાના વખાણ કરતા જણાવ્યું હતું કે, આ સંમેલન 21મી સદીમાં ભારતના આત્મવિશ્વાસનું પ્રતીક છે.
વડાપ્રધાને જણાવ્યું કે, 2026માં આ મારી ગુજરાતની પહેલી મુલાકાત છે અને તેની શરૂઆત સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવીને થઈ છે. તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં 'વિકાસની સાથે વિરાસત'નો મંત્ર ગુંજી રહ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત હવે માત્ર રોકાણનું મંચ નથી, પરંતુ વૈશ્વિક વિકાસ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારીનું સશક્ત પ્લેટફોર્મ બની ગયું છે.

પોતાના સંબોધનમાં વડાપ્રધાને ભારતની આર્થિક સિદ્ધિઓ પર ભાર મૂક્યો:
- ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા: ભારત ઝડપથી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે.
- ઉત્પાદનમાં અગ્રેસર: ભારત દૂધ ઉત્પાદન અને જેનરિક દવાઓના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ ક્રમે છે.
- ડિજિટલ ક્રાંતિ: છેલ્લા 11 વર્ષોમાં ભારત સૌથી વધુ મોબાઈલ ડેટા વાપરતો દેશ બન્યો છે અને UPI વિશ્વનું નંબર-1 પેમેન્ટ પ્લેટફોર્મ છે.
- મોબાઈલ મેન્યુફેક્ચરિંગ: ભારત આજે દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક દેશ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે ‘યહી સમય હૈ, સહી સમય હૈ’. વાઇબ્રન્ટ ગુજરાત પણ એ જ સંદેશ આપે છે કે સૌરાષ્ટ્ર-કચ્છમાં રોકાણ માટે આ જ શ્રેષ્ઠ સમય છે.

વડાપ્રધાને સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોના પરિશ્રમની પ્રશંસા કરતા કહ્યું કે, જે કચ્છે ભૂકંપ અને જે સૌરાષ્ટ્રે દુષ્કાળ જોયો હતો, તે આજે ભારતની પ્રગતિનું એન્જિન બની ગયું છે.
- રાજકોટનું સામર્થ્ય: રાજકોટમાં 2.5 લાખથી વધુ MSME છે, જ્યાં સ્ક્રુ ડ્રાઈવરથી લઈને વિમાન અને ફાઈટર પ્લેનના પાર્ટ્સ બને છે.
- ગ્રીન એનર્જી: કચ્છમાં પેરીસ શહેર કરતા પાંચ ગણો મોટો દુનિયાનો સૌથી મોટો હાઇબ્રિડ એનર્જી પાર્ક બની રહ્યો છે.
- સેમી-કન્ડક્ટર: ધોલેરામાં ભારતની પ્રથમ સેમી-કન્ડક્ટર ફેબ્રિકેશન ઇન્ડસ્ટ્રી આકાર લઈ રહી છે.
વડાપ્રધાને અંતમાં જણાવ્યું કે દેશની રાજકીય સ્થિરતાને કારણે દુનિયાની અપેક્ષાઓ ભારત પ્રત્યે વધી છે. તેમણે હળવા અંદાજમાં કહ્યું કે, મેં જ્યારે મોરબી, રાજકોટ અને જામનગરને ‘મિની જાપાન’ બનાવવાની વાત કરી હતી ત્યારે લોકો મજાક ઉડાવતા હતા, પરંતુ આજે તે સત્ય સાબિત થઈ રહ્યું છે.

