- National
- અહીંની સરકાર ગાયને ચરાવવા લઇ જનાર ગોવાળોને નોકરી આપી રહી છે... પગાર પણ આપશે, જાણો કેટલો મળશે
અહીંની સરકાર ગાયને ચરાવવા લઇ જનાર ગોવાળોને નોકરી આપી રહી છે... પગાર પણ આપશે, જાણો કેટલો મળશે
રાજસ્થાનના ગામડાઓમાં ઘણી બધી સંખ્યામાં ગાયોને ચરાવવાની દાયકાઓ જૂની પરંપરા પાછી આવશે. સ્વચ્છતા અને ગૌરક્ષાને પ્રોત્સાહન આપવા માટે, પંચાયતી રાજ વિભાગ રાજ્યમાં 'ગામ ગોવાળ યોજના' શરૂ કરશે. દરેક ગામમાં ગોવાળોને તાલીમ આપવામાં આવશે. રાજસ્થાન સરકારની એક યોજના વ્યાપકપણે ધ્યાન ખેંચી રહી છે. આ યોજનાને 'ગામ ગોવાળ યોજના' કહેવામાં આવે છે. આ યોજનાની ખાસ વાત એ છે કે તે ગોવાળોની ભરતી કરશે અને તેમને પગાર ચૂકવશે. હાલમાં રાજસ્થાનમાં ગોવાળોની ભરતીની વ્યાપક ચર્ચા થઈ રહી છે. ચાલો જોઈ લઈએ કે સરકારની તરફથી આવું શા માટે કરવામાં આવી રહ્યું છે અને આ ભરતી પાછળના કારણો શું છે. આ પરંપરાના પુનર્જીવનથી પશુપાલકો દ્વારા ગામડાઓમાં ખુલ્લામાં ગાયો છોડી દેવાની વૃત્તિ કાબુમાં આવશે.
રાજસ્થાનના શિક્ષણ પ્રધાન મદન દિલાવરે કોટા જિલ્લાના રામગંજ મંડી વિધાનસભા મતવિસ્તારના ચેચટ તાલુકાના ખેડલી ગામમાં આ યોજના શરૂ કરી. આ સમયગાળા દરમિયાન, તેઓએ 14 ગામોમાં દરેકમાં એક એક ગોવાળોની નિમણૂક કરી. આ પહેલ સરકારે ગાય ચરાવવાની પ્રાચીન પરંપરાને પુનર્જીવિત કરવાના ઉદ્દેશ્યથી શરૂ કરી હતી. મંત્રી મદન દિલાવરે 14 નવનિયુક્ત ગામડાના ગોવાળોને સ્ટેજ પર પાઘડી અને માળા પહેરાવીને સન્માનિત કર્યા.
યોજના હેઠળ નિયુક્ત કરવામાં આવતા ગોવાળોએ ગામડાની ગાયોને દરરોજ સામૂહિક રીતે ગૌચર જમીન પર લઈ જવાની રહેશે અને સાંજે તેમને તેમના ઘરે પરત કરવાની રહેશે. આનો અર્થ એ કે તેઓ સવારે ગાયોને લઇ જશે, અને આખા દિવસ તેમને ચરાવશે અને પછી સાંજે તેમને ઘરે પાછા મૂકી જશે.
પંચાયતી રાજ વિભાગે ગ્રામ ગૌપાલક યોજનાને એક નવીન પહેલ તરીકે વિકસાવી છે. આ યોજના હેઠળ, ગામડાઓમાં ગામડાના ગોવાળોની નિમણૂક કરવામાં આવશે. આ ગોવાળોને ગ્રામ પંચાયતો દ્વારા રકમ ચુકવવામાં આવશે. પશુપાલકો આ યોજના હેઠળ તેમની ગાયોને ચરાવવા માટે સ્વેચ્છાએ નોંધણી કરાવી શકશે.

હવે સરકારનું કહેવું છે કે, દર 70 ગાયો માટે એક ગામના ગોવાળની નિમણૂક કરવામાં આવશે. જેમ જેમ સંખ્યા વધશે તેમ તેમ બે કે ત્રણ ગોવાળની નિમણૂક કરવામાં આવશે. દરેક ગોવાળને માસિક 10,000 રૂપિયા માનદ વેતન મળશે, અને સમગ્ર વ્યવસ્થા દાનવીરોના સહયોગથી ચલાવવામાં આવશે. આનો અર્થ એ થયો કે પગાર સરકાર દ્વારા આપવામાં આવશે નહીં, પરંતુ જાહેર દાન દ્વારા એકત્રિત કરવામાં આવશે.

આ દરમિયાન મંત્રી મદન દિલાવરે એક ચર્ચાસ્પદ નિવેદન પણ આપ્યું હતું. જેની ઘણી ચર્ચા થઇ રહી છે, તેમણે જણાવ્યું હતું કે, જે બાળકો ગાયનું દૂધ પી છે તે બાળકો વધુ બુદ્ધિશાળી અને ઉર્જાવાન બને છે, જ્યારે ભેંસનું દૂધ પીનારાઓમાં સુસ્તી જોવા મળે છે. તેમણે ઉમેર્યું હતું કે, પહોળા ખભાવાળી દેશી ગાયનું દૂધ શ્રેષ્ઠ માનવામાં આવે છે અને બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે તેને પ્રાથમિકતા આપવી જોઈએ.

