- National
- લાલૂએ ટિકિટ નહોતી આપી તો કપડા ફાડીને નેતાએ શ્રાપ આપેલો RJDને 25 સીટ જ આવશે અને એ સાચું પડ્યું
લાલૂએ ટિકિટ નહોતી આપી તો કપડા ફાડીને નેતાએ શ્રાપ આપેલો RJDને 25 સીટ જ આવશે અને એ સાચું પડ્યું
રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા મદન શાહ, જેમને ગયા મહિને ટિકિટ ન મળતા પોતાના કપડાં ફાડીને જમીન પર બેસીને રડતા જોવા મળ્યા હતા, તેમણે બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનના ખરાબ પ્રદર્શન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. મદન શાહે કહ્યું, 'ટિકિટ ન મળવાના દુ:ખથી ગુસ્સામાં તેઓ પાગલ જેવા થઈ ગયા હતા. હું પટણામાં લાલુ યાદવને મળવા ગયો હતો, પરંતુ કોઈ મળ્યું નહીં. મને એટલું બધું દુઃખ થયું કે મેં મારા કપડાં ફાડી નાખ્યા, જમીન પર પડી ગયો, અને શ્રાપ આપ્યો કે તેમની પાર્ટી 25 બેઠકો પર જ સમેટાઈ જશે, અને ખરેખર, એવું જ થયું.'
મદન શાહે કહ્યું, 'હું હજુ પણ પાર્ટી માટે દુઃખી છું. પાર્ટીની હારથી મને દુઃખ છે, પણ ભગવાન જે કરે છે તે સારું જ છે. પાર્ટીમાં જેને ચાણક્ય કહેવામાં આવે છે તે વ્યક્તિએ પાર્ટીને બરબાદ કરવાનું જ નક્કી કર્યું છે. જ્યાં સુધી તેને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં ન આવે ત્યાં સુધી કંઈ સુધરશે નહીં. આ વખતે ટિકિટ વિતરણમાં લાલુ યાદવની સલાહ લેવામાં આવી ન હતી. એટલા માટે પાર્ટીની આ સ્થિતિ થઇ.' ટિકિટ માટે પૈસા માંગવાના પ્રશ્ન પર, મદન શાહે કહ્યું કે કોઈએ આવી સીધી માંગણી કરી નહોતી.

તેમણે કહ્યું, 'મારી પાસેથી સીધા (ટિકિટ માટે) પૈસા માંગવામાં આવ્યા ન હતા, તે મીડિયા દ્વારા કહેવામાં આવ્યું હતું. તો હું પૈસા કેવી રીતે આપી શકું? હું તેને રસ્તા પર તો ન ફેંકી શકું ને. હું 1990થી પાર્ટી સાથે જોડાયેલો છું, હું પાર્ટીનો કાર્યકર છું, હું પાર્ટી માટે કામ કરું છું. મેં ટિકિટ માટે શા માટે પૈસા આપું અને ક્યાંથી લાવીને આપું?, મધુબનથી ટિકિટ એવી વ્યક્તિને આપવામાં આવી હતી જે પાર્ટીનો પ્રાથમિક સભ્ય પણ નહોતો. તે એક સરકારી ડૉક્ટર છે, અને તેણે રાજીનામું પણ આપ્યું ન હતું. પછી તેમણે તેમની પત્ની સંધ્યા રાનીના નામે ટિકિટ લીધી.'
https://twitter.com/ANI/status/1989985425226936375
મદન શાહે કહ્યું કે, લાલુ યાદવે તેમને ખાતરી આપી હતી કે, 'મદન, તૈયારી કરો, તમને ટિકિટ મળશે.' તેજસ્વી યાદવે પણ એવું જ કહ્યું હતું. હું મતવિસ્તારમાં સખત મહેનત કરી રહ્યો હતો. જે દિવસે ટિકિટ જાહેર થવાની હતી તે દિવસે 2 વાગ્યા સુધીમાં મને કહેવામાં આવ્યું હતું કે મને જ ટિકિટ મળશે. પરંતુ જ્યારે યાદી આવી ત્યારે મારું નામ નહોતું. હું ખૂબ જ દુઃખી થઇ ગયો હતો, હું પટણામાં લાલુ યાદવના નિવાસસ્થાનની બહાર જમીન પર બેસી રહ્યો, પરંતુ મને કોઈને મળવા દેવામાં આવ્યો નહીં. તેમણે સંજય યાદવ પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ RJDના ચૂંટણી પરાજય માટે જવાબદાર છે. શાહે કહ્યું કે જ્યાં સુધી સંજય યાદવને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં ન આવે ત્યાં સુધી પરિસ્થિતિ સુધરશે નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં RJD માત્ર 25 બેઠકો જીતી શકી હતી, જે મદન શાહના શ્રાપ સાથે મેળ ખાય છે. પાર્ટીમાં આંતરિક ઝઘડા અને ટિકિટ વિતરણ અંગે ઉભા થઈ રહેલા પ્રશ્નો વચ્ચે મદન શાહનું નિવેદન હેડલાઇન્સમાં છે. BJP અને JDUના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકશાહી જોડાણે બિહાર ચૂંટણીમાં જંગી બહુમતી મેળવી, 202 બેઠકો જીતી. જ્યારે RJDના નેતૃત્વ હેઠળના મહાગઠબંધનને 35 બેઠકો મળી. અસદુદ્દીન ઓવૈસીના AIMIMએ 5 બેઠકો જીતી. બહુજન સમાજ પાર્ટી પણ 1 બેઠક જીતીને પોતાનું ખાતું ખોલવામાં સફળ રહી. રાષ્ટ્રીય લોકશાહી જોડાણમાં સામેલ પક્ષોમાં, BJPએ 89 બેઠકો, JDUએ 85, LJPVએ 19, HAMએ 5 અને RLMએ 4 બેઠકો જીતી. જ્યારે, મહાગઠબંધનમાં રહેલા RJDએ 25 બેઠકો, કોંગ્રેસે 6, ડાબેરી પક્ષોએ 3 અને IIPએ 1 બેઠકો જીતી.

