- National
- લાલુ યાદવ કે જે હંમેશા CM નીતીશ કુમાર માટે 'દરવાજા ખુલ્લા' રાખતા હતા, તેઓએ હવે પલટી કેમ મારી? જાણો અ...
લાલુ યાદવ કે જે હંમેશા CM નીતીશ કુમાર માટે 'દરવાજા ખુલ્લા' રાખતા હતા, તેઓએ હવે પલટી કેમ મારી? જાણો અંદરની તમામ વાત
લાલુ યાદવે CM નીતિશ કુમાર માટે 'હંમેશા ખુલ્લા રાખેલા દરવાજા' બંધ કરી દીધા છે. શક્ય છે કે આ દરવાજો પહેલાથી જ બંધ કરી નાખવામાં આવ્યો હોય. આ વાત તાજેતરમાં જ ખબર પડી છે. લાલુ યાદવે આ વખતે CM નીતિશ કુમારના મામલે પલટી મારી લીધી હોય તેવું લાગે છે. મતલબ કે તેમણે U-ટર્ન લઇ લીધો છે, અને આમ જોવા જઈએ તો, આ બાબતે તેજસ્વી યાદવના શબ્દો સાચા સાબિત થયા છે.
2024ની લોકસભા ચૂંટણી પહેલા મહાગઠબંધન છોડ્યા પછી પણ, લાલુ યાદવ કડક વલણ બતાવતા જોવા મળ્યા ન હતા. લાંબા સમય સુધી, તેજસ્વી યાદવે પણ CM નીતિશ કુમાર પ્રત્યે નરમ વલણ જાળવી રાખ્યું. ચૂંટણીની તારીખ નજીક આવતાં જ, તેજસ્વી યાદવે 'બીમાર CM' અને 'ભ્રષ્ટાચારના ભીષ્મ પિતામહ' જેવા શબ્દોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું.
CM નીતિશ કુમાર અંગે, તેજસ્વી યાદવે ઘણા સમય પહેલા મહાગઠબંધનમાં પાછા ફરવાની શક્યતાને નકારી કાઢી હતી. તેમણે લાલુ યાદવ વિશે પણ એવો દાવો કર્યો હતો કે, તેમના પિતા પણ આવી કોઈ વાતને મંજૂરી નહીં આપે. જોકે, રાજકારણમાં કોઈ લાગણીઓ કાયમી નથી હોતી. ખાસ કરીને બિહારના રાજકારણમાં, ઓછામાં ઓછું CM નીતિશ કુમારે CM પદ સંભાળ્યું ત્યારથી.
PM નરેન્દ્ર મોદીની નવી ઇનિંગમાં, CM નીતિશ કુમાર વારંવાર કહેતા રહે છે કે, હવે તેઓ ક્યાંય જશે નહીં. ભૂલ થઈ ગઈ હતી, અને હવે તેઓ તેવી ભૂલ ફરીથી નહીં કરે. એવું લાગે છે કે લાલુ યાદવે CM નીતિશ કુમારના શબ્દોને ગંભીરતાથી લીધા છે.
મીડિયા સૂત્રો સાથેની એક મુલાકાતમાં, RJDના વડા લાલુ યાદવે સ્પષ્ટપણે કહ્યું છે કે, CM નીતિશ કુમાર પ્રત્યે તેમનું વલણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. અગાઉ, લાલુ યાદવ કહેતા હતા કે CM નીતિશ કુમાર માટે તેમના દરવાજા હંમેશા ખુલ્લા છે. હવે સવાલ એ ઉભો થાય છે કે, CM નીતિશ કુમાર અંગે લાલુ યાદવના મનમાં પહેલાનો વિચાર બદલાઈ કેમ અને કેવી રીતે ગયો?
લાલુ યાદવનું તાજેતરનું નિવેદન છે, 'અમે હવે CM નીતિશ કુમાર સાથે ગઠબંધન નહીં કરીએ.' તેઓ આગળ ઉમેરે છે કે, 'અમે હવે CM નીતિશ સાથે સંપર્કમાં નથી.'
તેનો અર્થ એ છે કે, પ્રકરણ સમાપ્ત થઈ ગયું છે. પરંતુ ભવિષ્યમાં કંઈપણ થવાની ખાતરી છે. ટ્રેક રેકોર્ડ તો એવું જ કંઇક બતાવે છે.
સમસ્યા એ છે કે, CM નીતિશ કુમાર સાથે, આવા નિવેદનો ફક્ત કહેવા સાંભળવા માટે હોય છે. 2022માં CM નીતિશ કુમાર NDA છોડીને મહાગઠબંધનમાં જોડાયા પછી કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ આવું જ કંઈક કહ્યું હતું, પરંતુ આગામી સામાન્ય ચૂંટણીઓ નજીક આવતાં બધું જ બદલાઈ ગયું.
લાલુ યાદવ અને CM નીતિશ કુમાર વચ્ચેની મિત્રતા એક લાંબી વાર્તા છે, જેમાં ઘણા રસપ્રદ વળાંકો પણ જોવા મળ્યા છે. મિત્રતાની આ વાર્તામાં છેલ્લા ત્રણ દાયકામાં ઘણા વળાંક આવ્યા છે. લાલુ યાદવ સાથેથી અલગ થયા પછી પણ, તેજસ્વી યાદવથી ખૂબ ગુસ્સે હોવા છતાં, CM નીતિશ કુમાર હજુ પણ કહે છે, 'મારા ભાઈ જેવા મિત્રનો દીકરો...'
બંને ગઠબંધન માટે ફાયદાકારક બનવાની CM નીતિશ કુમારની ક્ષમતા તેમને મહત્વપૂર્ણ બનાવે છે. CM નીતિશ કુમારનો આ અનોખો ગુણ જ તેમને બંને બાજુ તેમનું એકસરખું મહત્વ જાળવી રાખવા મદદ કરે છે.
તેથી જ CM નીતિશ કુમાર અંગે લાલુ યાદવનું તાજેતરનું નિવેદન અમિત શાહના અગાઉના નિવેદનનો પડઘો પાડે છે.
CM નીતીશ કુમાર સાથે અલગ થયાના લગભગ એક વર્ષ પછી, લાલુ યાદવે સ્પષ્ટપણે કહ્યું, 'CM નીતીશ કુમાર માટે અમારા દરવાજા ખુલ્લા છે. તેમણે પણ પોતાના દરવાજા ખોલવા જોઈએ. આનાથી બંને બાજુના લોકોની અવરજવરમાં સુવિધા બની રહેશે.
એક ઇન્ટરવ્યુમાં લાલુ યાદવે કહ્યું હતું કે, 'જો CM નીતિશ આવશે, તો અમે તેમને કેમ નહીં લઈશું? લઇ લેશું સાથે..., CM નીતિશ કુમાર ભાગી જાય છે, અમે તેમને માફ કરી દઈશું... સાથે રહો, સાથે કામ કરો.'
તે સમયે, RJD તરફથી વારંવાર કહેવામાં આવી રહ્યું હતું કે, CM નીતિશ કુમાર મહાગઠબંધનમાં પાછા નહીં ફરે. હવે જ્યારે લાલુ યાદવને આ વાત યાદ અપાવવામાં આવી, ત્યારે તેમણે કહ્યું, 'અમે નિર્ણયો લઈએ છીએ, પરંતુ તે CM નીતિશ કુમારને અનુકૂળ નથી હોતું... તે વારંવાર ભાગી જાય છે, નીકળીને જતા રહે છે... જો તે ફરીથી આવશે, તો અમે તેમને રાખી લઇશું.'
પરંતુ થોડા દિવસો પછી, તેજસ્વી યાદવે સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો કે, લાલુ યાદવ CM નીતિશ કુમારને ફરીથી સાથે લેવાના નથી. તેમણે કહ્યું, 'ક્યારેય નહીં... તે મારા પિતા છે, હું જાણું છું... એક ભૂલ પછી કોઈને માફ કરવું ઠીક છે, પરંતુ હવે તેમણે બીજીવાર એ જ ભૂલ કરી છે... તેથી હવે તેમને માફ કરવું અશક્ય છે... હવે, CM નીતિશ કુમાર જ્યાં પણ જશે, ત્યાં તેઓ બોજ બની જશે.'
લાલુ યાદવ નિઃશંકપણે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સર્વોચ્ચ નેતા છે, પરંતુ હાલમાં તો ચાલે તો તેજસ્વી યાદવ જ છે, જે હાલમાં પ્રભારી છે. આવી ચર્ચા RJDની અંદર અને બહાર બંને જગ્યાએ ફેલાઈ રહી છે. અને તેજ પ્રતાપ યાદવ પ્રત્યે કડક વલણ બતાવવાનું એક કારણ તેજસ્વી યાદવની જીદને ગણાવવામાં આવી રહી છે.
લાલુ પરિવારના નજીકના લોકો અને પાર્ટીની ગતિવિધિઓ પર નજર રાખનારા લોકોના મતે, તેજસ્વી યાદવના મામલામાં હવે પરિવારનું બહુ ઓછું ચાલે છે. તેજસ્વી યાદવ મોટાભાગના નિર્ણયો તેમના વિશ્વાસુ સલાહકાર, રાજ્યસભા સાંસદ સંજય યાદવ, એ જ સંજય યાદવની સલાહ પર લે છે જેમને તેજ પ્રતાપ યાદવ 'જયચંદ' કહીને બોલાવે છે.
રાજકીય મજબૂરીની બાબત બીજી છે, નહિંતર, આમ પણ CM નીતિશ કુમારને NDAમાં ગૂંગળામણ થઇ રહી છે, જેમ તેમને મહાગઠબંધનમાં ગુંગળાતા હતા. NDA વિશે નહીં, પરંતુ CM નીતિશ કુમાર પહેલાથી જ મહાગઠબંધન અંગે એક યા બીજા બહાનાની સાથે આ અભિપ્રાય વ્યક્ત કરી ચૂક્યા છે, અને તેમની 'પલટીબાજ' છબીમાં એક બીજું પાત્ર ઉમેરીને બંને પક્ષોને ખુશ કરવાનો પ્રયાસ પણ કરી ચુક્યા છે.

આ વાત હાલના સમયની જ છે. CM નીતિશ કુમારે એક વાર પોતાના બચાવમાં, સાથી JDU નેતા અને કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન, જેને લલ્લન સિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમને કઠેડામાં ઉભા કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, લલ્લન સિંહના કહેવાથી જ તેઓ NDA છોડીને મહાગઠબંધનમાં જોડાયા હતા. અને, હવે તેમના જ કહેવાથી, તેઓ મહાગઠબંધન છોડીને NDAમાં પાછા ફર્યા, એટલે કે, CM નીતિશ કુમારે સમગ્ર દોષનો ટોપલો લલ્લન સિંહ પર ઢોળી નાખ્યો છે.
પરંતુ CM નીતિશ કુમાર માટે દરવાજો બંધ કરવાનો નિર્ણય લાલુ યાદવે કોઈ કારણ વગર લીધો હોય તેવું લાગતું નથી. શું તેજસ્વી યાદવે પણ લાલુ યાદવના આ નિર્ણયમાં કોઈ મહત્વની ભૂમિકા ભજવી છે ખરી?

