- National
- રાહુલ ગાંધી અને ખડગે સતત બીજા વર્ષે લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ સમારોહમાં કેમ ન ગયા, કારણ આવ્યું સ...
રાહુલ ગાંધી અને ખડગે સતત બીજા વર્ષે લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ સમારોહમાં કેમ ન ગયા, કારણ આવ્યું સામે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ લાલ કિલ્લા પર 80મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જોકે, કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે તેમજ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સતત બીજા વર્ષે આ સરકારી સમારોહમાં હાજર રહ્યા ન હતા. સુત્રોના જણાવ્યા અનુસાર, બેઠક વ્યવસ્થા અને યોગ્ય પ્રોટોકોલનું પાલન ન થવાને કારણે બંને નેતાઓએ આ કાર્યક્રમથી અંતર જાળવ્યું હતું. આ પહેલા વર્ષ 2024માં પણ રાહુલ ગાંધીએ પોતાની બેઠક વ્યવસ્થાને લઈને ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
પ્રાપ્ત અહેવાલો મુજબ, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને સ્વતંત્રતા દિવસ સમારોહ માટે વિધિવત આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે તેમની બેઠક વ્યવસ્થા 'ટેબલ ઓફ પ્રેસિડન્સ' મુજબ નક્કી કરવામાં આવશે. નિયમ મુજબ લોકસભામાં વિરોધ પક્ષના નેતાનો હોદ્દો કેન્દ્રીય કેબિનેટ મંત્રીની સમકક્ષ ગણાય છે. તેમ છતાં, બંને નેતાઓ કાર્યક્રમમાં પહોંચ્યા ન હતા.

આ ગેરહાજરીનું કારણ પણ સામે આવ્યું છે. સુત્રોના હવાલેથી મળતી માહિતી મુજબ, સીટિંગ એરેન્જમેન્ટ અને સમારોહ સાથે જોડાયેલા અન્ય પ્રોટોકોલ તેમના હોદ્દાની ગરિમા મુજબ યોગ્ય ન હતા. પ્રોટોકોલમાં કથિત ખામી અને ક્ષતિઓના કારણે જ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ લાલ કિલ્લાના આ સ્વતંત્રતા સમારોહમાં જવાનું ટાળ્યું હતું.
વર્ષ 2024ની સામાન્ય ચૂંટણીઓ પછી રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બન્યા હતા. તે જ વર્ષે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન લાલ કિલ્લા પર તેમને પાંચમી હરોળમાં બેસાડવામાં આવ્યા હતા. કોંગ્રેસે આ બેઠક વ્યવસ્થાની તીખી ટીકા કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે સરકારે વિરોધ પક્ષના નેતાના પદનું અપમાન કર્યું છે.
તે સમયે સંરક્ષણ મંત્રાલયે આ આરોપોને ફગાવી દેતા ખુલાસો કર્યો હતો કે સમારોહમાં ઉપસ્થિત ઓલિમ્પિક ખેલાડીઓને આગળની હરોળમાં સ્થાન આપવાનું હોવાથી આ પ્રકારની બેઠક વ્યવસ્થા કરવી પડી હતી. ત્યારબાદ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે વર્ષ 2025માં પણ સ્વતંત્રતા દિવસ સમારોહમાં સામેલ થયા ન હતા.

આ ઉપરાંત, કોંગ્રેસે આ વર્ષના પ્રજાસત્તાક દિવસ સમારોહમાં કરવામાં આવેલી બેઠક વ્યવસ્થા અંગે પણ આકરા પ્રહારો કર્યા હતા. પાર્ટીનો આરોપ હતો કે રાહુલ ગાંધી અને ખડગેને ત્રીજી લાઈનમાં બેસાડવામાં આવ્યા હતા. તેની સામે સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે 2025 અને 2026ના પ્રજાસત્તાક દિવસ સમારોહમાં બેઠક વ્યવસ્થા સંપૂર્ણપણે 'ટેબલ ઓફ પ્રેસિડન્સ'ના નિયમો અનુસાર જ ગોઠવવામાં આવી હતી.

