- Gujarat
- સેવા અને સાધનાના સમન્વયનું તીર્થ નંદિગ્રામ
સેવા અને સાધનાના સમન્વયનું તીર્થ નંદિગ્રામ
વલસાડથી ધરમપુરના માર્ગ ઉપર આવેલું નયનરમ્ય નંદીગ્રામ એટલે સેવા અને સાધનાના સમન્વયનું તીર્થ. સંત કવિ મકરંદ દવે અને વિદ્રોહી લેખિકા કુન્દનિકાબહેન કાપડીયાએ સ્થાપેલા નંદીગ્રામમાં મકરંદભાઇ દવેની વિદાય પછી પણ માનવીય સેવા અને અધ્યાત્મની સાધનાની જ્યોતને કુંદનિકાબહેને પ્રજ્વલિત રાખી હતી. ‘સાત પગલાં આકાશમાં'ના સર્જનથી નારી જગતને નવી ઊર્જા કુંદનિકાબહેને પ્રદાન કરી હતી. પરમ સાથે નાતાની આગવી અભિવ્યક્તિ સમી કૃતિ ‘પરમ સમીપે' આપનાર કુંદનિકાબહેન સ્વયં સ્થૂળ દેહ છોડીને પરમ સમીપે પહોંચી ગયા.
વલસાડની હરિયાળી ધરાની ગરીમા નંદીગ્રામે વધારી છે. કુંદનિકાબહેનને શ્રદ્ધાંજલિ અર્પીને કુંદનિકાબહેન અને મકરંદભાઇ દવેની સેવા અને સાધનાની યાત્રાનું પણ ભાવસભર સ્મરણ કરીએ. મુંબઇમાં રહેતા પ્રખ્યાત કવિ મકરંદ દવે અને તેમના જીવન સાથી અને પ્રખ્યાત લેખિકા કુંદનિકા કાપડિયા એક ખાસ સ્વપ્ન લઇ વલસાડના ધરમપુરમાં વસવાટ કરવાનો નિર્ધાર કર્યો હતો. આ સ્વપ્ન હતું એક સેવા સંસ્થા સ્થાપવાનું, પ્રકૃતિના ખોળે જીવન ગાળવાનું. આ સ્વપ્ન પાછળ ઉદ્દિપક હતો એક લેખ-વિલીયમ એડવિન થોમસન નામના એક લેખકે પોતાના લેખમાં એક એવી સંસ્થાનો વિચાર મુકયો હતો જેમાં સમાન વિચારવાળા લોકો એક સાથે મળી માનવ ઉત્થાનના કાર્યો કરતા. આ સ્વપ્ન પુરૂ કરવા 1984ના વર્ષ દરમ્યાન ‘નંદિગ્રામ' સંસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું.
‘નંદિગ્રામ' ની સ્થાપના માટે સૌથી પ્રાથમિક જરૂરિયાત હતી અનુકુળ જગ્યાની. મકરંદ દવે અને કુંદનિકા કાપડિયા એક દિવસ ટ્રેનમાં મુસાફરી કરી રહયા હતા. આ સમયે વલસાડ તાલુકાના ટીડીઓ તેમના જ ડબ્બામાં સાથે મુસાફરી કરતા હતા. એકબીજા સાથે વાતો કરતા ટીડીઓને નંદિગ્રામના ઉદ્દેશ વિશે જાણતા તેઓએ મદદનો હાથ લંબાવ્યો. આદિવાસીઓને આપેલી જમીનમાંથી ફાજલ પડેલી જમીન સેવા ભાવના માટે તત્પર દંપતિને રાહત દરે આપી. પરંતુ જાણે પ્રકૃતિ પણ દંપતિના ધૈર્યની પરીક્ષા લેતી હોય તેમ જમીન મોટી-મોટી ફાડો વાળી, તદ્દન રૂક્ષ, કાંટા ઝાંખરાના ઘર સમાન જમીન મળી. આ તમામ મુશ્કેલીઓનો ધીરજપૂર્વક સામનો કરી માં પ્રકૃતિ અને માનવ સેવાના ધ્યેય સાથે ‘નંદિગ્રામ'ની સ્થાપના કરી જીવન શરૂ કર્યું.
આજનું નંદિગ્રામ અને પહેલાના નંદિગ્રામમાં જમીન આસમાનનો ભેદ છે. જયારે આ દંપતિ ધરમપુર આવીને વસ્યા હતા. અહીંના સ્થાનિક લોકોએ તેઓ ઉપર શંકાઓ કરી તેઓનું સ્વપ્ન પુરું કરવામાં વિઘ્નો પણ નોતર્યા હતા. ગામના લોકોને ઢોર ચરાવવા માટે તથા ખુલ્લામાં શૌચ જવા માટે વપરાતી જમીન છીનવાઇ જતા તેઓ વિરોધ કરવા લાગ્યા. તેઓને લાગ્યું મુંબઇના રહેવાસી અહીં આવીને વસે તેમાં નક્કી કંઇક મોટો સ્વાર્થ હશે. પરંતુ જ્યાં સાચી સેવા ભાવના હોય ત્યાં વિઘ્નો કયાં સુધી ટકી શકે? દંપતિએ સેવાના કાર્યો શરૂ કર્યા. સૌ પ્રથમ આરોગ્યને લગતી સેવામાં મફત દવાખાનું શરૂ કર્યું. છેક મુંબઇથી ડોકટર બોલાવ્યા. તે સમયે આસપાસ ગામમાં જવા માટે રસ્તાઓ પણ ન હતા. નંદિગ્રામ વતી સરકારને પોતાની 33 એકર જમીનમાંથી 4 એકર જમીન રસ્તા બનાવવા આપી. મફત શિક્ષણ સેવા શરૂ કરી. આમ વખત ગયો પણ લોકોનો વિશ્વાસ નંદિગ્રામ જીતી શકયું. આ વિશ્વાસ મેળવતા 2 થી 3 વર્ષનો સમય ગાળો ગયો.
આ ઉપરાંત ગરીબી રેખા નીચે જીવતા અને વંચિત ગ્રામજનોને સહાયરૂપ થવા વિવિધ પ્રવૃતિઓ શરૂ કરી. આધ્યાત્મિકતા, વિજ્ઞાન, શિક્ષણ, કલા, આરોગ્ય જેવા વિવિધ વિષયોનું સુયોગ્ય સંચાલન એક માળામાં પરોવેલા મોતી સમાન પ્રકૃતિ સાથે સુવ્યવસ્થિત સુમેળ સાધી આજે પણ કરવામાં આવે છે.
1987થી નંદિગ્રામમાં સ્થાનિક પરિસ્થિતિને અનુલક્ષીને આરોગ્ય, શિક્ષણ, ગ્રામ વિકાસ, રાહત અને સહાય, સજીવ ખેતી, ગૌ શાળા, આધ્યાત્મ, મહિલાઓને રોજગાર, જમીન સમતલીકરણ, તળાવ, હવાળા, ચેકડેમનું બાંધકામ, કુટુંબ દીઠ પાણીની ટાંકીનું બાંધકામ વગેરે મુખ્ય પ્રવૃતિઓ શરૂ કરવામાં આવી જે આજે પણ કાર્યરત છે. હરતું ફરતું દવાખાનું સમાન નંદિગ્રામની જીપ ગામડે-ગામડે જઇ શારીરિક, માનસિક, આર્થિક તકલીફ અનુભવતા લોકોને મામુલી દરે દવા આપે છે. નિશાળે ન જતા બાળકો માટે વિશેષ તેઓના ફળીયે જઇને શિક્ષણ આપવામાં આવે છે. શિષ્યવૃતિ અને છાત્રાલયની સુવિધા તથા નંદિગ્રામનું કોમ્પ્યુટર સેન્ટર ગામના બાળકોને આધુનિકતાનો સાથ શીખવે છે. ખેડૂત માટે નિઃશુલ્ક બિયારણ અને કલમો આપવાની સાથે તેઓને સજીવ ખેતી અને પશુપાલન અંગે શિબિરો યોજી તેઓની જીવનશૈલી ઉપર લાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. વૃધ્ધોને સહાય માટે નિઃશુલ્ક અનાજ, ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું છે. નંદિગ્રામની સઘળી પ્રવૃતિઓ પાછળનો ઉદ્દેશ ગ્રામજનોને પાયાની સગવડો પુરી પાડવાનો અને ખૂટતી કળીઓ સાંકળવાનો છે. આવા અવનવા કામો સાથે અત્યાર સુધીમાં 109 ગામોમાં વિવિધ પ્રકારનાં વિકાસના કામો નંદિગ્રામ દ્વારા કરવામાં આવ્યા છે.

લોકોની સમસ્યા જોઇને તેઓનું નિદાન શોધતા થયા. વલસાડ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા પહેલેથી જ હતી. એક વખત એક આદિવાસી બહેનને ખાબોચીયામાંથી છાબલી વડે ગાળીને પાણી ભરતા જોઇ. તે બહેનને આટલી હાડમારી કરી પાણી ભરતા જોતા તે પાણીને સરળતાથી કઇ રીતે કાઢી શકાય તેના ઉપર વિચાર કરવા લાગ્યા. આ ઘટના ઉપરથી ‘વેરી' નામનો કાર્યક્રમ શરૂ કર્યો. આ ખાબોચીયાને ઊંડા કરવામાં આવ્યા. તેની ફરતે કોંક્રિટની દિવાલ ઊભી કરવામાં આવી અને એક નાની કુવી તરીકે વિકસાવવામાં આવી. ખાબોચીયામાંથી વેરી, વેરી માંથી કુવી અને કુવીમાંથી કુવાનું નિર્માણ કરવામાં આવ્યું. લોકો પાસેથી ફકત સહકારરૂપે પાણી વહેવા માટે ગળી મંગાવવામાં આવી, પરંતુ એક જ વ્યકિતએ પોતાની ગળી આપી. આમ લોકો પાસેથી મળેલા નાના-મોટા સહકારમાંથી જ જનોપયોગી કાર્યો અવિરત કરતા ગયા. પાણીની સમસ્યા હળવી બનાવી પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત પુરી પાડી લોકોને મદદરૂપ બન્યા.
નંદિગ્રામમાં પ્રાર્થના ઘર, મહેમાન ઘર, સહિયારુ રસોડું, સાહિત્ય ઘર છે. ઉપરાંત રાહત દરે ચાલતું દવાખાનું, રસ્તા, વિજળી, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી સુસજ્જ છે. ભોજનમાં અહીં જ ઉગાડવામાં આવેલા અનાજ ઘઉં, ચણા, ચોખા, મગ, અને શાકભાજી ફળોનો ઉપયોગ કરવામાં આવે છે. નંદિગ્રામ એ સેવા અને સાધનાનું એક અનોખું કેન્દ્ર છે. અહીં કોરા આધ્યાત્મના બદલે માનવીય સંવેદનાસભર સેવાભાવને અધ્યાત્મનો આધાર બનાવવામાં આવ્યો છે. અહીં ધર્મ, જ્ઞાતિ, રંગના ભેદભાવ નથી. માનવ સેવા અને પર્યાવરણ સેવા અહીંના મુખ્ય પાસાં છે.
એક વાર નંદીગ્રામ સાથે સંકળાયેલા એક સ્વજન મિત્ર પોતાના માતાને મુંબઇથી અમદાવાદની વિમાનયાત્રા કરાવી લાવ્યા. માતા યાત્રાથી રાજી-રાજી થઇ ગયા. અને ‘મારા વહુ-દિકરાએ મને વિમાનની મુસાફરી કરાવી' એવું કહેતા થાકતા ન હતાં. તેમના પ્રસંગ પરથી થયું કે આવી રીતે માતાપિતાને જીવનમાં કદી ન કલ્પેલો આનંદ કરાવવાની ભાવના સંતાનોના મનમાં ઉગે એ ઘણી પ્રેરણાદાયક બાબત છે. જો આવો અનુભવ નંદિગ્રામના તમામ સ્ટાફના લોકોને તથા આસપાસના આદિવાસીઓને કરાવી એ તો તેઓને કેવો આનંદ થાય. જે આદિવાસી ભાઇ-બહેનોએ આજ સુધી ટ્રેનમાં પણ મુસાફરી નથી કરી તેઓને જો વિમાનનો અનુભવ થાય તો તેઓને કેટલો આનંદ થશે. આ વિચારની સાથે જ નંદિગ્રામમાં કામ કરતા આદિવાસીઓ, ખેતીવાડી સંભાળતા ભાઇ, રસોઇ બનાવતાં, વાસણ માંજતા, કપડા ધોતા, ચોકી કરતા લોકો સાથે તમામ કર્મચારીગણ મળી કુલ-34 જણની સંખ્યા થઇ. તેઓને બે જુથમાં વહેંચી સૌ પ્રથમ વલસાડથી અમદાવાદ ટ્રેનમાં સફર કરી. અમદાવાદ દર્શન કરી બીજા દિવસે અમદાવાદ એરપોર્ટ આવ્યાં. અમદાવાદથી મુંબઇની ફલાઇટ-પહેલીવાર વિમાનઘર જોયું, વિમાન નજીકથી જોયું. ઓહો..વિમાન આટલું બધું મોટું. આヘર્ય, આનંદ, ઉલ્લાસ અને ઉત્તેજના ‘આમાં આપણે બેસવાનું..' આવા વાકયો તમામના મુખ ઉપર રટયા રહેતા. બધા વિમાનમાં ગોઠવાઇ ગયા. વિમાને હવાઇ-પટ્ટી પર મોટો ચક્રાવો લીધો અને પછી સીધું આકાશમાં, જરા વાર તો શ્વાસ થંભી ગયો. સોનેરી સ્મરણો સાથે વિમાનની મુસાફરી સૌના માટે જીવનભરની યાદગાર પળ સાબીત થઇ.
જ્યારે કોઇ સારી કામગીરી કરવામાં આવે ત્યારે મિત્રો સૌથી પહેલા સાથ આપતા હોય છે. નંદિગ્રામે શરૂ કરેલા માનવસેવાના પ્રયત્નોને જયારે શુભેચ્છકો અને દાતાઓએ વધાવી લીધા ત્યારે સોનામાં સુગંધ ભળી. શરૂઆતના સમયમાં જાહેરાત કે વિજ્ઞાપન કરવા માટે પણ સંસ્થા પાસે પૈસા ન હતા. તેથી મેડીકલને લગતી સેવાઓ અંગે પાટિયા ઉપર લખી પ્રચાર-પ્રસાર કરતા. કુનંદનિકાબેન અને બીજા સહાયક બહેન પાટિયું ગામના રસ્તે મુકતા. રસ્તા ઉપરથી પસાર થતી એક ફોર વ્હીલરમાં બેઠેલી બહેનોએ આ બે બહેનોને જોઇ. આવા ર્નિજન વિસ્તારમાં આ બે બહેનો શું કરે છે તેવા પ્રશ્ન સાથે તે સ્થળની મુલાકાત લીધી. જયારે તે બહેનોએ નંદિગ્રામના કામ વિશે માહિતી મેળવી ત્યારે તેઓ ખુબ ખુશ થયા અને કામને પ્રોત્સાહન આપવા સંસ્થાને સૌ પ્રથમ દાન આપ્યું. આ સૌ પ્રથમ દાતાબહેન હતા-ચંદ્રિકા કામદાર. સંસ્થાને મળેલુ સૌ પ્રથમ દાન રૂપિયા-250/- નું હતું. તે સમયે આ દાન અમૂલ્ય હતું. અને આ દાનની રકમ કરતા વધારે મહત્ત્વપૂર્ણ હતો એક વિશ્વાસ જે તેઓએ નંદિગ્રામમાં નિરાશાઓ વચ્ચે એક આશારૂપી દિપ પ્રગટાવી કર્યો હતો. ધીરે ધીરે અનેક લોકોને આ સંસ્થા વિશે જાણ થઇ અને લોકોની મદદ વધતી ગઇ. સરકાર દ્વારા પણ આ સંસ્થાને પુરતું પ્રોત્સાહન મળયું. અહીં કરેલી આર્થિક સહાય આવકવેરા ધારો 1961ના વિભાગ 80(જી) અનુસાર કરમુકત છે.
આજે 35 વર્ષ બાદ આ સંસ્થા વલસાડ જિલ્લાની આગવી ઓળખ બની ચુકી છે. જયા કાંટા ઝાંખરા હતા, ત્યાં ઘટાદાર વૃક્ષો છે જયાં લોકોના મનમાં શંકા-કુશંકાઓ હતી, ત્યાં આજે આદર અને ગર્વ છે. સમાજ માટે આ સંસ્થા એક સામાજિક સેવા સંસ્થા કરતા કંઇક વિશેષ બની ચુકી છે. લોકોનો વિશ્વાસ એટલો દ્રઢ છે કે પોતાના ગામમાં અવનવા દવાખાના હોવા છતાં છેક દક્ષિણે ઉમરગામથી માંડીને પૂર્વ બાજુ મહારાષ્ટ્રની સરહદને અડતા ગામોમાંથી અને છેક નાસિક પાસેથી પણ દર્દીઓ અહીંના નિઃશુલ્ક દવાખાનામાં સારવાર લેવા આવે છે. અહીં રોજની 70 થી 80 ઓપીડી હોય છે.
મહિલા વિકાસ માટે કામ કરતી આ સંસ્થા દ્વારા અનેક બાળકીઓને ભણતર માટે શિષ્યવૃતિ આપવામાં આવી છે. જેમાંથી સહાય મેળવી અનેક બહેનો આજે ઉચ્ચ પદ પર બિરાજમાન છે. જેમાંથી એક છે-ડૉ.દિવ્યા રાણા જે હાલ એમ.બી.બી.એસ. તરીકે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહી છે. નૈનીશા પટેલ જે સરીગામ ખાતે આવેલી કોલેજમાં આર્કિટેકટનો અભ્યાસ કરી રહી છે.
નંદિગ્રામના સ્થાપક કુંદનિકાબહેનની થોડા જ મહિના પહેલાં માહિતી ખાતા દ્વારા લીધેલી મુલાકાત વેળાએ પોતાના અનુભવો જણાવતા કહ્યું હતું કે, ‘નંદિગ્રામ ઉપર લોકોનો સાચો ખોટો પણ વિશ્વાસ છે. તેઓને વિશ્વાસ છે કે અહીં તેઓને મદદ મળશે જ. આ વિશ્વાસ મેળવવાનો રસ્તો સરળ ન હતો. ‘Truth is Pathless Land' સત્યની શોધ જાતે કરવાની હોય છે. આ સત્ય મેળવવા માટે દરેક પ્રકારના પરંપરાગત વિચારો, માન્યતાઓ, રિવાજોથી મુકત થઇ સત્યની શોધ કરવી પડે છે. નંદિગ્રામે જે કર્યું એ સાચું અને સારૂ કર્યું. નંદિગ્રામનો વિકાસ થયો અને અન્યોને પણ પ્રેરણા મળી છે. જેથી અમારૂ પણ જીવન સાર્થક થયું.' તેઓ માનતા હતા કે, ‘જીવન સુંદર છે, ઇશ્વરે આપેલું ઉત્તમ વરદાન છે. તેને ફકત પોતાના માટે જ નહીં પરંતુ સમાજ માટે ઉત્તમ કાર્યો કરી જીવવું જોઇએ. Live your best and Give your Best. નંદિગ્રામનો બાહય વિકાસ થતો ગયો, તેમ અમારો આંતરિક વિકાસ પણ થતો ગયો.'
ઊંચા ગજાના સાહિત્યકાર હોવા છતાં મોટા શહેરની જાહોજલાલી છોડી આ દંપતિ સમાજ સેવા અને પર્યાવરણ પ્રેમમાં જ પરોવાયેલા રહેતા. તેઓના અથાગ પ્રયત્નો થકી આજે નંદિગ્રામ તેના ચાર પાયા-સેવા, સાધના, સહકાર અને સાદગી થકી પ્રજાની નિઃસ્વાર્થ ભાવે સેવા કરી રહયું છે. ગ્રામજનોની સાદી, સંતોષી, નિરામય જીવનશૈલી નિર્માણ કરવા, ગામમાં કોઇ કામ વિના ન રહે, કોઇ બિમાર માવજત વિના ન રહે, કોઇ વૃધ્ધ આધાર વિના ન રહે, કોઇ બાળક શિક્ષણ વિના ન રહે જેવા ઉત્તમ વિચારો અને સર્વના કલ્યાણકારી ભાવનાઓનો પ્રસાર થકી નંદિગ્રામ સુખી, સંતોષી, રળિયામણું કેન્દ્ર બની દરેકના મનમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે. આ કાર્યો આધુનિકતા તરફ વળતા સમાજ માટે પ્રેરણા રૂપ છે. આજે મકરંદ દવે તથા કુંદનીકાબેન બન્નેની ઉપસ્થિતિ નથી છતાં તેઓનો આત્મા નંદિગ્રામ સાથે જોડાયેલા સૌને આર્શિવાદ આપતા હોય તેવો ભાસ થાય છે. નંદિગ્રામ જેવી સંસ્થા આપણા વલસાડ જિલ્લામાં હોવી એક ગર્વની બાબત છે. અને આ સંસ્થાની મુલાકાત લેવી એક લહાવા સમાન છે.
આજે તા.30મી એપ્રિલ, 2020ના રોજ કુંદનિકાબેન કાપડીયા આપણી વચ્ચેથી વિદાય લીધી છે, ત્યારે પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના સાથે તેમણે શરૂ કરેલી સંસ્થા અવિરત ચાલુ રહે તેવી આશા છે.
(વૈશાલી જે. પરમાર)

