- Opinion
- સી.આર.પાટીલના "સાહેબ" કલ્ચરનો ગુજરાત ભાજપના સંગઠન અને સરકારમાં અંત આવશે
સી.આર.પાટીલના "સાહેબ" કલ્ચરનો ગુજરાત ભાજપના સંગઠન અને સરકારમાં અંત આવશે
ગુજરાત ભાજપના સંગઠન અને સરકારમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના મૂળમાં રહેલા પરિવારભાવ, સમન્વય અને સમરસતાના સંસ્કાર ફરી એકવાર નવા રૂપે પ્રગટ થઈ રહ્યા છે. સી.આર. પાટીલના પ્રદેશ અધ્યક્ષ તરીકેના કાર્યકાળ દરમિયાન પાર્ટીની અંદર “સાહેબ” કલ્ચરનો પ્રભાવ વધ્યો હતો જે ભાજપના મૂળભૂત સિદ્ધાંતો અને કાર્યકર્તાઓની આત્મીયતાની ભાવનાથી વિપરીત હતો. આ કલ્ચરે કાર્યકર્તાઓ અને નેતાઓ વચ્ચે અંતર ઊભું કર્યું જેનાથી પક્ષની પરંપરાગત સરળતા અને સૌજન્યને ઠેસ પહોંચી. હવે નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ અને નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત ભાજપ ફરીથી પોતાના મૂળ સંસ્કારો તરફ આગળ વધી રહ્યું છે જે કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ અને આશા જગાવે છે.
15.jpg)
ભાજપનું સંગઠન હંમેશાં એક પરિવારની જેમ કાર્ય કરતું આવ્યું છે જ્યાં કાર્યકર્તાઓ અને નેતાઓ વચ્ચે આદર અને આત્મીયતાનો સેતુ હોય છે. આ પરંપરામાં “સાહેબ” જેવા શબ્દોનો ઉપયોગ ઔપચારિકતા અને અંતરનું પ્રતીક બની રહ્યો હતો. સી.આર. પાટીલના કાર્યકાળમાં આ શબ્દનો વ્યાપ વધ્યો જેનાથી કાર્યકર્તાઓમાં એક અજાણ્યો સંકોચ ઊભો થયો. સીઆર. પાટિલે ક્યારેય એવું નથી કહ્યું કે મને સાહેબ કહેવું નહીં કે મને ચંદ્રકાંતભાઈ કહેવું! આડકતરી રીતે જોઈએ તો ચોક્કસ એમને "પાટીલ સાહેબ" સંબોધન ગમતું હશે એવું માની શકાય.
આજે જગદીશ પંચાલના નેતૃત્વમાં ગુજરાત ભાજપ સંગઠન નવી દિશામાં આગળ વધી રહ્યું છે. જગદીશ પંચાલની સરળ અને મિલનસાર વ્યક્તિત્વની શૈલીએ કાર્યકર્તાઓમાં પ્રેમ અને વિશ્વાસનો સંચાર કર્યો છે. કાર્યકર્તાઓને “જગદીશભાઈ” તરીકે સંબોધે છે જેમાં કોઈ ઔપચારિકતા કે ભયનો અભાવ છે. આવી જ રીતે,લ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દિવાળીના સ્નેહમિલનમાં “હર્ષ” નામથી બોલાવવાનો આગ્રહ કરીને એક નવો દાખલો બેસાડ્યો છે. તેમની આ વિનયી અને સરળ અભિગમથી કાર્યકર્તાઓમાં નિકટતાની ભાવના જાગી છે જે ભાજપના પરિવારભાવને વધુ મજબૂત કરે છે.

આ નવીનતા ગુજરાત ભાજપને ફરીથી સંઘપરિવારના સંસ્કારોના આધારે આગળ લઈ જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જગદીશ પંચાલ અને હર્ષ સંઘવીની ત્રિપુટીએ પક્ષના કાર્યકર્તાઓમાં નવો જોશ ભર્યો છે. આ નેતાઓની વાણી અને વર્તનમાંથી સ્પષ્ટ થાય છે કે “સાહેબ” કલ્ચરનો અંત આવી રહ્યો છે અને ભાજપની આત્મીયતા, સમરસતા અને સમન્વયની પરંપરા ફરી સ્થાપિત થઈ રહી છે. આ નવી શરૂઆત ગુજરાત ભાજપના દરેક કાર્યકર્તાને ઉત્સાહિત કરશે અને પક્ષને વધુ કેટલો વધુ મજબૂત બનાવશે એતો આવનાર સમયમાજ જાણી સમજી શકાશે.

