- Politics
- જે લોકો ફક્ત વર્તમાનનું વિચારે છે તેઓ ભવિષ્યની પેઢીઓ સાથે અન્યાય કરે છે: PM મોદી
જે લોકો ફક્ત વર્તમાનનું વિચારે છે તેઓ ભવિષ્યની પેઢીઓ સાથે અન્યાય કરે છે: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં રામ મંદિરના શિખર પર ધર્મધ્વજ ફરકાવી દીધો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે RSSના પ્રમુખ મોહન ભાગવત પણ હાજર હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસર પર ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું કે, ‘આજે, અયોધ્યા શહેર ભારતની સાંસ્કૃતિક ચેતનાના વધુ એક ક્ષણનું સાક્ષી બની રહ્યું છે. આજે આખું ભારત, આખું વિશ્વ રામમય છે. આજે, રામ ભક્તોના હૃદયમાં અસિમ આનંદ છે. સદીઓ જૂના ઘા ભરાઈ રહ્યા છે. સદીઓ જૂના સંકલ્પ આજે સિદ્ધ થઈ રહ્યા છે. આજે એ યજ્ઞની પૂર્ણાહુતિ છે, જેની આગ 500 વર્ષ સુધી પ્રજ્જ્વળિત રહી.
તેમણે કહ્યું કે, આજે, ભગવાન શ્રી રામના ગર્ભગૃહની અનંત ઉર્જા પ્રતિષ્ઠાપિત થઈ. આ ધર્મધ્વજ ઇતિહાસના સુંદર જાગરણનો રંગ છે. તેનો ભગવો રંગ, સૂર્યવંશનો વારસો, રામરાજ્યનો મહિમા તેના પર કોતરાયેલો છે. આ ધ્વજ એક સંકલ્પથી સિદ્ધિની ભાષા છે, તે સદીઓ જૂના સંઘર્ષની સિદ્ધિ છે, સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ છે અને રામના આદર્શોનો ઉદ્ઘોષ છે. સંતોની સાધના અને સમાજની ભાગીદારીની ગાથા છે. આ ધર્મધ્વજ પ્રભુ શ્રી રામના આદર્શોનો ઉદ્ઘોષ કરશે. આ ધર્મધ્વજ ‘સત્યમેવ જયતે’નો ઉદ્ઘોષ કરશે. ‘પ્રાણ જાય પણ વચન ન જાય’ની પ્રેરણા.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આપણે એક એવો સમાજ બનાવીએ જ્યાં ગરીબી ન હોય, કોઈ દુઃખી કે લાચાર ન હોય. જે લોકો કોઈ કારણોસર મંદિરમાં આવી શકતા નથી અને દૂરથી મંદિરના ધ્વજને પ્રણામ કરી લે છે, તેમને પણ આ જ પુણ્ય પ્રાપ્ત થાય છે. આ ધર્મ ધ્વજ પણ મંદિરના ઉદ્દેશ્યનું પ્રતિક છે. આ ધ્વજ દૂરથી જ રામ લલ્લાના જન્મસ્થળના દર્શન કરાવશે. યુગો યુગો સુધી શ્રી રામના આદેશો અને પ્રેરણાઓ સમગ્ર માનવમાત્ર સુધી પહોંચાડશે. હું આ અનોખા પ્રસંગે વિશ્વભરના કરોડો રામ ભક્તોને શુભેચ્છા પાઠવું છું.
તેમણે કહ્યું કે, રામ મંદિરના નિર્માણમાં યોગદાન આપનાર દરેક દાનવીરનો આભાર. દરેક શ્રમિક, આયોજનકાર અને વાસ્તુકારને અભિનંદન. જ્યારે શ્રી રામ અયોધ્યાથી વનવાસ ગયા ત્યારે તેઓ રાજકુમાર રામ હતા; જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે તેઓ મર્યાદા પુરુષોત્તમ બનીને પાછા ફર્યા. વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે સમાજની આ જ સામૂહિક શક્તિની જરૂર છે. રામ મંદિરનું દિવ્ય પ્રાંગણ ભારતની સામૂહિક શક્તિની ચેતનાનું સ્થળ બની રહ્યું છે. અહીં, સપ્તસ્થલી બન્યા છે- નિષાદ રાજ અને માતા શબરીનું મંદિર છે. અહીં, એક જગ્યાએ મહર્ષિ વશિષ્ઠ, માતા અહલ્યા, મહર્ષિ અગસ્ત્ય, સંત તુલસીદાસ, મહર્ષિ વિશ્વામિત્ર છે. અહી જટાયુ જી અને ખિસકોલીની પ્રતિમાઓ પણ છે, જે મોટા સંકલ્પો માટે નાનામાં નાના પ્રયાસોનું પણ મહત્ત્વ દર્શાવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘જ્યારે પણ તમે રામ મંદિર આવો તો સપ્ત મંદિરના દર્શન પણ અવશ્ય લો. મિત્રતા, કર્તવ્ય અને સામાજિક સદ્ભવના મૂલ્યોને શક્તિ આપે છે. આપણા રામ ભાવના સાથે જોડાય છે. તેમના માટે વ્યક્તિની ભક્તિ મહત્ત્વપૂર્ણ છે, તેમને વંશ નહીં. મૂલ્યો પ્રિય છે, શક્તિ નહીં. આપણે પણ એ જ ભાવના સાથે આગળ વધી રહ્યા છીએ- મહિલાઓ, દલિતો, યુવાનો, વંચિત. દરેક વર્ગને વિકાસના કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. જ્યારે દેશના દરેક વ્યક્તિ, દરેક વર્ગ, દરેક ક્ષેત્ર સશક્ત બનશે, ત્યારે સંકલ્પની સિદ્ધિમાં બધાનો પ્રયાસ લાગશે.
તેમને વધુમાં કહ્યું કે, ‘આપણા બધાના પ્રયાસોથી જ 2047 સુધીમાં, જ્યારે દેશ સ્વતંત્રતાના 100 વર્ષની ઉજવણી કરશે ત્યારે એક વિકસિત ભારતનું નિર્માણ કરવાનું છે. રામ સાથે રાષ્ટ્રના સંકલ્પની ચર્ચા કરી હતી. આપણે 1,000 વર્ષ માટે ભારતનો પાયો મજબૂત બનાવવો જોઈએ. જે લોકો ફક્ત વર્તમાનનું વિચારે છે તેઓ ભવિષ્યની પેઢીઓ સાથે અન્યાય કરે છે. આ દેશ ત્યારે પણ અસ્તિત્વમાં હતો. જ્યારે આપણે જ્યારે આપણે નહીં રહીએ ત્યારે પણ આ દેશ રહેશે. તેના માટે આપણે રામ પાસેથી પણ શીખવું જોઈએ. આપણે તેમના વર્તનને આત્મસાત કરવું જોઈએ. જો આપણે સમાજને સશક્ત બનાવવા માગતા હોઈએ, તો આપણે આપણી અંદર રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડશે. 25 નવેમ્બરનો આ ઐતિહાસિક દિવસ આપણા વારસામાં ગૌરવની એક અદ્ભુત ક્ષણ લાવ્યો છે. તેનું કારણ છે આ ધર્મ ધ્વજ પર અંકિત કોવિદાર વૃક્ષ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘આજે, જ્યારે રામ મંદિરના પ્રાંગણમાં કોવિદાર વૃક્ષ ફરીથી સ્થાપિત થઈ રહ્યું છે, ત્યારે તે ફક્ત એક વૃક્ષનું પુનરાગમન નથી. તે આપણી ઓળખનું પુનર્જાગરણ છે. જો દેશને પ્રગતિ કરવી હોય, તો આપણે આપણા વારસા પર ગર્વ કરવો જોઈએ. આપણા વારસા પર ગર્વની સાથે સાથે ગુલામીની માનસિકતામાંથી મુક્તિ પણ જરૂરી છે. 190 વર્ષ અગાઉ 1835માં, મેકોલે નામના એક અંગ્રેજે ભારતને તેના મૂળમાંથી ઉખેડી નાખવાના બીજ વાવ્યા હતા. મેકોલેએ ભારતમાં માનસિક ગુલામીનો પાયો નાખ્યો હતો.
2035માં, આ ઘટનાને 200 વર્ષ પૂર્ણ થશે. આગામી 10 વર્ષમાં આપણે ભારતને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કરવાનું. સૌથી મોટી કમનસીબી એ છે કે મેકોલેના વિચારનો પ્રભાવ વ્યાપક થયો. સ્વતંત્રતા મળી, પરંતુ હીન ભાવનાથી મુક્તિ ન મળી.. એક વિકૃતિ આવી ગઈ કે વિદેશી વસ્તુઓ સારી છે, જ્યારે આપણી વસ્તુઓ ખામીયુક્ત છે. આ ગુલામીની માનસિકતા છે. એવું કહેવામાં આવ્યું કે આપણું બંધારણ પણ વિદેશી દેશોથી પ્રેરિત છે, જ્યારે સત્ય એ છે કે ભારત લોકશાહીની જનની છે.
પ્રધાનમંત્રી મોદીએ અંતે કહ્યું કે, ‘આપણે આગામી 10 વર્ષમાં માનસિક ગુલામીમાંથી મુક્તિ મેળવવાની. ત્યારે જ આપણો આત્મવિશ્વાસ એટલો મજબૂત બનશે કે 2047 સુધીમાં વિકસિત ભારતનું સપનું સાકાર થશે. આપણને કોઈ રોકી નહીં શકે. જો આપણે 10 વર્ષમાં મેકોલેના વિચારનો ધ્વસ્ત કરીશું તો જ ભારતનો પાયો આગામી 1000 વર્ષ સુધી મજબૂત રહેશે. વિકસિત ભારતને એવા રથની જરૂર છે જેના પૈંડા શૌર્ય અને ધૈર્ય હોય, જેનો ધ્વજ સત્ય અને સર્વોચ્ચ આચરણ હોય, જેના ઘોડા બાલ, વિવેક, સંયમ અને પરોપકાર હોય, જેની લગામ ક્ષમા, કરુણા અને સમભાવ હોય. આ ક્ષણ ખભે ખભા મિલાવવાની, ગતિ વધારવાની છે. આપણે એવું ભારત બનાવવાનું છે, જે રામ રાજ્યથી પ્રેરિત હોય. આ ત્યારે જ શક્ય બનશે જ્યારે રાષ્ટ્રીય હિત સર્વોપરી હશે.’

