- Politics
- ગુજરાતમાં 'આપ'ના વધતા જનસમર્થનથી ભાજપ ફફડી ઉઠ્યું છે, અમારા કાર્યકરોની ધરપકડ કરાવાય છે: કેજરીવાલ
ગુજરાતમાં 'આપ'ના વધતા જનસમર્થનથી ભાજપ ફફડી ઉઠ્યું છે, અમારા કાર્યકરોની ધરપકડ કરાવાય છે: કેજરીવાલ
ગુજરાતના દાહોદમાં આયોજિત 'વિજય વિશ્વાસ સભા' માં આમ આદમી પાર્ટી (AAP) ના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં 'આપ'ને મળી રહેલા જંગી સમર્થનથી ભાજપ ગભરાઈ ગયું છે અને ગભરાટમાં આવીને રોજ અમારા કાર્યકરોની ધરપકડ કરાવી રહ્યું છે.
કેજરીવાલે ભાજપ સરકારને ઘેરતા જણાવ્યું હતું કે, 30 વર્ષ સુધી સત્તામાં રહ્યા હોવા છતાં ભાજપે જનતાને સારી શાળાઓ કે હોસ્પિટલો આપી નથી. તેમની દાનત જ ખરાબ છે, એટલે જ ખેડૂતોને ખેતી માટે પાણી કે વીજળી મળી નથી. હવે જ્યારે લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે, ત્યારે ભાજપ ડરીને દમનકારી નીતિઓ અપનાવી રહ્યું છે.

કેજરીવાલે કહ્યું હતું કે ગુજરાતમાં સરકાર બનશે તો વીજળી મફત આપવામાં આવશે. મહિલાઓને દર મહિને 1,000 રૂપિયાની આર્થિક સહાય અપાશે.
રેલીમાં કેજરીવાલે આદિવાસી વિસ્તારોના વિકાસ માટે આવતા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આદિવાસીઓના કલ્યાણના નાણાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ મળીને ખાઈ જાય છે. મનરેગા કૌભાંડનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું કે, જ્યારે અમારા ધારાસભ્યએ મજૂરોના હક માટે અવાજ ઉઠાવ્યો, ત્યારે તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ સભાને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ એક જ સિક્કાની બે બાજુ છે. તેમણે જનતાને ચેતવણી આપતા કહ્યું કે કોંગ્રેસને વોટ આપવો એટલે ભાજપને ફાયદો કરાવવો, કારણ કે ચૂંટણી પછી તેમના ધારાસભ્યો પાલો બદલી લે છે. માને પંજાબનું ઉદાહરણ આપતા કહ્યું કે ત્યાં હવે ખેડૂતોને મફત વીજળી અને નહેરનું પાણી મળી રહ્યું છે, તેવી જ સુખ-સુવિધાઓ ગુજરાતમાં પણ લાવવામાં આવશે.

