- Ramzan 2018
- રમઝાનઃ ખજુર-કસ્ટર્ડની ખરીદી પુરબહારમાં, બજારમાં દેખાઈ કાપડની ગ્રાહકી
રમઝાનઃ ખજુર-કસ્ટર્ડની ખરીદી પુરબહારમાં, બજારમાં દેખાઈ કાપડની ગ્રાહકી
વિશ્વના દરેક ધર્મમાં ઉપવાસનું કંઇકને કંઇક તો મહત્વ રહેલું જ છે. હિન્દુ ધર્મમાં ચાર્તુમાસ, ચૈત્ર નવરાત્રિ અને શ્રાવણ, ખ્રિસ્તી ધર્મમાં ઇસ્ટર પૂર્વે ચાળીસ દિવસના કરવામાં આવતા ઉપવાસ તો ઇસ્લામમાં રમઝાનના રોજાનું મહત્વ. આમ દરેક ધર્મમાં ઉપવાસના આદેશ પાછળનો મુખ્ય હેતું આત્મસંયમ અને સમાજકલ્યાણની વિભાવનાને જીવંત કરવાનો છે. શુક્રવારથી ઇસ્લામિક કેલેન્ડરના નવમાં માસ પવિત્ર રમઝાનનો પ્રારંભ થશે.
આમતો રમઝાન આત્મશુધ્ધિનો તેમજ ગરીબો-જરૂરતમંદો પ્રત્યે સહાનુભૂતિ ધરાવવાનો અને પોતાના સર્જનહાર પ્રત્યે વધુને વધુ શરણાગતિ સ્વીકારવાનો મહિનો છે. હાલના તબકકે રમઝાનને લઇને બજારોમાં ખરીદીનો દોર જારી છે. ગૃહિણીઓ ખજુરથી લઇને સેહરી( રોજો રાખવા માટે મળસ્કે જમવાનો સમય) તેમજ ઇફતારી (રોજો છોડવાનો સમય)ની સામગ્રી ખરીદીનો દોર પુરબહારમાં ખીલી ઉઠયો છે. શહેરભરમાં મુસ્લિમ બાનુંઓ રમઝાનની ખરીદી કરતી જોવા મળી રહી છે.
ઈદને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કાપડ માર્કેટમાં પણ ગ્રાહકી નીકળી છે. આર્થિક મંદીનો સામનો કરી રહેલા કાપડ બજારમાં તેજીનો તોખાર જોવા મળ્યો હતો. ખાસ કરીને રેડીમેડ ગાર્મેન્ટસની ખરીદીમાં વેચાવલી જોવા મળી રહી છે.
ઇફતારી માટે ખજુર જરૂરી
રમઝાનમાં ઇફતારી એટલે કે રોજો છોડવા માટે ખજુર અનિવાર્ય ગણાય છે. જોકે આમ કેટલાંક સંજોગો એવા ઉભા થાય કે જ્યારે ખજુર નહી મળે તો પાણીથી પણ રોજો છોડી શકાય છે. ધીરજસન્સ, બિગ બજાર, હકીમચીચી, સીપ એસન્સ જેવાં નામાંકિત શોપિંગ મોલની સાથે સાથે સુરતના અઠવાલાઇન્સ,ભાગળ,રાણીતળાવ,મુગલીસરા, નાનપુરા,ઝાંપાબજાર સહિતના વિસ્તારોમાં આવેલી દુકાનોમાં રમઝાનની ખરીદી પુરજોર ચાલી રહી છે. જ્યારે અમદાવાદના જમાલપુર, દરિયાપુર, જુહાપુરા સહિત વડોદરા અને રાજકોટમાં ધૂમ ખરીદી નીકળી છે.
યુએઇ અને સઉદીઅરબ બ્રાંડની ખજુરની માંગ વધી
બજારમાં સઉદીઅરબ અને યુએઇ બ્રાંડની ખજુરોની માંગ વધી છે. આ ખજુર 100 રૂપિયાની 500 ગ્રામના ભાવથી લઇને 2000 રૂપિયા સુધીની છે. જેના સ્વાદ અને કલરમાં થોડો ઘણો તફાવત વર્તાય છે.મોટા ભાગની બાનુઓની ખરીદીની પસંદગી યુએઇ,યમન,ઓમાન અને સઉદીબ્રાંડની મોંઘીદાટ ખજુરો પર જ ઢોળાતી જોવા મળી હતી.
ઇરાની ખજુર બજારમાંથી ગાયબ
આમતો, અત્યાર સુધી ભારતીય બજારોમાં સસ્તાભાવની ઇરાની ખજુરનું વર્ચસ્વ રહ્યું હતું. જે લગભગ 30 થી 40 રૂપિયાના ભાવે મળતી હતી. હાલના તબકકે જુજ જગ્યાઓએ જ આ ખજુર જોવા મળી રહી છે.
શરબત, કસ્ટર્ડ અને વિવિધ વસ્તુઓની ખરીદી
મુસ્લિમ બાનુઓએ વિવિધ ફલેવરમાં શરબત,કસ્ટર્ડ,ચાઇના ગ્રાસ, ખાવસા,નુડલ્સ,કેચઅપ, જેલી, મસાલાઓ, ફાલુદા અને ઘરબનાવટની આઇસ્ક્રીમના પેકેટોની પણ ભારે માત્રામાં ખરીદી કરતી જોવા મળી હતી.

