- Sports
- ભારતે દિલ્હીની મેચ જીતી લીધી તો પણ WTC પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા-શ્રીલંકાથી હજુ પાછળ
ભારતે દિલ્હીની મેચ જીતી લીધી તો પણ WTC પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા-શ્રીલંકાથી હજુ પાછળ
ભારતે બે ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટથી હરાવ્યું. મંગળવારે, બીજી ટેસ્ટના પાંચમા દિવસે, ભારતે બીજી ઇનિંગમાં 121 રનનો લક્ષ્યાંક સરળતાથી પ્રાપ્ત કરી લીધો. આ સાથે, તેઓએ શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝને 2-0 થી હરાવ્યું. ભારતે અમદાવાદમાં પહેલી ટેસ્ટ એક ઇનિંગ અને 140 રનથી જીતી હતી. દિલ્હીમાં, બીજી ઇનિંગમાં ફોલોઓન કરવાની ફરજ પડ્યા પછી વેસ્ટ ઈન્ડિઝે રમતમાં સખત લડત આપી હતી, પરંતુ ટીમની હાર ટાળી શકી ન હતી.
ભારતના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. કેપ્ટન તરીકે શુભમન ગિલની આ સાતમી મેચ હતી અને તે પ્રથમવાર ટોસ જીત્યો હતો. ટીમ ઈન્ડિયાએ 5 વિકેટે 518 રન પર પોતાનો પહેલો દાવ ડિકલેર કર્યો. યશસ્વી જયસ્વાલે 175 અને કેપ્ટન શુભમન ગિલે અણનમ 129 રન બનાવ્યા. ત્યારપછી, વેસ્ટ ઈન્ડિઝ પ્રથમ ઇનિંગમાં 248 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ભારતે 270 રનની લીડ મેળવી અને વેસ્ટ ઈન્ડિઝને ફોલોઓન કરવાની ફરજ પાડી.
અહીંથી, મેચ રોમાંચક બની ગઈ. જોન કેમ્પબેલ (115) અને શાઈ હોપ (103)ની સદીઓના કારણે, વેસ્ટ ઈન્ડિઝે બીજા દાવમાં 390 રન બનાવ્યા, જેના કારણે ભારતને ફરીથી બેટિંગ કરવાની ફરજ પડી. તેમને 120 રનની લીડ મળી, જેના કારણે ભારતને મેચ જીતવા માટે 121 રન કરવાના આવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ KL રાહુલના અણનમ 58 રનની મદદથી આ લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત કરી લીધું. સાઈ સુદર્શને પણ 39 રન બનાવ્યા.
આ જીતની અસર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) પોઈન્ટ ટેબલ પર પણ પડી હતી. પહેલી મેચ જીત્યા પછી, બે વખતની ફાઇનલિસ્ટ ટીમ ઈન્ડિયા છ મેચ પછી 55.56ના PCT (પોઈન્ટ ટકાવારી) સાથે નવ ટીમોના ટેબલમાં ત્રીજા સ્થાને હતી. આ મેચ પછી ભારતનું રેન્કિંગ સ્થાન એમ જ ત્રીજા સ્થાને રહ્યું. જોકે, તેમના પોઈન્ટ અને PCT સ્કોરમાં વધારો થયો. ટીમ ઈન્ડિયાનો PCT હવે 61.90 પર છે. હવે તેમના ખાતામાં 52 પોઈન્ટ થઇ ગયા છે.
ઓસ્ટ્રેલિયા પાસે હાલમાં 100 PCT છે અને 21 નવેમ્બર, 2025ના રોજ પર્થમાં એશિઝ શ્રેણી શરૂ થાય ત્યાં સુધી તે પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેશે. શ્રીલંકા 66.67 PCT સાથે બીજા સ્થાને છે. ઈંગ્લેન્ડ (43.33 PCT) ચોથા સ્થાને છે, અને બાંગ્લાદેશ (16.67 PCT) પાંચમા સ્થાને છે. વેસ્ટ ઈન્ડિઝ છઠ્ઠા સ્થાને છે. ન્યુઝીલેન્ડ આ ચક્રમાં એક પણ મેચ રમ્યું નથી. પ્રથમ ટેસ્ટ દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહી છે. ત્યારપછી પોઈન્ટ ટેબલમાં પાછો ફેરફાર જોવા મળશે.

