- Sports
- એક ઓવર પછી હાર્દિક ગાયબ, ફાઇનલ અગાઉ પંડ્યાને શું થયું? ટેન્શનમાં ભારતીય ટીમ
એક ઓવર પછી હાર્દિક ગાયબ, ફાઇનલ અગાઉ પંડ્યાને શું થયું? ટેન્શનમાં ભારતીય ટીમ
ગઈકાલે રાત્રે જ્યારે ભારતીય ટીમ એશિયા કપમાં શ્રીલંકન ટીમ સામે હારનું જોખમ મંડરાઈ રહ્યું હતું, ત્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવ રણનીતિ બનાવી રહ્યો હતો અને બધા ખેલાડીઓ મેદાન પર ટેન્શનમાં હતા, પરંતુ હાર્દિક પંડ્યા મેદાનમાંથી ગાયબ હતો. બધાને આશ્ચર્ય થયું કે પહેલી ઓવર ફેંક્યા બાદ હાર્દિક ક્યાં ગયો હતો. જેવી જ ખબર પડી કે તે ડ્રેસિંગ રૂમમાં છે તો બધા ગભરાઈ ગયા. ફેન્સ સમજી ચૂક્યા હતા કે જો હાર્દિક જેવો ફાઇટર આટલી રોમાન્ચક અને શ્વાસ થંભાવી દેનારી મેચ દરમિયાન મેદાન પર નથી તો જરૂર કંઈક ગરબડ છે અને જેનો ડર હતો એજ થયું.
સુપર ઓવરમાં મેચ જીત્યા બાદ ભારતીય કેપ્ટન સૂર્યકુમારે હાર્દિકનું નામ લીધા વિના કહ્યું કે, ‘આજે રાત્રે સારી રીતે રિકવર થશે. આપણે હમણાં ફાઇનલ અંગે વિચારવું ન જોઈએ. કેટલાક ખેલાડીઓને આજે વધુ ખેંચનો સામનો કરવો પડ્યો હતો. કાલે સારો રિકવરીનો દિવસ છે અને અમે આજે જેવું પ્રદર્શન કરીશું, એવું જ પ્રદર્શન કરીશું.’ થોડા જ સમય બાદ બોલિંગ કોચ મોર્ને મોર્કેલ આવી ગયા, સૂર્યાના નિવેદનની પુષ્ટિ કરી, અને સ્પષ્ટ કર્યું કે હાર્દિક પંડ્યા ફાઇનલ અગાઉ ઇજાગ્રસ્ત છે.
ભારતીય બોલિંગ કોચ મોર્ને મોર્કેલે પુષ્ટિ કરી હતી કે હાર્દિક પંડ્યા અને અભિષેક શર્મા બંનેને ખેંચની પરેશાની હતી. અભિષેક ઠીક છે, પરંતુ હાર્દિકની સ્થિતિ પર અમે આજે રાત્રે અને કાલે સવારે પણ ચેક કરીશું અને પછી કોઈ નિર્ણય લઈશું.’ મોર્કેલે એ પણ ખુલાસો કર્યો કે પાકિસ્તાન સામે એશિયા કપ 2025 ફાઇનલના એક દિવસ અગાઉ શનિવારે ભારત કોઈ ટ્રેનિંગ સેશન નહીં રાખે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું કે મેનેજમેન્ટ ઇચ્છે છે કે દરેક ખેલાડી સારો આરામ કરે. આરામ એ ખેલાડીઓ માટે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે. મેચ બાદ તરત જ તેમની રિકવરી શરૂ થઈ ગઈ. રિકવરીનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે ઊંઘ લો અને આરામ કરો. આશા છે કે, તેમને સારી રાતની ઊંઘ આવશે.
હાર્દિકનો પાકિસ્તાન સામે શાનદાર રેકોર્ડ છે. પાકિસ્તાન સામે 12 આંતરરાષ્ટ્રીય મેચોમાં હાર્દિકે 17 મેચોમાં 12 ઇનિંગ્સમાં 35ની સરેરાશથી 315 રન બનાવ્યા છે, જ્યારે 25 વિકેટ પણ લીધી છે. હાર્દિક પંડ્યાએ વર્તમાન એશિયા કપમાં કોઈ મોટી ઇનિંગ રમી નથી. ગઈકાલે રાત્રે તે 3 બોલમાં માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. તેણે તેની પહેલી ઓવરમાં 7 રન આપ્યા હતા, જેમાં 3 ડોટ બોલનો પણ સમાવેશ થાય છે. ફાઇનલ અગાઉ હાર્દિકની ઇજા ભારત માટે ચિંતાનું કારણ છે. ભારતીય ટીમ ફાઇનલ અગાઉ પોતાના સૌથી મોટા મેચ વિજેતાને ગુમાવવા નહીં માગે.

