- Sports
- 13,600 કરોડમાં વેચાઈ ગઈ રાજસ્થાન રૉયલ્સ, અમેરિકન ઉદ્યોગપતિએ ખરીદી ટીમ
13,600 કરોડમાં વેચાઈ ગઈ રાજસ્થાન રૉયલ્સ, અમેરિકન ઉદ્યોગપતિએ ખરીદી ટીમ
IPLની 19મી સીઝન શરૂ થવામાં આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી છે. પરંતુ, તે અગાઉ એક મોટા સમાચાર સામે આવ્યા છે. IPL ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સ (RR)ના માલિકી હકો માટેની સ્પર્ધા આખરે સમાપ્ત થઈ ગઈ છે. અમેરિકન ઉદ્યોગપતિ કાલ સોમાનીએ હવે રાજસ્થાન રૉયલ્સને ખરીદી લીધી છે.
અહેવાલો અનુસાર, કાલ સોમાનીએ આ IPL ફ્રેન્ચાઇઝીને 100% હિસ્સેદારી સાથે 1.63 બિલિયન ડોલર (આશરે ₹13,600 કરોડ)ની ભારેભરકમ રકમમાં ખરીદી લીધી છે. આ ડીલ સાથે, રાજસ્થાન રૉયલ્સ વિશ્વની સૌથી મોંઘી ફ્રેન્ચાઇઝી બની ગઈ છે.

તમને જણાવી દઈએ કે કાલ સોમાની IntraEdge, Academian અને Truyo.AIના સંસ્થાપક છે. આ કન્સોર્ટિયમને અમેરિકન ઉદ્યોગપતિ રોબ વોલ્ટનનો પણ સપોર્ટ છે, જે વૉલમાર્ટ પરિવાર સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત, હેમ્પ ફેમિલી પણ સામેલ છે, જે ડેટ્રોઇટ લાયન્સ ટીમના માલિક છે. અહેવાલો અનુસાર, આ નવા માલિકીની અસર 2026ની IPL સીઝન બાદ જોવા મળશે.
IPLમાં રાજસ્થાનની સફર કેવી રહી છે?
IPLમાં રાજસ્થાન રોયલ્સની સફરની વાત કરીએ તો, ફ્રેન્ચાઇઝીએ શેન વૉર્નની કેપ્ટનશીપ હેઠળ લીગની શરૂઆતની સીઝન એટલે કે વર્ષ 2008માં જ તેનું પહેલું ટાઇટલ જીત્યું હતું. જોકે, ત્યારબાદ ટીમને સતત સંઘર્ષનો સામનો કરવો પડ્યો. 2022માં, ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી, પરંતુ, ગુજરાત ટાઈટન્સે ટ્રોફી પોતાના નામે કરી હતી.
https://twitter.com/bhogleharsha/status/2036381867268817259?s=20
જોકે, માલિકીમાં ફેરફાર IPL 2026 સીઝન બાદ જ અમલમાં આવશે. હાલમાં, રાજસ્થાન રોયલ્સનું સંપૂર્ણ ધ્યાન તેની તૈયારીઓ પર છે. ટીમ 30 માર્ચે ગુવાહાટીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સીઝનની પહેલી મેચ રમશે. નવો કેપ્ટન રિયાન પરાગ અને હેડ કોચ કુમાર સંગાકારાના નેતૃત્વ હેઠળ, ટીમનું સંપૂર્ણ ધ્યાન મેદાન પર તેના પ્રદર્શન પર છે.

આ દરમિયાન, રાજસ્થાન રૉયલ્સે 2026ની IPL સીઝન અગાઉ મોટા ફેરફાર કર્યા છે. ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર સેમ કરન ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને, શ્રીલંકાના ઓલરાઉન્ડર અને T20 કેપ્ટન દાસુન શનાકાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શનાકાને 2 કરોડની રકમમાં રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે જોડવામાં આવ્યો છે. ફ્રેન્ચાઇઝીના ક્રિકેટ ડિરેક્ટર અને હેડ કોચ કુમાર સંગાકારાએ જણાવ્યું હતું કે સેમ કરન જેવા ખેલાડીનું બહાર થવું ટીમ માટે મોટો ઝટકો છે, પરંતુ શનાકા ટીમનું સંતુલન જાળવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

