- Sports
- કોણ છે ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવનાર ખલીલ અહેમદ?
કોણ છે ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવનાર ખલીલ અહેમદ?
એશિયા કપ માટે સિલેક્ટરોએ ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર કર્યા છે. કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપીને રોહિત શર્માને ટીમનું નેતૃત્વ સોંપ્યું છે. ટીમમાં રાજસ્થાનનો ફાસ્ટ બોલર ખલીલ અહેમદ એકમાત્ર નવો ચહેરો છે. ખલીલ અહેમદ ક્રિકેટર રાહુલ દ્રવિડનો શિષ્ય છે અને તેણે જ ખલીલની પ્રતિભાને નિખારી છે.
ડાબા હાથનો આ ફાસ્ટ બોલર ભારત માટે અન્ડર-19 ક્રિકેટમાં રમી ચૂક્યો છે. તેણે નવા બોલ વડે ભારતને સારી શરૂઆત અપાવી છે. 2016 અન્ડર-19 વર્લ્ડ કપમાં રમવા પહેલાં ત્રણ દેશોના અન્ડર-19 ટુર્નામેન્ટમાં તેણે ત્રણ મેચમાં 12 વિકેટ લીધી હતી. તેમાં ફાઇનલમાં શ્રીલંકા વિરુદ્ધ કોલંબોમાં 29 રન આપીને લીધેલી 3 વિકેટ પણ શામેલ છે. જોકે તે પોતાના આ ફોર્મને વર્લ્ડ કપમાં ચાલુ રાખવામાં સમર્થ ન રહ્યો પરંતુ તે ટીમ સાથે લગાતાર જોડાયેલો રહ્યો.

ખલીલ રાજસ્થાનના ટોંક જિલ્લાનો છે. તેને નાનપણથી જ ક્રિકેટનો શોખ હતો. તેણે રાજસ્થાન અન્ડર-16 અને અન્ડર-19નું પ્રતિનિધિત્વ કર્યું છે. તેના પિતા કમ્પાઉન્ડરની નોકરી કરે છે તેમને પોતાના પુત્રનું ક્રિકેટ રમવું પસંદ ન હતું. તેઓ ઇચ્છતા હતા કે તેમનો પુત્ર ભણીગણીને ડૉક્ટર બને. ખલીલના કોચ ઈમ્તિયાઝે તેમને મનાવવા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ખલીલની બોલિંગને દ્રવિડે કરી ધારદાર

ખલીલની પ્રતિભાને નિખારવામાં રાહુલ દ્રવિડનો મોટો હાથ છે. તેણે ઇન્ડિયા A અને અન્ડર-19 ટીમમાં દ્રવિડની દેખરેખમાં પોતાની પ્રતિભાને વધુ યોગ્ય બનાવી. ખલીલ જ્યારે 2016મા દિલ્હી ડેરડેવિલ્સ સાથે જોડાયો ત્યારે દ્રવિડ આ ટીમનો મેન્ટર હતો. ખલીલને 2016માં દિલ્હી ડેરડેવિલ્સે 10 લાખમાં ખરીદ્યો હતો. આમ તેનો અને રાહુલ દ્રવિડનો સાથ ખૂબ લાંબો થઈ ગયો. રાહુલ દ્રવિડ અન્ડર-19 અને દિલ્હી ડેરડેવિલ્સ બંને ટીમમાં કોચ હતો. 2018માં સનરાઈઝર્સ હૈદરાબાદે 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝ વાળા આ પ્લેયરને 3 કરોડ 20 લાખમાં ખરીદ્યો હતો.

