- National
- ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની
મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર આરોપો બાદ પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો અને ગેરકાયદેસર વ્યાજખોરો (વ્યાજે આપતા લોકો) સામે કેસ દાખલ કર્યો છે. આ મામલો ચંદ્રપુર જિલ્લાના નાગભિડ તાલુકાના મિંથુર ગામનો છે. પીડિતનું નામ રોશન સદાશિવ કુડે છે.
રોશન કુડેએ આરોપ લગાવ્યો કે ગેરકાયદેસર વ્યાજખોરો પાસેથી લીધેલા પૈસા ચૂકવવા માટે તેણે પોતાની કિડની વેચવી પડી. પોલીસે સાંજે 7:00 વાગ્યે 6 વ્યાજખોરો સામે ખંડણી અધિનિયમની કલમ 29, 30, 31 અને એક્સ્ટોર્શનની કલમો હેઠળ કેસ નોંધ્યો. આરોપીઓમાં કિશોર બાવનકુલે, મનીષ ઘાટબંધે, લક્ષ્મણ ઉરકુડે, પ્રદીપ બાવનકુલે, સંજય બલ્લારપુરે અને સત્યવાન બોરકરનો સમાવેશ થાય છે. કેસ બ્રહ્મપુરી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ખેડૂતે 2021માં સારવાર અને વ્યવસાયિક હેતુ માટે વ્યાજ પર પૈસા ઉધાર લીધા હતા. સમયસર પૈસા ચૂકવી ન શકવાને કારણે તેના પર ભારે વ્યાજ અને દૈનિક દંડ લગાવવામાં આવ્યો હતો. એક લાખ રૂપિયાનું દેવું વધીને 74 લાખ સુધી પહોંચી ગયું. પૈસા ચૂકવવા માટે ખેડૂતે 2 એકર જમીન, એક ટ્રેક્ટર, એક વાહન, ઘરનો સામાન અને સોનું પણ વેચી દીધું, પરંતુ દેવું ન ચૂકવી શકાયું.
ખેડૂતનો આરોપ છે કે વ્યાજખોરોના દબાણમાં આવીને તેને કિડની વેચવાની સલાહ આપવામાં આવી. એક એજન્ટ પહેલા તેને કોલકાતા લઈ ગયો, જ્યાં મેડિકલ તપાસ થઈ. ત્યારબાદ કંબોડિયામાં તેને સર્જરી કરીને કિડની કાઢવામાં આવી. ખેડૂતનું કહેવું છે કે તેણે તેની કિડની 8 લાખ રૂપિયામાં વેચી દીધી.
ચંદ્રપુરના પોલીસ અધિક્ષક સુદર્શન મુમક્કાએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર વ્યાજખોરીને લઈને નક્કર પુરાવા મળ્યા બાદ કેસ દાખલ કરવામાં આવ્યો છે. બેન્ક ટ્રાન્ઝેક્શનમાં આરોપીઓના ખાતામાં સતત પૈસા ટ્રાન્સફર થવાના પુરાવા મળ્યા છે. કિડની વેચવા સાથે જોડાયેલા આરોપોની અલગ તપાસ ચાલી રહી છે. મેડિકલ રિપોર્ટ અને અન્ય તથ્યોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ મામલો વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. દેવાના બોજમાં ફસાયેલા ખેડૂતની આ કહાની માનવતાને હચમચાવી નાખનારી છે અને ગેરકાયદેસર વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

