- Gujarat
- ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના સંગ્રહ, વેચાણ, વિતરણ અને હેરાફેરી પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ગૃહ વિભાગના આ આદેશથી હવે પાન પાર્લર અને ચાની કિટલીઓ પર મળતી આ વસ્તુઓ ગેરકાયદેસર ગણાશે.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા(BNSS)ની કલમ 163(2) અને 163(3) હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને, રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના સંગ્રહ, વેચાણ, વિતરણ અને હેરાફેરી પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દીધો છે.
આ જાહેરનામામાં સ્પષ્ટ જણાવાયું છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, જાહેરાતો, સામાજિક સંગઠનો તેમજ અલગ-અલગ જન સમુદાયના માધ્યમથી મળેલી વિગતો મુજબ, રાજયમાં સગીર/યુવાઓ દ્વારા અલગ અલગ પ્રકારના નશાઓ જેવા કે ચરસ ગાંજાનું સેવન કરવા માટે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. તે પદાર્થની અંદર ટાઇટેનિયમ ઓક્સાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, આર્ટિફિશિયલ ડાય, કેલ્શિયમ કાર્બોનેટ તથા ક્લોરીન બ્લીચ જેવા ઝેરી પદાર્થો હોય છે, જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. આવા રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોણ, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ પર પાન પાર્લર, પરચુરણ કરિયાણાની દુકાનો તથા ચાની દુકાનો વગેરે ઉપર સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યા છે. જેના પરિણામે યુવા વર્ગમાં નશો કરવાની વૃત્તિમાં વધારો થયો છે. આથી રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ ગુજરાત રાજ્યમાં આવેલ પાન પાર્લર, ચાની દુકાનો, છૂટક કરિયાણાની દુકાનો વગેરેમાં વેચાણ ન થાય તે બાબત નાગરિકોના હિતમાં આવશ્યક જણાય છે.
હવે રાજ્યના તમામ પાન પાર્લર, ચાની દુકાનો અને છૂટક કરિયાણાની દુકાનોમાં આ પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરવાનું રહેશે. આ આદેશનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, 2023(BNS)ની કલમ 223 મુજબ શિક્ષાને પાત્ર થશે.
ગોગો પેપર શું છે?
ગોગો પેપર એક પ્રકારનું રોલિંગ પેપર અથવા પ્રી-રોલ્ડ કોન છે, જે મુખ્યત્વે તમાકુ અથવા અન્ય પદાર્થોને રોલ કરીને સિગારેટ જેવું બનાવવા માટે વપરાય છે. આ અલ્ટ્રા-થિન પેપર હોય છે, જે હેમ્પ, બ્રાઉન અનબ્લીચ્ડ અથવા વ્હાઇટ વેરાયટીમાં મળે છે અને નેચ્યુરલ અરેબિક ગમ વડે ચોંટાડવામાં આવે છે. આ ગોગો પેપરનો ઉપયોગ મુખ્યત્વે નશીલા પદાર્થો (જેમ કે ગાંજા અથવા અન્ય ડ્રગ્સ)ને રોલ કરીને સેવન કરવા માટે થાય છે, જેના કારણે તે યુવાનોમાં નશાની લતને પ્રોત્સાહન આપે છે તેવું માનવામાં આવે છે. ગુજરાતમાં પાન પાર્લર, ઓનલાઇન પ્લેટફોર્મ અને દુકાનોમાં તેનું ખુલ્લેઆમ વેચાણ થતું હતું.

