- World
- છોકરીએ સગાઇ તોડી નાખી! પણ 'લગ્નની રકમ'માંથી અમુક રકમ 'ગળે મળવાની ફી' તરીકે રાખી
છોકરીએ સગાઇ તોડી નાખી! પણ 'લગ્નની રકમ'માંથી અમુક રકમ 'ગળે મળવાની ફી' તરીકે રાખી
'લગ્નની રકમ' અથવા સગાઈની ભેટ આપવી એ ચીનમાં એક સામાન્ય પરંપરા છે, જ્યાં વરરાજાના પરિવાર લગ્ન પહેલાં કન્યાના પરિવારને એક ચોક્કસ રકમ ચૂકવે છે. જોકે, આ પ્રથા સાથે જોડાયેલી એક વિચિત્ર ઘટના હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ચીનમાં એક ચોંકાવનારી ઘટના સોશિયલ મીડિયા પર હાલ ચર્ચાનો વિષય બની છે. હેનાન પ્રાંતની એક મહિલાએ તેના મંગેતર સાથે સગાઈ તોડી નાખ્યા પછી, તેને ગળે લગાવવા માટે (Hugging Fee) ફી માંગી. આ વિચિત્ર માંગણીએ લોકોને ચોંકાવી દીધા છે અને હવે આ આખો મામલો સમગ્ર ચીનમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
મીડિયા અહેવાલો અનુસાર, મહિલાને સગાઈ દરમિયાન તેના મંગેતરના પરિવાર તરફથી 200,000 યુઆન (આશરે 28,000 US ડૉલર)ની 'લગ્ન ની ભેટ' મળી હતી, પરંતુ લગ્નના થોડા અઠવાડિયા પહેલા, જ મહિલાએ સંબંધ તોડી નાખ્યો, અને કહ્યું કે તે હવે તેની સાથે લગ્ન કરવા માંગતી નથી.
લગ્ન રદ કર્યા પછી, મહિલાએ કહ્યું કે, તે ભેટમાં મળેલા પૈસામાંથી 170,500 યુઆન (લગભગ 24,000 ડૉલર) પરત કરશે, પરંતુ 30,000 યુઆન પોતાની પાસે રાખશે, જેને તેણે 'ભેટવાની ફી' (Hugging Fee) તરીકે વર્ણવી.
અહેવાલો અનુસાર, જ્યારે ફોટોગ્રાફરે લગ્ન પહેલાના ફોટોશૂટ દરમિયાન દંપતીને ગળે લગાવવાનું કહ્યું ત્યારે તે પુરુષે મહિલાને ગળે લગાવી દીધી, અને તે 'ગળે લગાવવાની ક્ષણ' (Hugging Fee) ફીમાં ફેરવાઈ ગઈ.
તેમના સંબંધો ગયા વર્ષે એક મેચમેકર દ્વારા શરૂ થયા હતા. તેમના લગ્ન નવેમ્બરમાં નક્કી થયા હતા, હોટેલ બુક કરવામાં આવી હતી, અને કાર્ડ પણ છપાઈ ચુક્યા હતા. જો કે, બરાબર લગ્ન પહેલા જ, મહિલાએ સંબંધ તોડી નાખ્યો, અને કહ્યું કે તે હવે તેની સાથે લગ્ન કરવા માંગતી નથી. મેચમેકર વાને બતાવ્યું હતું કે, મહિલા માનતી હતી કે તે પુરુષ ખૂબ જ પ્રામાણિક છે અને તેની આવક ઓછી છે. તેણે કહ્યું કે તે દહેજની રકમ પરત કરશે પરંતુ 30,000 યુઆન 'ભેટવાની ફી' (Hugging Fee) તરીકે રાખશે.
આ ઘટના ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ હતી અને તેને 2.3 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે. મેચમેકર કહે છે, 'મેં 10 વર્ષમાં 1,000 યુગલોના લગ્ન કરાવ્યા છે, પરંતુ મેં ક્યારેય આટલો વિચિત્ર પરિવાર જોયો નથી. આ માંગ નૈતિક રીતે ખોટી છે.'
ચીનમાં, સગાઈ સમયે વરરાજાના પરિવાર દ્વારા કન્યાના પરિવારને 'લગ્નની રકમ' અથવા સગાઈની રકમ ચૂકવવાની સામાન્ય પ્રથા છે. જોકે, લગ્ન તૂટી ગયા પછી સ્ત્રીઓ ઘણીવાર આ પૈસા પાછા આપવાનો ઇનકાર કરે છે. આવા કેસોને નિયંત્રિત કરવા માટે, ચીનની સુપ્રીમ પીપલ્સ કોર્ટે દહેજ પાછું આપવા અંગે ખાસ માર્ગદર્શિકા બહાર પાડી છે.

