- World
- શ્રીલંકામાં બોલ્યા ભૂતપૂર્વ CJI ગવઈ- ‘ભારતમાં સંસદ નહીં, બંધારણ સર્વોચ્ચ છે; બધા તેની મર્યાદાઓથી બંધ...
શ્રીલંકામાં બોલ્યા ભૂતપૂર્વ CJI ગવઈ- ‘ભારતમાં સંસદ નહીં, બંધારણ સર્વોચ્ચ છે; બધા તેની મર્યાદાઓથી બંધાયેલા છે’
ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈએ શનિવારે જણાવ્યું હતું કે બંધારણીય લોકશાહી સત્તાના કોઇ એક કેન્દ્રની આસપાસ સ્થિત નથી, અને ભારતમાં સંસદ નહીં, બંધારણ સર્વોચ્ચ છે. કોલંબો યુનિવર્સિટી દ્વારા આયોજિત 19મા સુજાતા જયવર્ધને સ્મૃતિ વ્યાખ્યાનમાં બોલતા ન્યાયાધીશ ગવઈએ કહ્યું હતું કે સંસદ અને ન્યાયતંત્ર વચ્ચેના અથડામણોને કારણે આવા સંઘર્ષોના સંચાલન માટે બંધારણીય સલામતી ઉપાયો અને સિદ્ધાંતોનો વિકાસ થયો છે.
ભૂતપૂર્વ ન્યાયાધીશે ભારપૂર્વક જણાવ્યું હતું કે સંસદ (વિધાનમંડળ), કારોબારી (સરકાર) કે ન્યાયતંત્ર નહીં; પરંતુ બંધારણ સર્વોચ્ચ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ત્રણેયને બંધારણનો અધિકાર પ્રાપ્ત થાય છે અને ત્રણેય તેનાથી બંધાયેલા છે. તેમણે કહ્યું કે બંધારણીય લોકશાહી સત્તાના કોઇ એક કેન્દ્રની આસપાસ હોતી નથી. તે એવી વ્યવસ્થા નથી, જેમાં કોઈપણ એક સંસ્થા અસીમિત અધિકારનો પ્રયોગ કરતી હોય. તેના બદલે, તે એક સુનિયોજિત વ્યવસ્થા છે જેમાં સત્તાનું વિતરણ કરવામાં આવે છે અને મર્યાદાઓ નક્કી કરવામાં આવે છે.
ન્યાયાધીશ ગવઈએ ટિપ્પણી કરી કે, ભારતીય બંધારણીય વ્યવસ્થામાં સંસદ કોઈપણ અર્થમાં સર્વોચ્ચ નથી. ન તો કોઈ અન્ય સંસ્થા સર્વોચ્ચ છે. બંધારણ એકલું પોતાની સર્વોચ્ચતાને માન્યતા આપે છે. બધી સંસ્થાઓ તેમાંથી પોતાનો અધિકાર તેમાંથી પ્રાપ્ત કરે છે, અને બધી તેની મર્યાદાઓથી બંધાયેલી હોય છે.
બંધારણ સભામાં ડૉ. ભીમરાવ આંબેડકરે આપેલા ભાષણનો ઉલ્લેખ કરતા ગવઈએ કહ્યું કે દરેક સંસ્થાનું પોતાનું એક અલગ કાર્યક્ષેત્ર છે. તેમણે સ્પષ્ટ કર્યું કે દરેક સંસ્થા પોતાના કાર્યક્ષેત્રમાં સર્વોચ્ચ છે, પરંતુ આ સર્વોપરિતા બંધારણ દ્વારા મંજૂર કરાયેલ હદ સુધી જ મર્યાદિત છે. ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે સંસદ અને ન્યાયતંત્ર વચ્ચેનો સંબંધ હંમેશાં ટકરાવપૂર્ણ હોતો નથી. ઘણી વખત આ સંબંધ સહયોગાત્મક હોય છે; જ્યાં, ન્યાયિક નવીનતા બંધારણીય ખામીઓને પ્રકાશિત કરે છે, અને સંસદ લોકશાહી માળખામાં તે સિદ્ધાંતોને સંસ્થાગત રૂપ આપીને પ્રતિક્રિયા આપે છે.

