- Tech and Auto
- કરોડોની કાર ખરીદનારા પૈસાદારોને મજા પડી જશે, 15 જુલાઈથી વિદેશી ગાડીઓ થઈ જશે સસ્તી
કરોડોની કાર ખરીદનારા પૈસાદારોને મજા પડી જશે, 15 જુલાઈથી વિદેશી ગાડીઓ થઈ જશે સસ્તી
મોંઘી અને પ્રીમિયમ કાર ખરીદવાનું સપનું જોતા ભારતીયો માટે આગામી દિવસો ખુશખબર લઈને આવી રહ્યા છે. આગામી 15 જુલાઈથી ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચેનો ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વ્યાપાર કરાર) સત્તાવાર રીતે લાગુ થવા જઈ રહ્યો છે. આ કરારના કારણે બંને દેશો વચ્ચેના વ્યાપારમાં અનેક વસ્તુઓ પર લાગતી કસ્ટમ ડ્યુટી (ટેરિફ) કાં તો સાવ નાબૂદ થઈ જશે અથવા ખૂબ ઓછી થઈ જશે. ઓટોમોબાઈલ સેક્ટર માટે આ કરાર ગેમ-ચેન્જર સાબિત થશે, કારણ કે આના કારણે ભારતમાં બ્રિટિશ પ્રીમિયમ કારોની કિંમતોમાં જંગી ઘટાડો જોવા મળશે.
યૂકે (UK) ના ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ એન્ડ ટ્રેડના જણાવ્યા અનુસાર, આ કરાર બાદ બ્રિટિશ ઓટોમોબાઈલ કંપનીઓ માટે ભારતનું બજાર ખૂબ જ સરળ બની જશે. એક નિયત કોટા હેઠળ આ કારો પર અત્યાર સુધી લાગતો 100 ટકા ટેરિફ ઘટીને સીધો 10 ટકા થઈ જશે.

આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને લાગુ કરવાની સત્તાવાર જાહેરાત 17 જૂનના રોજ કરવામાં આવી છે. આ કરારને અમલમાં મૂકતા પહેલાં બંને દેશોની કંપનીઓ અને ઉદ્યોગોને પોતાના સિસ્ટમ અપગ્રેડ કરવા તથા જરૂરી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 28 દિવસનો સમય આપવામાં આવ્યો છે. બ્રિટિશ સરકાર આ ડીલને ભારત સાથેનો અત્યાર સુધીનો સૌથી વ્યાપક વેપાર કરાર ગણાવી રહી છે. જોકે, આ 10% ટેરિફ કટના કોટા હેઠળ બ્રિટિશ કંપનીઓ એક વર્ષમાં ભારતમાં કેટલી ગાડીઓ ઈમ્પોર્ટ (આયાત) કરી શકશે, તેની સત્તાવાર સંખ્યા હજુ જાહેર કરવામાં આવી નથી.
ભારત અને યુકે વચ્ચેની આ ડીલની અસર બજારમાં અત્યારથી જ દેખાવા લાગી છે અને લક્ઝરી કાર કંપનીઓએ પોતાની કિંમતોમાં કાપ મૂકવાની શરૂઆત કરી દીધી છે.
કંપનીએ ગત 5 મેના રોજ યુકેથી ઈમ્પોર્ટ થતા પોતાના બે રેન્જ રોવર મોડલ્સની કિંમતોમાં મોટો ઘટાડો કર્યો હતો. જેમાં Range Rover SV ની કિંમત રૂ. 4.25 કરોડથી રૂ. 75 લાખ ઘટાડીને રૂ. 3.50 કરોડ કરી દેવામાં આવી છે. જ્યારે Range Rover Sport SV ની કિંમતમાં રૂ. 40 લાખનો ઘટાડો કરીને તેને રૂ. 2.75 કરોડથી ઘટાડી રૂ. 2.35 કરોડ કરવામાં આવી છે.

બ્રિટિશ સુપરકાર નિર્માતા મેકલેરેન પણ પોતાની કારોની કિંમતમાં આશરે 38 ટકા સુધીનો ઘટાડો કરવાની તૈયારી કરી રહી છે. કંપનીની McLaren 750S Coupe (જે અગાઉ રૂ. 4.94 કરોડમાં મળતી હતી) તેની કિંમતમાં આશરે રૂ. 3 કરોડ સુધીનો ઘટાડો થવાની સંભાવના છે.
તે જ રીતે, 750S Spider મોડલની કિંમત પણ રૂ. 3.32 કરોડ જેટલી ઘટીને રૂ. 5.46 કરોડ (અગાઉની કિંમત પરથી સુધારેલી) થઈ શકે છે. આગામી દિવસોમાં અન્ય લક્ઝરી કાર કંપનીઓ પણ પોતાના ભાવો ઘટાડવાની જાહેરાત કરી શકે છે.
ટેક્સ કાપ અને કોટાની સંપૂર્ણ વિગતો (પ્રથમ વર્ષ માટે):
નવા એફટીએ (FTA) નિયમો હેઠળ અલગ-અલગ એન્જિન ક્ષમતા ધરાવતી કારો પર ટેક્સનું માળખું નીચે મુજબ રહેશે:
| કારનો પ્રકાર / એન્જિન ક્ષમતા | જૂનો ટેરિફ દર | નવો ટેરિફ દર (પ્રથમ વર્ષ) | વાર્ષિક કારનો કોટા (નિયત સંખ્યા) |
| 3000 cc થી વધુ (પેટ્રોલ) / 2500 cc થી વધુ (ડીઝલ) | 110% | 30% | 10,000 ગાડીઓ |
| 15०० cc થી 3000 cc (પેટ્રોલ) / 2500 cc સુધી (ડીઝલ) | 66% | 50% | 5,000 ગાડીઓ |
| 1500 cc સુધીની તમામ નાની કારો | - | 50% | 5,000 ગાડીઓ |
આ કરાર માત્ર બ્રિટિશ કંપનીઓ માટે જ નહીં, પણ ભારતીય ઉદ્યોગો માટે પણ બ્રિટનના દરવાજા ખોલશે. આ ડીલ બાદ ભારતીય નિકાસકારોને યુકેના બજારમાં મોટો ફાયદો મળશે. ખાસ કરીને ભારતના ટેક્સટાઇલ (કાપડ), લેધર (ચામડું), ફૂટવેર (પગરખાં), ઇલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ્સ (દવાઓ) અને અન્ય ઉત્પાદક ક્ષેત્રો માટે બ્રિટનમાં વ્યાપાર વધારવાની સુવર્ણ તકો સર્જાશે.

