- Tech and Auto
- દરરોજ આ 51 કરોડ કોલનો જવાબ કોઈ નથી આપતું, Truecaller-TRAI આમને-સામને
દરરોજ આ 51 કરોડ કોલનો જવાબ કોઈ નથી આપતું, Truecaller-TRAI આમને-સામને
થોડા દિવસો પહેલા, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ કોલ મેનેજમેન્ટ એપ્સ અને ડિજિટલ પ્લેટફોર્મ જેમ કે Truecaller, Hiya અને Whoscall સામે કાર્યવાહી કરવા માટે ઇન્ફર્મેશન ટેકનોલોજી (IT) એક્ટ હેઠળ સત્તાઓ માંગી હતી. TRAIના જણાવ્યા મુજબ, આ એપ્સ સ્પામ તરીકે કોમર્શિયલ કોમ્યુનિકેશન માટે નિયુક્ત સ્પેશિયલ નંબરિંગ સિરીઝ (1400 અને 1600)ના કોલને ટેગ અને બ્લોક કરી રહી છે. 1400થી શરૂ થતા નંબરોનો ઉપયોગ કંપનીઓ તેમના ઉત્પાદનોનો પ્રચાર કરવા માટે કરે છે, જ્યારે દેશમાં બેંકો દ્વારા 1600નો ઉપયોગ કરવામાં આવે છે. હવે, Truecallerએ આ બાબતે (TRAI દ્વારા તેને નિયંત્રિત કરવાનો પ્રયાસ 'અર્થહીન' છે) આવી પ્રતિક્રિયા આપી છે.
Truecallerના CEO ઋષિત ઝુનઝુનવાલાએ જણાવ્યું હતું કે, કંપનીએ ચોક્કસ નંબર સિરીઝને વ્હાઇટલિસ્ટ કરવાના TRAIના નિર્દેશનું પાલન કર્યું છે, પછી ભલે નિયમનકાર પાસે ઇન્ટરનેટ એપ્સને આવા નિર્દેશો બહાર પાડવાનો અધિકાર હતો કે નહીં તે અંગે પ્રશ્નો ઉભા થયા હોય. જોકે, તેમણે જણાવ્યું હતું કે આ પગલાની અપેક્ષા કરતાં વિપરીત અસર થઈ છે.
ઝુનઝુનવાલાએ X પર લખ્યું, 'બંને શ્રેણીમાંથી દરરોજ 51 કરોડથી વધુ કોલ્સનો જવાબ આપવામાં આવતો નથી.' તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્પામ અને કૌભાંડ કોલ્સના વધતા કમ્યુનિટી રિપોટ્ર્સ છતાં, Truecallerને, 'તેના વપરાશકર્તાઓને આ કોલ્સ સ્પામ છે તે જણાવવાની ના પાડવામાં આવી હતી.'
https://twitter.com/rishj/status/2074765090813854114
તમારી માહિતી માટે બતાવી દઈએ કે, 1400 અને 1600 નંબરથી શરૂ થતા કોલ્સ વ્હાઇટલિસ્ટ કરવામાં આવે છે. આનો અર્થ એ છે કે આવા કોલ્સ બ્લોક કરવામાં આવતા નથી અથવા સ્પામ તરીકે ચિહ્નિત કરવામાં આવતા નથી. જો કે, જ્યારે આવા નંબરો એપ્લિકેશન પર ઘણા વપરાશકર્તાઓ દ્વારા સ્પામ અને બ્લોક કરવામાં આવે છે, ત્યારે એપ્લિકેશન આપમેળે તેમને સ્પામ તરીકે ચિહ્નિત કરે છે.
એપના પ્રીમિયમ વપરાશકર્તાઓ પાસે કોઈપણ નંબર શ્રેણીને બ્લોક કરવાનો વિકલ્પ છે. Truecaller અનુસાર, વપરાશકર્તાઓ TRAI દ્વારા રજૂ કરાયેલ ચોક્કસ નંબર શ્રેણીના કોલ્સ પર વિશ્વાસ ગુમાવી રહ્યા છે. કંપનીએ અહેવાલ આપ્યો છે કે, છેલ્લા 8 મહિનામાં, વપરાશકર્તાઓએ 140-સિરીઝના 81 ટકા અને 1600-સિરીઝના 79 ટકા કોલ્સને અવગણ્યા છે, જ્યારે ઓક્ટોબર 2025થી 1600-સિરીઝના નંબરોને મેન્યુઅલી બ્લોક કરવામાં આવ્યા છે, તેમાં 208 ટકાનો વધારો થયો છે.
ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI) હાલમાં આવા પ્લેટફોર્મ્સ સામે કાર્યવાહી કરી શકતી નથી, કારણ કે તેઓ મધ્યસ્થી તરીકે IT કાયદાના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે. ટેલિકોમ ઓપરેટરોથી વિપરીત, આ પ્લેટફોર્મ્સ ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) હેઠળ લાઇસન્સ પ્રાપ્ત નથી. તેથી, ટેલિકોમ ઓપરેટરોએ રેગ્યુલેટરની સૂચનાઓનું ફરજિયાતપણે પાલન કરવું પડતું હોય છે.

