- Tech and Auto
- સુઝુકીનું ઇલેક્ટ્રિક સ્કૂટર E-એક્સેસ લોન્ચ, પણ કિંમત એટલી છે કે બે વાર વિચારવું પડે
સુઝુકીનું ઇલેક્ટ્રિક સ્કૂટર E-એક્સેસ લોન્ચ, પણ કિંમત એટલી છે કે બે વાર વિચારવું પડે
સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયાએ આખરે ભારતીય બજારમાં તેનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર, E-એક્સેસ લોન્ચ કરી દીધું છે. આ નવા ઇલેક્ટ્રિક સ્કૂટરની શરૂઆતની કિંમત રૂ. 188,490 (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં સુઝુકી માટે આ એક મોટું પગલું માનવામાં આવે છે, કારણ કે તે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે કંપનીનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર છે. દેશભરમાં તમામ સુઝુકી ડીલરશીપ પર તેનું બુકિંગ શરૂ થઈ ગયું છે, જોકે કંપનીએ હજુ સુધી ડિલિવરી તારીખ વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી.
કંપની E-એક્સેસની સાથે ગ્રાહકોને ઘણા આકર્ષક લાભો પણ આપી રહી છે. આમાં 7 વર્ષ અથવા 80,000 કિલોમીટર સુધીની તદ્દન મફત વિસ્તૃત વોરંટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ખરીદીના ત્રણ વર્ષ પછી 60 ટકા સુધીની બાય-બેક ખાતરી ઉપલબ્ધ થશે. હાલના સુઝુકી ગ્રાહકો આ સ્કૂટર પર રૂ. 10,000 સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે, જ્યારે નોન-સુઝુકી ગ્રાહકોને રૂ. 7,000 સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

આ ઇલેક્ટ્રિક સ્કૂટર 4.1 kW ઇલેક્ટ્રિક મોટર દ્વારા સંચાલિત છે, જે 15 Nm ટોર્ક જનરેટ કરે છે. તે ત્રણ રાઇડિંગ મોડ્સ ઓફર કરે છે, ઇકો, રાઇડ A, અને રાઇડ B. તેમાં રિવર્સ મોડ અને રિજનરેટિવ બ્રેકિંગ પણ આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે, બેટરી 10 ટકા ચાર્જ થાય ત્યારે પણ સ્કૂટરનું પ્રદર્શન એવુંને એવું જ રહે છે.
E-એક્સેસમાં લિથિયમ આયર્ન ફોસ્ફેટ (LFP) બેટરી આપવામાં આવી છે. સુઝુકીનો દાવો છે કે આ બેટરી પરંપરાગત NMC બેટરી કરતાં લગભગ ચાર ગણું લાંબુ આયુષ્ય આપે છે. 3.07 kWh બેટરી 95 કિલોમીટરની રેન્જ અને એક જ ચાર્જ પર 71 કિલોમીટર પ્રતિ કલાકની ટોપની ગતિ આપે છે.

સુઝુકી E-એક્સેસ પોર્ટેબલ ચાર્જર અને ફાસ્ટ ચાર્જિંગ બંને વિકલ્પો સાથે ઓફર કરવામાં આવે છે. પોર્ટેબલ ચાર્જરથી સ્કૂટરને 0 થી 80 ટકા ચાર્જ કરવામાં 4 કલાક 30 મિનિટ લાગે છે, જ્યારે ફુલ ચાર્જ કરવામાં 6 કલાક 42 મિનિટ લાગે છે. DC ફાસ્ટ ચાર્જરથી આ સમય નોંધપાત્ર રીતે ઓછો થાય છે, જ્યાં 0 થી 80 ટકા ચાર્જ ફક્ત 1 કલાક 12 મિનિટમાં પ્રાપ્ત થાય છે. ફુલ ચાર્જમાં 2 કલાક 12 મિનિટ લાગે છે. હાલમાં, દેશમાં 240થી વધુ સ્થળોએ DC ફાસ્ટ ચાર્જર ઉપલબ્ધ છે, અને તેનો વિસ્તાર તબક્કાવાર કરવામાં આવશે.
e-Accessને ભારતમાં જ બનાવવામાં આવશે અને તેને નિકાસ બજારોમાં પણ મોકલવામાં આવશે, જે ભારતને સુઝુકી માટે મુખ્ય ઉત્પાદન કેન્દ્ર બનાવશે. સ્કૂટરના પ્રદર્શનની શરૂઆતી છાપ હકારાત્મક બતાવવામાં આવે છે, પરંતુ તેની કિંમત અંગે પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે.

E-Accessની કિંમત તેના સેગમેન્ટમાં અન્ય ઇલેક્ટ્રિક સ્કૂટર કરતા ઘણી વધારે છે. જ્યારે TVS iQubeની કિંમત રૂ. 1.13 લાખ થી રૂ. 1.69 લાખની વચ્ચે છે, ત્યારે Bajaj Chetakની કિંમત રૂ. 1.10 લાખથી રૂ. 1.43 લાખની વચ્ચે છે. આ ઊંચી કિંમત સુઝુકી માટે બજારમાં એક મહત્વપૂર્ણ પડકાર ઉભો કરી શકે છે. બીજી બાજુ, સ્કૂટરની રેન્જને લઈને જેટલી અપેક્ષાઓ રાખી હતી તેના કરતાં ઓછી છે. હવે આ સ્કૂટર બજારમાં કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

