- Tech and Auto
- મેડ ઇન ઇન્ડિયા આ કારને સાઉથ આફ્રિકાના ક્રેશ ટેસ્ટમાં મળ્યું માત્ર 1-સ્ટાર સેફ્ટી રેટિંગ
મેડ ઇન ઇન્ડિયા આ કારને સાઉથ આફ્રિકાના ક્રેશ ટેસ્ટમાં મળ્યું માત્ર 1-સ્ટાર સેફ્ટી રેટિંગ
ગ્લોબલ NCAP (GNCAP) દ્વારા તાજેતરમાં કિયા સોનેટ (Kia Sonet) કારની ક્રેશ ટેસ્ટ કરવામાં આવી છે, જેમાં આ કોમ્પેક્ટ SUVનું પ્રદર્શન ખૂબ જ નબળું રહ્યું છે. આ ટેસ્ટમાં કિયા સોનેટને પુખ્ત વયના લોકોની સુરક્ષા (Adult Occupant Protection) માટે માત્ર 1-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે, જ્યારે બાળકોની સુરક્ષા (Child Occupant Protection) માટે તેને 3-સ્ટાર રેટિંગ મળ્યું છે.
અહીં ખાસ નોંધવું જરૂરી છે કે, જે મોડલની ટેસ્ટ કરવામાં આવી છે તેનું ઉત્પાદન ભારતમાં જ થયું છે પરંતુ તે દક્ષિણ આફ્રિકાના બજાર માટે તૈયાર કરાયેલું મોડલ છે. આ વેરિઅન્ટમાં માત્ર બે જ એરબેગ્સ આપવામાં આવે છે અને ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC) સ્ટાન્ડર્ડ ફીચર તરીકે મળતું નથી. જોકે, ભારતમાં વેચાતી કિયા સોનેટમાં કંપની સ્ટાન્ડર્ડ તરીકે જ ૬ એરબેગ્સ અને ESC જેવા સુરક્ષા ફીચર્સ આપે છે, જેથી આ ૧-સ્ટાર રેટિંગની ભારતીય મોડલ પર કોઈ અસર પડતી નથી. સોનેટ એસયુવી લોન્ચ થયા બાદ કોઈ પણ NCAP સંસ્થા દ્વારા તેની ક્રેશ ટેસ્ટ કરાઈ હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.

પુખ્ત વયના લોકોની સુરક્ષા (AOP) ના પરિણામો
પુખ્ત વયના લોકોની સુરક્ષા માટેની ટેસ્ટમાં સોનેટને 34 માંથી 21.29 પોઇન્ટ મળ્યા અને માત્ર 1-સ્ટાર રેટિંગથી સંતોષ માનવો પડ્યો.
સામેથી થતી ટક્કરની ટેસ્ટમાં આ કારને 16 માંથી 9 પોઇન્ટ મળ્યા હતા. જેમાં ડ્રાઇવર અને તેની બાજુમાં બેઠેલા પેસેન્જરના માથા અને ગરદનને 'સારી' સુરક્ષા મળી હતી. ડ્રાઇવરની ડાબી પિંડલી અને પેસેન્જરની છાતીના ભાગને પણ સારી સુરક્ષા મળી હતી.
ડ્રાઇવરની છાતી, જમણી પિંડલી તેમજ પેસેન્જરના બંને પગની પિંડલી માટે સુરક્ષા 'યોગ્ય' ગણવામાં આવી હતી. જોકે, ડ્રાઇવર અને પેસેન્જર બંનેના ઘૂંટણની સુરક્ષા 'સાધારણ' રહી હતી, કારણ કે અકસ્માત વખતે ડેશબોર્ડની પાછળ રહેલા જોખમી ભાગો સાથે ઘૂંટણ અથડાવાની શક્યતા રહે છે. ડ્રાઇવરના પંજા-પગના ભાગ માટે સુરક્ષા 'ખૂબ જ નબળી' નોંધાઈ હતી.
બાજુમાંથી થતી ટક્કરની ટેસ્ટમાં સોનેટે માથા અને કમરના ભાગ માટે 'સારી' સુરક્ષા આપી હતી, જ્યારે પેટના ભાગ માટે સુરક્ષા 'યોગ્ય' અને છાતી માટે 'ખૂબ જ નબળી' રહી હતી. આ કારમાં કર્ટેન એરબેગ્સ ઉપલબ્ધ ન હોવાને કારણે 'સાઇડ પોલ ઇમ્પેક્ટ ટેસ્ટ' કરવામાં આવી ન હતી.
ગ્લોબલ NCAP ના રિપોર્ટ અનુસાર, અકસ્માત દરમિયાન કારનો નીચેનો ભાગને તેનું મુખ્ય માળખું અસ્થિર સાબિત થયા હતા. આ માળખું આનાથી વધુ ભાર ઝીલવા માટે સક્ષમ નથી. એજન્સીએ વધુમાં ઉમેર્યું કે કારનું ESC ટેકનિકલ જરૂરિયાતો પૂરી કરે છે પરંતુ તે સ્ટાન્ડર્ડ તરીકે અપાતું નથી, અને માત્ર ડ્રાઇવર સીટનું સીટ બેલ્ટ રિમાઇન્ડર જ ગ્લોબલ NCAP ના નિયમો પર ખરું ઉતર્યું છે.
બાળકોની સુરક્ષા (COP) ના પરિણામો
ડાયનેમિક સ્કોર: 24/24
CRS ઇન્સ્ટોલેશન સ્કોર: 4.57/12
વ્હીકલ એસેસમેન્ટ સ્કોર: 0/13
બે એરબેગ વાળા આ વેરિઅન્ટે બાળકોની સુરક્ષા માટે 49 માંથી 28.57 પોઇન્ટ મેળવ્યા અને 3-સ્ટાર રેટિંગ હાસિલ કર્યું. આ ટેસ્ટ માટે 18 મહિના અને 3 વર્ષના બાળકના કદના ડમીઝ (રમકડાં) ને પાછળની સીટ પર 'આઇસોફિક્સ' એન્કરેજ અને સપોર્ટ લેગની મદદથી પાછળની તરફ મોં રાખીને બેસાડવામાં આવ્યા હતા. બંને ડમીઝે ફ્રન્ટલ અને સાઇડ ક્રેશ ટેસ્ટમાં અનુક્રમે 8 માંથી 8 અને 4 માંથી 4 પૂરેપૂરા પોઇન્ટ મેળવ્યા હતા.

જોકે, ચાઇલ્ડ રિસ્ટ્રેઇન્ટ સિસ્ટમના ઇન્સ્ટોલેશનમાં સોનેટે પોઇન્ટ ગુમાવ્યા છે, કારણ કે પાછળની સીટની મધ્યમાં માત્ર લેપ-ટાઇપ (કમર પર બાંધવાનો) સીટબેલ્ટ આપવામાં આવ્યો છે, જ્યારે અન્ય સીટો પર 3-પોઇન્ટ સીટબેલ્ટ મળે છે. આ ઉપરાંત, કારની આગળની પેસેન્જર સીટ તરફની એરબેગને બંધ કરવાનો કોઈ વિકલ્પ નથી, જે ચાઇલ્ડ સીટ લગાવવા માટે ખૂબ જરૂરી હોય છે. આ કારણોસર પણ સોનેટના પોઇન્ટ કપાયા છે.

