- National
- IVF દ્વારા દંપત્તિને થયા જોડિયા બાળકો, પરંતુ DNA ટેસ્ટ કરાવ્યો તો માતા-પિતા બંને સાથે મેચ ન થયો!
IVF દ્વારા દંપત્તિને થયા જોડિયા બાળકો, પરંતુ DNA ટેસ્ટ કરાવ્યો તો માતા-પિતા બંને સાથે મેચ ન થયો!
દિલ્હી-NCRમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે IVF પ્રક્રિયા અને હોસ્પિટલોની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા થઇ ગયા છે. ગુરુગ્રામમાં રહેતા એક દંપતી દાવો કરી રહ્યું છે કે, IVF દ્વારા જન્મેલા જોડિયા બાળકો તેમના પોતાના બાળકો નથી. દંપતીનું કહેવું છે કે DNA ટેસ્ટ પિતા કે માતા બંનેના DNA સાથે મેળ ખાતો નહોતો. કોર્ટના આદેશ પર હવે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ગુરુગ્રામના રાહુલ રાઠોડ અને તેમની પત્ની મીનુ રાઠોડ, જેમણે IVF ટેકનોલોજી દ્વારા માતાપિતા બનવાનું સ્વપ્ન જોયું હતું, તેઓ હવે પોતાના જ બાળકોની શોધમાં ઘરે ઘરે ભટકવા માટે મજબૂર થયા છે. દંપતીનો આરોપ છે કે, તેઓએ દિલ્હીના ગ્રેટર કૈલાશમાં એક IVF સેન્ટરમાં સારવાર લીધી અને ત્યાર પછી દ્વારકાની એક હોસ્પિટલમાં જોડિયા બાળકોને જન્મ આપ્યો. પરંતુ, જોડિયા બાળકોના જન્મ પછી, DNA ટેસ્ટ કરવામાં આવ્યો, જેનાથી સમગ્ર પરિવાર ચોંકી ગયો.

રાહુલ રાઠોડનો દાવો છે કે DNA રિપોર્ટ મુજબ, આ બંને બાળકો તેમના કે તેમની પત્નીના જૈવિક બાળકો નથી. ત્યારથી, આ દંપતી હોસ્પિટલો, પોલીસ અને કોર્ટ વચ્ચે ધક્કાઓ ખાઈ રહ્યા છે. તેમનો આરોપ છે કે શરૂઆતના મહિનાઓમાં તેમની ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેના કારણે તેમને કોર્ટનો સંપર્ક કરવો પડ્યો હતો. કોર્ટના આદેશ પછી, પોલીસે કેસ નોંધ્યો.
પીડિત દંપતીનો આરોપ છે કે આ સમગ્ર મામલામાં કોઈપણ પ્રકારે ગર્ભની અથવા બાળકની અદલાબદલી થઇ હોવાની શક્યતા છે. રાહુલ રાઠોડ કહે છે કે તેમણે અનેક સંસ્થાઓ અને અધિકારીઓ સમક્ષ ફરિયાદો નોંધાવી છે, અને સાથે તેમણે PM, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન અને દિલ્હી સરકાર પાસેથી પણ હસ્તક્ષેપની માંગણી કરી છે.

રાહુલનો આરોપ છે કે, જ્યારે તેમણે DNA ટેસ્ટની માંગણી કરી હતી, ત્યારે શરૂઆતમાં તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી DNA રિપોર્ટ જાહેર થયા પછી મામલો વધુ ગંભીર થઇ ગયો હતો. દંપતીનો દાવો છે કે કોર્ટમાં રજૂ કરાયેલા કેટલાક દસ્તાવેજો પર પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે, અને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ જરૂરી છે.
રાહુલ રાઠોડ કહે છે કે, પાંચ મહિના વીતી ગયા છતાં, તેઓ ન તો તેમના બાળકોને શોધી શક્યા છે અને ન તો કેસમાં કોઈ નક્કર પ્રગતિ જોઈ શક્યા છે. આ જ કારણ છે કે તેમણે સોશિયલ મીડિયા દ્વારા આખા દેશ સમક્ષ પોતાની વાર્તા શેર કરવાનું નક્કી કર્યું.

સોશિયલ મીડિયા પર ફરતા એક વીડિયોમાં, રાહુલ અને મીનુ રાઠોડ તેમના પર વીતેલી આખી વાતનું વર્ણન કરતા જોવા મળે છે. દંપતી કહે છે કે તેમને એ પણ ખબર નથી કે કથિત અનિયમિતતા ડિલિવરી દરમિયાન થઈ હતી કે પહેલા કોઈ તબક્કે. દંપતીએ હોસ્પિટલ મેનેજમેન્ટ પર પણ અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. રાહુલ રાઠોડનો દાવો છે કે, તેમની પાસે કેટલીક વાતચીતના રેકોર્ડિંગ છે, જે તેમણે તપાસ એજન્સીઓ અને કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે.
કોર્ટે સંબંધિત રેકોર્ડ પણ મંગાવ્યા હોવાનું કહેવાય છે. જોકે, આ આરોપો અંગે સંબંધિત હોસ્પિટલો તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા મળી નથી. તેથી, સમગ્ર મામલાની સત્યતા તપાસ પછી જ બહાર આવશે.
દરેકની નજર હવે પોલીસ તપાસ અને કોર્ટ-નિરીક્ષણ હેઠળ ચાલી રહેલી કાર્યવાહી પર ટકેલી છે. પ્રશ્ન ફક્ત એક પરિવારનો નથી, પરંતુ એવા હજારો પરિવારોનો પણ છે જે IVF જેવી આધુનિક તબીબી તકનીકો પર આધાર રાખીને માતાપિતા બનવાનું સ્વપ્ન જુએ છે.

