- Astro and Religion
- દિવાળી ક્યારે? 20 તારીખે કે 21 તારીખે, જાણો શુભ મુહૂર્ત અને પૂજાવિધિ
દિવાળી ક્યારે? 20 તારીખે કે 21 તારીખે, જાણો શુભ મુહૂર્ત અને પૂજાવિધિ
દિવાળીનો મહાપર્વ સોમવાર, 20 ઓક્ટોબર, 2025 ના રોજ ઉજવવામાં આવશે. જ્યોતિષીય ગણના મુજબ, આસો વદ અમાસ તિથિ સોમવારે બપોરે 2:32 વાગ્યે શરૂ થશે અને મંગળવાર, 21 ઓક્ટોબર, 2025 ના રોજ સાંજે 4:26 વાગ્યા સુધી ચાલશે. ગ્રહોના અદ્ભૂત સંયોગમાં આ દિવસે પૂજાનું વિશેષ મહત્ત્વ છે.
પૂજા માટેના શુભ મુહૂર્ત
દિવાળી પર લક્ષ્મી-ગણેશ પૂજા માટેનો શુભ સમય બપોરે 2:39 વાગ્યાથી મધ્યરાત્રિ સુધીનો છે. સ્થિર લગ્નમાં પૂજા કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીની સ્થિરતા રહે છે. મહાલક્ષ્મી પૂજા માટેના મુખ્ય શુભ મુહૂર્તો આ પ્રમાણે છે:
કુંભ લગ્ન: બપોરે 2:09 થી 3:40 સુધી
વૃષભ લગ્ન: સાંજે 6:51 થી 8:48 સુધી
સિંહ લગ્ન: વહેલી સવારે 1:19 થી 3:33 સુધી
મોટાભાગના લોકો દિવાળીની રાત્રે વૃષભ લગ્ન દરમિયાન મહાલક્ષ્મીની પૂજા કરે છે.
ગ્રહોનો વિશેષ સંયોગ અને શ્રીયંત્ર સ્થાપના
ગ્રહોનો સંયોગ:
દિવાળીના દિવસે મંગળ, સૂર્ય અને બુધ ગ્રહોનો વિશેષ સંયોગ રચાઈ રહ્યો છે, જે તમામ રાશિના જાતકો માટે શુભ ફળદાયી માનવામાં આવે છે.
શ્રીયંત્ર સ્થાપના:
દિવાળીના પાવન અવસરે સ્ફટિક અથવા પારાના શ્રીયંત્રની સ્થાપના અને પૂજાનું વિશેષ મહત્ત્વ છે. શ્રીયંત્ર દેવી ત્રિપુરસુંદરી (લલિતા દેવી)નું યંત્ર છે, જે ઐશ્વર્યની દેવી છે.
શ્રીયંત્રનો કેસરયુક્ત ગાયના દૂધ વડે અભિષેક કરી શ્રીમંત્રનો જાપ કરવો જોઈએ.
જે ઘરમાં કે સંસ્થામાં શ્રીયંત્ર સ્થાપિત હોય અને નિયમિત પૂજા થતી હોય, ત્યાં ક્યારેય પૈસાની અછત થતી નથી.
દિવાળીની પૂજા વિધિ
દિવાળીના દિવસે મુખ્યત્વે ભગવાન ગણેશ, લક્ષ્મી, ઇન્દ્ર, કુબેર, સરસ્વતી અને મા કાલીની પૂજા કરવામાં આવે છે.
સૌથી પહેલાં ઘર કે દુકાનમાં બંધનબાર લગાવો. સાંજે, ગંગાજળથી શુદ્ધ કરેલા સ્વચ્છ બાજોઠ પર પૂજા માટેની સામગ્રી તૈયાર કરો.
સ્થાપના: બાજોઠ પર ગણેશ, લક્ષ્મી, કુબેર અને શ્રી યંત્રની સ્થાપના કરો.
કળશ સ્થાપના: પૂજા સ્થાન પર પાણીથી ભરેલો તાંબા કે માટીનો કળશ મૂકો. કળશ પર કંકુથી સ્વસ્તિક અને શ્રી લખો અને નાડાછડી બાંધો.
કળશમાં સામગ્રી: કળશમાં આંબાનાં પાન, સોપારી, સિક્કો, સર્વ ઔષધિ, પંચરત્ન અને સપ્તમાતૃકા ઉમેર્યા બાદ તેના પર નાળિયેર મૂકી પૂજા કરો.
દીપ પ્રાગટ્ય: લક્ષ્મી અને ગણેશની મૂર્તિઓ સામે પાંચ ઘી અથવા તેલના દીવા પ્રગટાવો.
પૂજન: દેવી લક્ષ્મીને પ્રિય એવા કમળના ફૂલ અથવા કમળના બીજ અર્પણ કરો. ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજા કર્યા બાદ કુબેરની પૂજા કરવી.
વ્યવસાયિક વસ્તુઓની પૂજા: ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે તિજોરી, રોકડ પેટી અને ખાતાવહીની પણ પૂજા કરવી જોઈએ.

