- Business
- ‘મજા નહોતી આવતી..’, 2.7 કરોડની નોકરી છોડીને 22 વર્ષીય યુવકે સંભળાવી આપવીતી
‘મજા નહોતી આવતી..’, 2.7 કરોડની નોકરી છોડીને 22 વર્ષીય યુવકે સંભળાવી આપવીતી
સ્ટાર્ટઅપ્સની ઝડપી ગતિવાળી દુનિયામાં, ઘણીવાર એવું શીખવવામાં આવે છે કે જેટલું વધુ કામ, તેટલી મોટી સફળતા. જોકે, અમેરિકામાં એક યુવા એક્ઝિક્યૂટિવે આ ખ્યાલ પર ગંભીર પ્રશ્નો ઉભા કરી દીધા છે. અમેરિકામાં એક AI સ્ટાર્ટઅપના ચીફ માર્કેટિંગ ઓફિસરે 12 કલાકના વર્કવીકથી હતાશ થઈને પોતાની કરોડો ડોલરની નોકરી છોડી દીધી. આ નિર્ણય હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે.
આ મામલો AI સ્ટાર્ટઅપ Cluely સાથે જોડાયેલો છે. 22 વર્ષીય ડેનિયલ મિને ચીફ માર્કેટિંગ ઓફિસર (CMO) તરીકેના પદ પરથી રાજીનામું આપી દીધું. ડેનિયલ મિનનું કહેવું છે કે, સતત 12 કલાક કામ કરવાની દિનચર્યા તેમના અંગત જિંદગીને પૂરી રીતે ખાઈ રહી હતી.
ડેનિયલ મિને ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા એક વીડિયોમાં જણાવ્યું કે તેને વાર્ષિક 300,000 ડૉલરથી વધુ એટલે કે લગભગ 2.7 કરોડ રૂપિયાનો પગાર મળી રહ્યો હતો. છતા તે તેની જિંદગીની સૌથી મહત્ત્વપૂર્ણ ક્ષણો ગુમાવી રહ્યો હતો જેમ કે મિત્રો સાથે ભોજન, પરિવાર સાથેનો સમય, અને તેના જન્મદિવસ પર તેના નાના ભાઈને સરપ્રાઈઝ કરવાની તક પણ.
ડેનિયલ કહે છે કે, 21 વર્ષની ઉંમરમાં મને લાગતું હતું કે દિવસ-રાત કામ કરવું એ જ સાચો રસ્તો છે. પરંતુ ધીમે-ધીમે મને સમજાયું કે હું જિંદગીની નાની-નાની ખુશીઓ ગુમાવી રહ્યો છું.’ ડેનિયલ મિન મે 2025માં Cluelyમાં જોડાયો હતો. તે સમયે તે માત્ર 21 વર્ષનો હતો. તેણે તાજેતરમાં જ ‘ધ વ્હાર્ટન સ્કૂલ’માંથી માર્કેટિંગ અને ઓપરેશન્સ મેનેજમેન્ટનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. શરૂઆતમાં કામ રોમાન્ચક લાગતું હતું. મોટી જવાબદારી અને ઝડપી વૃદ્ધિએ તેને ઉત્સાહિત કર્યો, પરંતુ 4 મહિનામાં જ વસ્તુઓ બદલાવા લાગી.
ડેનિયલના મતે, સમય સાથે તેનું કામ એક જેવું અને કંટાળાજનક લાગવા લાગ્યું. ‘એક લીડર હોવાના સંબંધમાં હું મારું 100% આપી રહ્યો હતો. શરૂઆતમાં બધું સારું હતું, પરંતુ ધીમે-ધીમે એ જ દિનચર્યા, એ જ દબાણ... બધું બોજ જેવું લાગવા લાગ્યું.’
જ્યારે Cluelyના CEO, રોય લીએ ડેનિયલની ઉદાસીનો અહેસાસ કર્યો તો તેની સાથે વાત કરી, ત્યારે તે પોતાની જાતને સંભાળી ન શક્યો. તેણે કહ્યું કે, ‘મેં તેમને કહ્યું કે હું લાંબા સમયથી કંપની છોડવાનું વિચારી રહ્યો હતો, અને આમ કહેતા હું રડી પડ્યો.’ ડેનિયલના જણાવ્યા મુજબ, કંપનીના CEOએ તેને પૂરું સમર્થન આપ્યું અને કહ્યું કે, તેણે એ જ રસ્તો પસંદ કરવો જોઈએ, જેનાથી તે ખુશ રહી શકે.
ડેનિયલ મીન કહે છે કે, Cluely તેમના માટે માત્ર એક કંપની નથી, પરંતુ એક પ્રકારનો ભાઈચારો હતો, જ્યાં તેઓ દરરોજ લગભગ 12 કલાક સાથે વિતાવતો હતો. પરંતુ આખરે તેને સમજાયું કે આ તે રસ્તો નથી, જેના પર તે પોતાની જિંદગી આગળ લઈ જવા માંગતો હતો. અંતે, ડેનિયલ મીને કહ્યું કે, ‘મને સમજાયું કે મને કેવા પ્રકારનની જિંદગી જોઈએ છે.’

