- Business
- રોકાણ માટે યુવાઓની પહેલી પસંદ બની રહ્યો છે શેર બજાર, શું છે તેનું કારણ?
રોકાણ માટે યુવાઓની પહેલી પસંદ બની રહ્યો છે શેર બજાર, શું છે તેનું કારણ?

ભારતમાં, 35 વર્ષથી ઓછી ઉંમરના 45 ટકા યુવાનો શેરબજારમાં રોકાણને પ્રાથમિકતા આપી રહ્યા છે. રિસર્ચ ફર્મ 1Lattice અને StockGro ના તાજેતરના અહેવાલ મુજબ, યુવાનોમાં ઇક્વિટી રોકાણ તરફ વધતા વલણ વધવાનું મુખ્ય કારણ નાણાકીય જાગૃતિ, ટેક્નોલોજીની મદદથી સારા રોકાણ વિકલ્પ અને લોન્ગ ટર્મ વેલ્થ ક્રિએશનનું લક્ષ્ય છે.
ઇક્વિટી રોકાણ પર કેમ ફોકસ કરી રહ્યા છે યુવાનો?
રિપોર્ટ મુજબ, 81% ઉત્તરદાતાઓએ શેરબજારમાં રોકાણ કરી રાખ્યું છે, જે દર્શાવે છે કે યુવા પરંપરાગત બચત યોજનાઓથી હટીને સીધા ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરી રહ્યા છે. જોકે, 42% બિન-રોકાણકારોને લાગે છે કે તેમની પાસે રોકાણ શરૂ કરવા માટે જરૂરી માહિતીનો અભાવ છે, જ્યારે 44% રોકાણકારો સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન ઇચ્છે છે.
ડિજિટલ પ્લેટફોર્મ અને AIથી રોકાણ શીખવું સરળ
ડિજિટલ રોકાણ પ્લેટફોર્મની વધતી જતી લોકપ્રિયતાને કારણે, 68% રોકાણકાર ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીને ટ્રેડિંગ અને રોકાણ શીખવાનું પસંદ કરી રહ્યા છે. આ ઉપરાંત, 38% લોકો ઓનલાઈન વીડિયો કોર્સ દ્વારા રોકાણની માહિતી મેળવવાનું પસંદ કરે છે.
AI બેઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિકમેન્ડેશન, રીઅલ-ટાઇમ ડેટા અને વર્ચ્યુઅલ ટ્રેડિંગ એક્સપીરિયન્સ જેવી સુવિધાઓએ રોકાણને સરળ બનાવ્યું છે. લગભગ 50% નવા રોકાણકારો રિયલ મનીનું રોકાણ કરતા પહેલા વર્ચ્યુઅલ મનીનો ઉપયોગ કરે છે.
બજારની અસ્થિરતાને લઇને રોકાણકારોની ચિંતા
જોકે,51% રોકાણકાર સંભવિત બજારની અસ્થિરતાને લઇને ચિંતિત છે. છેલ્લા કેટલાક મહિનામાં સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ 15 ટકાનો ઘટાડો થયો છે. તેનાથી રોકાણકારોની ચિંતા વધી રહી છે. જોકે, તેમને આશા છે કે બજારમાં ટૂંક સમયમાં રિકવરી થશે. રિપોર્ટ દર્શાવે છે કે ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ નાના શહેરો સુધી પહોંચી રહ્યા છે, જેને કારણે વધુ લોકો નાણાકીય સાક્ષરતા મેળવી રહ્યા છે.
ડિજિટલ પ્લેટફોર્મ રોકાણને બનાવી રહ્યા છે સરળ
સ્ટોકગ્રોના સ્થાપક અને CEO અજય લાખોટિયાએ કહ્યું કે, યુવા રોકાણકારો ડિજિટલ રોકાણ અને ઇક્વિટી માર્કેટ તરફ આગળ વધી રહ્યા છે. નાણાકીય સાક્ષરતા પહેલા કરત વધુ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે.
1Lattice ના CEO અમર ચૌધરીના જણાવ્યા અનુસાર, ઇક્વિટી રોકાણ હવે વેલ્થ ક્રિએશન અને પેસિવ ઇનકમના સાધન તરીકે અપનાવવામાં આવી રહ્યું છે. જોકે, વધતી જતી રુચિ હોવા છતા, ફાઇનાન્શિયલ એજ્યુકેશન મોટો પડકાર રહે છે.