- Business
- 90% સસ્તી થશે આ વસ્તુઓ, ભારત-EU ટ્રેડ ડીલથી સામાન્ય માણસને કેટલો ફાયદો થશે?
90% સસ્તી થશે આ વસ્તુઓ, ભારત-EU ટ્રેડ ડીલથી સામાન્ય માણસને કેટલો ફાયદો થશે?
ભારત અને યુરોપ વચ્ચે એક ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. લગભગ 2 દાયકાની તૂટક-તૂટક વાટાઘાટો બાદ, આ ડીલ ભારતને પોતાના વિશાળ અને કડક નિયમોવાળા બજારને EU સાથે મુક્ત વેપાર માટે ખોલવાની મંજૂરી આપશે. આ ટ્રેડ ડીલથી EUથી આવતા લગભગ 90% ઉત્પાદનો પર અથવા તો ટેરિફ દૂર કરી દેવામાં આવ્યો છે અથવા ઘટાડવામાં આવ્યો છે. આ ડીલથી ભારતમાં બીયર અને વાઇન પણ સસ્તી થઈ જશે, કારણ કે તેના પર લાગતા ટેરિફ ઘટાડી દેવામાં આવ્યા છે.
ભારતે EUના 27 દેશોમાંથી આયાત થતા વાઇન અને બીયર પરના ટેરિફ ઘટાડ્યા છે. બીયર પરનો ટેક્સ 50% કર્યો છે અને સ્પિરિટ પરનો ટેક્સ 40% કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વાઇન પરનો ટેક્સ ઘટાડીને 20-30% કરવામાં આવ્યો છે. ત્યારબાદ, દેશમાં વિદેશી દારૂ, ખાસ કરીને યુરોપથી આયાત કરાયેલ વાઇન દેશમાં સસ્તી થશે.
આ સામાનો પરથી દૂર કર્યો ટેક્સ
ભારતે જ્યાં બીયર અને વાઇન પરના ટેક્સ ઘટાડ્યા છે, ત્યારે તેણે કેટલાક ઉત્પાદનો પરના ટેરિફ પણ શૂન્ય કરી દીધા છે. ઓલિવ ઓઇલ, માર્જરિન અને વનસ્પતિ તેલ પરના ટેક્સ પૂરી રીતે નાબૂદ કરવામાં આવ્યા છે. ફ્રૂટ જ્યૂસ અને પ્રોસેસ્ડ ફૂડ પરના ટેક્સ પણ નાબૂદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. પાસ્તા અને ચોકલેટ પર લાગતા ટેક્સ પણ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યા છે.
ટ્રેડ ડીલમાં સૌથી મોટી જાહેરાત કારો પરના ટેરિફની છે. ભારતે યુરોપથી આયાત થતી લક્ઝરી કાર અને મોટર વાહનો પરનો ટેક્સ 110% થી ઘટાડીને 10% કરવાની જાહેરાત કરી છે. જો કે, તેમાં વાર્ષિક 2.5 લાખ વાહનોની મર્યાદા પણ લાદી છે. આ ઉપરાંત, મશીનરી પરના 44% સુધીના ટેક્સમાંથી મોટાભાગનાને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. રસાયણો પર લાગતા 22% ટેક્સમાંથી મોટાભાગનાને નાબૂદ કરવામાં આવશે. ફાર્માસ્યૂટિકલ્સ પર લાગતો 11% ટેક્સ મોટે ભાગે નાબૂદ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, લગભગ તમામ એરક્રાફ્ટ અને સ્પેસક્રાફ્ટ પર લગભગ બધ ઉત્પાદનો પરના ટેક્સ દૂર કરવામાં આવ્યા છે.
ભારતને મળશે 4,500 કરોડનું બજેટ
ફ્રી ટ્રેડ ડીલ હેઠળ, ભારતને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરવા માટે આગામી 2 વર્ષમાં EU તરફથી €500 મિલિયન એટલે કે લગભગ 4,500 કરોડ રૂપિયાનો સહયોગ મળશે. EUના ટ્રેડમાર્ક, ડિઝાઇન, કોપીરાઇટ અને ટ્રેડ રહસ્યોને મજબૂત કાયદાકીય રક્ષણ મળશે. સુરક્ષિત, ન્યાયી અને વિશ્વસનીય ઓનલાઈન ટ્રેડ સુનિશ્ચિત કરવા માટે ડિજિટલ ટ્રેડ માટે એક ખાસ ચેપ્ટર હશે.
ફાઈનાન્શિયલ અને મેરિટાઈમ સર્વિસિસમાં EUની સર્વિસ કંપનીઓને ભારતમાં વિશેષ સુવિધા મળશે. સારી બજાર પહોંચથી નવા બિઝનેસ અને રોજગારની તકો ખુલશે. નાના અને મધ્યમ કદના ઉદ્યોગો (SMEs) માટે અલગથી એક વિશેષ ચેપ્ટર હશે. કંપનીઓને મદદ કરવા માટે SME કોન્ટેક્ટ પોઇન્ટ્સ બનાવવામાં આવશે, જેથી વેપાર સરળ થઈ શકે.

